બે દિવસમાં સુરતથી ટ્રેનમાં 60 હજાર મુસાફરો વતન રવાના:દર 2 કલાકે દોડાવાઈ સ્પેશિયલ ટ્રેન, આ વર્ષે ડબલ ભીડ થતા વર્ષ 2025નો રેકોર્ડ તૂટ્યો

📅 Published: November 8, 2026 | 📂 Category: gujarati-news

આજે 8 નવેમ્બરે દિવાળી અને આગામી છઠ પૂજાના તહેવારને પગલે પોતાના વતન બિહાર, ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શનિવારથી જ સ્ટેશન પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી, જેને પહોંચી વળવા માટે રેલવે પ્રશાસન દ્વારા દર 2 કલાકે સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સ્થિતિ નિયંત્રણમાં રાખવામાં આવી હતી. ગત વર્ષે નોંધાયેલી ભીડની સરખામણીએ આ વખતે મુસાફરોનો આંકડો લગભગ બમણો થઈ ગયો હોવા છતાં લાઈનસર વ્યવસ્થાને કારણે સ્ટેશન પર કોઈ મોટી અવ્યવસ્થા કે નાસભાગની સ્થિતિ સર્જાઈ નહોતી. બે દિવસમાં 60 હજાર મુસાફરો ટ્રેનમાં વતન રવાના
પશ્ચિમ રેલવેના ડીઆરએમ (DRM) પંકજસિંગે જણાવ્યું હતું કે, દિવાળીના કારણે શુક્રવારથી જ લોકો નીકળવા લાગ્યા હતા. શુક્રવારે પગાર અને શાળાઓમાં વેકેશન શરૂ થતાં લોકો એકસાથે સ્ટેશને પહોંચ્યા હતા. શુક્રવારે 6 થી 7 સ્પેશિયલ ટ્રેનો અને નિયમિત ટ્રેનો મળીને અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શનિવાર-રવિવાર મળીને અગાઉ 15 હજાર મુસાફરો નોંધાતા હતા, ત્યારબાદ 25 હજાર થયા અને ગયા વર્ષે આ આંકડો 35 હજાર હતો. પરંતુ આ વર્ષે પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને માત્ર શનિ-રવિમાં જ 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાનું સંચાલન કરવામાં આવ્યું છે. દર 2 કલાકે સ્પેશિયલ ટ્રેનનું સંચાલન
મુસાફરોને સ્ટેશન પર વધુ સમય સુધી અટવાવું ન પડે તે માટે રેલવે દ્વારા રાઉન્ડ ધ ક્લોક ટ્રેનોનું શિડ્યુલ ગોઠવવામાં આવ્યું હતું. શનિવારે સવારે 5:30, 8:30, 10:10 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ, 11:30 અને બપોરે 1:00 વાગ્યે ટ્રેનો દોડાવવામાં આવી હતી. સાંજ પડતાં ફરી ભીડ વધતાં રાત્રે 10:00, 11:30, મોડી રાત્રે 1:30, વહેલી સવારે 3:00, 5:00, 7:00, 8:30 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ અને ત્યારબાદ તાપ્તી ગંગા તેમજ જયનગર સ્પેશિયલ સહિતની ટ્રેનો સતત દોડતી રાખવામાં આવી હતી. 15 હજાર ચોરસ મીટરના 3 સુવિધા કેન્દ્રો બફર ઝોન બન્યા
રાત્રિના સમયે અચાનક વધતી ભીડને કાબૂમાં રાખવા રેલવે દ્વારા ત્રણ વિશાળ ‘યાત્રી સુવિધા કેન્દ્રો’ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર નંબર 1: સૌથી મોટું કેન્દ્ર, જે આશરે 6,500 ચોરસ મીટરનું છે. કેન્દ્ર નંબર 2 અને 3: અનુક્રમે 2,500 અને 3,500 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે. કુલ 14 થી 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ કેન્દ્રોમાં પીવાનું શુદ્ધ પાણી, વીજળી, પંખા, શૌચાલય, વધારાની ટિકિટ બારીઓ અને સીસીટીવી કેમેરા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાઈ છે. આ કેન્દ્રો ‘બફર ઝોન’ તરીકે કામ કરે છે, જ્યાં મુસાફરોને પહેલાં બેસાડવામાં આવે છે અને ટ્રેન આવ્યા બાદ ક્રમબદ્ધ રીતે લાઈન કરાવીને સીધા કોચ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી પ્લેટફોર્મ પર ધક્કામુક્કી થતી નથી. ‘લાઈનમાં ઊભા રહેવું પડ્યું પણ ધક્કામુક્કી વિના સીટ મળી’
બિહાર જઈ રહેલા મુસાફર મુન્ના કુમાર સિંહે જણાવ્યું હતું કે, “સરકારે જયનગર સ્પેશિયલ ચલાવીને ઘણો સારો નિર્ણય લીધો છે. લાખો મુસાફરો જઈ રહ્યા હોવા છતાં પ્રશાસનનું વર્તન સહયોગી રહ્યું છે અને કોઈપણ પ્રકારની ધક્કામુક્કી વગર અમને લાઈનસર બોગીમાં બેસાડવામાં આવ્યા છે. અંત્યોદય એક્સપ્રેસથી પરિવાર સાથે જઈ રહેલાં મહિલા મુસાફર નીલમ દેવીએ જણાવ્યું કે, થોડીવાર લાઈનમાં ઊભા રહેવું પડ્યું અને સમય આપવો પડ્યો, પરંતુ વેટિંગ એરિયામાં પંખા અને પાણીની વ્યવસ્થા ઘણી સારી હતી. પ્રશાસનની હાજરી હોવાથી નાસભાગ જેવો કોઈ માહોલ નહોતો અને અમને ટ્રેનમાં આરામથી બેસવાની જગ્યા મળી ગઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *