બે દીકરાને તરછોડી સ્વીટી પોલીસ અધિકારીના પ્રેમમાં પાગલ થઇ:PIની પત્ની 45 દિવસથી ગાયબ, અંતે અવાવરું હોટેલમાંથી મળ્યાં બળેલાં હાડકાં

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

5 જૂન, 2021, શનિવાર
સવારે 11 વાગ્યે દેશ આખો કોવિડના ટેન્શનમાં હતો ત્યારે વડોદરાના પાસેના કરજણના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ બીજી જ ચિંતામાં પડ્યા હતા. એમની પત્ની સ્વીટી અચાનક ગાયબ થઈ ગઈ હતી. ઘરમાં અને આસપાસ ક્યાંય ભાળ ન મળતાં PI અજયે પોતાના સાળા જયદીપને ફોન કર્યો. ‘સ્વીટી તારે ત્યાં આવી છે?’ અજયના અવાજમાં ટેન્શન સાફ પરખાઈ આવતું હતું. ‘ના જીજાજી નથી આવી. કેમ શું થયું?’ ‘ગઇકાલે રાત્રે અમારે થોડો ઝઘડો થયો હતો એટલે…’ આ સાંભળીને જયદીપને ફાળ પડી. પોતાની બહેનના ભૂતકાળથી પરિચિત જયદીપને કશુંક અમંગળ થયાની ધાસ્તી પેઠી, એટલે એ પોતાની પત્ની સાથે તાબડતોબ કરજણ પહોંચ્યાં. ત્યાં સુધીમાં બપોરનો એક વાગી ચૂક્યો હતો અને માથા પર સૂર્ય જાણે માણસોને બાળી નાખવાનો હોય એ રીતે તપતો હતો. અજય દેસાઈ પોતાના બે વર્ષના દીકરા વંશને લઇને ઘરમાં ટેન્શનથી આંટાફેરા કરી રહ્યા હતા. જેવા તેમણે પોતાના સાળાને જોયા કે તરત જ દીકરો તેમને આપ્યો અને કહ્યું, ‘જયદીપ, તમે વંશને સાચવો, હું વડોદરા તપાસ કરતો આવું. સ્વીટી ઘણીવાર ગુસ્સે થાય ત્યારે રાધા-કૃષ્ણ મંદિરે જતી રહેતી હતી. હમણાં અને મનાવીને લઈ આવું છું.’ જયદીપ અને તેની પત્ની ઘરમાં રાહ જોતાં રહ્યાં. બપોરની સાંજ થઇ અને સાંજની રાત થઈ. પરંતુ PI અજય કે સ્વીટીનો કોઈ પત્તો નહોતો. આખરે રાત્રે સાડા નવ વાગ્યે અજય દેસાઈ ઘરે પાછા આવ્યા. એકલા. એમનો ચહેરો જોઇને જયદીપને ખ્યાલ તો આવી ગયો કે સ્વીટીનો કોઈ પત્તો નથી લાગ્યો. આ વખતે જયદીપે થોડા ગુસ્સાથી પૂછ્યું, ‘ન મળી સ્વીટી? મારી જીવતી-જાગતી બેન એક પોલીસવાળાના ઘરમાંથી આમ ગાયબ કેવી રીતે થઈ જાય?’ એક પોલીસ અધિકારી તરીકે અજય દેસાઈ આવા ટોન સાંભળવા ટેવાયેલા નહોતા, પરંતુ અત્યારે તે મજબૂર હતા. એણે ગુસ્સો દબાવીને જવાબ આપ્યો, ‘જો ભાઈ, એ મારીયે પત્ની છે. મારા દીકરાની મા છે. મનેય એની ચિંતા છે. મેં મારા એક માણસને કામે લગાડ્યો છે.’ ‘અરે પણ…’ જયદીપ આગળ બોલવા જતો હતો ત્યાં જ અજયે એની વાત કાપીને સપાટ અવાજમાં કહ્યું, ‘જુઓ, મને લીડ મળી છે કે સ્વીટી અમદાવાદ બાજુ ગઈ છે. એટલે મારે તાત્કાલિક અમદાવાદ નીકળવું પડશે. તમે બંને એક કામ કરો, વંશને તમે તમારી સાથે લેતા જાઓ.’ અજય દેસાઈ અમદાવાદ ગયા તે ગયા. તે વાતને પાંચ દિવસ વીતી ગયા. સ્વીટીનો કોઈ પત્તો નહોતો. હવે જયદીપની ધીરજ ખૂટી ગઈ. એણે બનેવી અજય દેસાઈને ફોન કરીને કડક અવાજે કહ્યું, ‘જીજુ, તમે પોલીસ અધિકારી તરીકે બેનને શોધો છો એ વાત બરાબર, પણ આપણે હવે FIR કરી દેવી જોઇએ.’ ‘ઠીક છે.’ અજય દેસાઈએ પડી ગયેલા અવાજમાં હોંકારો ભણ્યો. ફાઇનલી સ્વીટી પટેલના ભાઈ જયદીપે 11મી જૂને કરજણ પોલીસ સ્ટેશનમાં પોતાની બહેન સ્વીટી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી. વિધિની વક્રતા જુઓ. એક પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની ગુમ થઇ ગઇ, 5 દિવસ સુધી તેનો કોઇ પત્તો ન મળ્યો અને છેવટે તેને શોધવા માટે પોલીસનો જ આશરો લેવો પડ્યો. પરંતુ બે વર્ષના દીકરાને છોડીને એક પોલીસ અધિકારીની પત્ની જાય ક્યાં? આ સવાલના જવાબ મેળવવા માટે આપણે થોડા ફ્લેશબેકમાં જઇને સ્વીટી પટેલની લાઇફસ્ટોરી જાણવી પડશે, જે એના અણધાર્યા ગાયબ થવા જેટલી જ ટ્વિસ્ટવાળી છે. *** કોલેજ લાઇફ અને પ્રથમ નજરનો પ્રેમ વાત છે, ચરોતરના પેટલાદ તાલુકાના ખોબા જેવડા પણસોરા ગામની. અહીં એક પટેલ પરિવાર રહેતો હતો. પરિવારના મોભી મહેન્દ્રભાઇને સંતાનમાં સ્વીટી અને જયદીપ હતાં. સ્વીટીનું જેવું નામ તેવા જ ગુણ. સ્વભાવ મીઠાશભર્યો અને મળતાવડો. પાપા પગલી ભરતી સ્વીટી ક્યારે મોટી થઇ ગઇ તેની પરિવારને ખબર ન પડી. હવે તે કોલેજ જવા લાગી હતી. મુગ્ધાવસ્થા, કોલેજકાળ અને પહેલી નજરનો પ્રેમ, કોઇપણ કોલેજિયનની લાઇફમાં જેવું થાય તેવું જ સ્વીટીની જિંદગીમાં પણ થયું. સ્વીટી તેના જ ગામના અને કોલેજમાં સાથે ભણતા યુવાન હેતસ પંડ્યાના પ્રેમમાં પડી. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો, પણ સ્વીટીના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. આ પ્રેમીઓએ બંડ પોકાર્યો અને વર્ષ 2001માં લવ મેરેજ કરી લીધાં. શરૂઆતનાં પાંચેક વર્ષ સ્વીટીનાં મા-બાપે દીકરીનું મોઢું સુદ્ધાં જોયું નહીં. સ્વીટી અને હેતસ બંને અમદાવાદ શિફ્ટ થઈ ગયાં. સ્વીટી બે સંતાનોની માતા પણ બની. ધીમે ધીમે એકની એક દીકરી સામે માતા-પિતાનો રોષ ઓગળ્યો અને પરિવારે દીકરીના આ સંબંધને સ્વીકારી લીધો. પરંતુ મુગ્ધાવસ્થાના પ્રેમ અને સંસારની વાસ્તવિકતામાં જમીન-આસમાનનું અંતર હોય છે. નાની નાની વાતે સ્વીટી અને હેતસ વચ્ચે ઝઘડા થવા માંડ્યા હતા. સંતાનોના જન્મ પછી તો આ ઝઘડા એ હદ સુધી વધી ગયા કે સ્વીટીએ નક્કી કરી લીધું કે આ માણસ સાથે હવે એક છત નીચે નહીં રહી શકું. સ્વીટીએ હેતસ સાથે છૂટાછેડા લઈ લીધા. વધુ શૉકિંગ વાત તો એ હતી કે એણે પોતાના બંને દીકરા પણ પતિને સોંપી દીધા અને એકલી જ ચાલી નીકળી! હેતસથી છૂટા પડ્યા બાદ સ્વીટી થોડા સમય માટે આણંદમાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. પછી તેણે ફરી પાછી અમદાવાદની વાટ પકડી. એકાદ વર્ષબાદ 2015માં તેણે કોઈ સ્કૂલમાં ‘માઇન્ડ પાવર’ નામનો કાર્યક્રમ અટેન્ડ કર્યો. તે પ્રોગ્રામમાં સ્વીટીના માઇન્ડના પાવરમાં કોઈ વધારો થયો કે કેમ એ તો ખબર નહીં, પરંતુ ત્યાં આવેલા એક પાવરફુલ માણસથી તે અંજાઈ ગઈ. તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ ગ્રામ્ય LIBના તત્કાલીન PSI અજય અમૃતલાલ દેસાઇ આવ્યા હતા. એમની ખાખી વર્દી, આકર્ષક વ્યક્તિત્વ અને ‘સિંઘમ’ જેવી ઇમેજ જોઇને સ્વીટી અજયના પ્રેમમાં પડી ગઇ. બંને વચ્ચે મુલાકાતો વધવા લાગી અને ધીમે-ધીમે પ્રેમસંબંધમાં બદલાઇ. એકાદ વર્ષના ગાળા બાદ 2016માં બંનેએ રૂપાલ ગામે વરદાયિની માતાના મંદિરમાં અમુક પરિચિતોની હાજરીમાં ગાંધર્વ વિવાહ કરી લીધાં. દરમિયાન અજય દેસાઇને PSIમાંથી PIનું પ્રમોશન મળ્યું અને તેની બદલી વડોદરા જિલ્લામાં થઇ. અજય દેસાઇને પહેલાં કરજણ પોલીસ સ્ટેશનના PI બનાવાયા. જેના થોડા સમય પછી તેમની બદલી વડોદરા SOGમાં PI તરીકે થઇ હતી. લગ્ન બાદ શરૂઆતમાં અજય અને સ્વીટી વડોદરાના ગોત્રીમાં રહેતાં હતાં. બાદમાં બંને કરજણની પોશ ગણાતી પ્રયોશા સોસાયટીના બંગલા નં-5માં રહેવા શિફ્ટ થયાં. ચારેક વર્ષ પસાર થયાં અને 2019માં સ્વીટી-અજયને ત્યાં એક પુત્રનો જન્મ થયો. માતા-પિતાને થયું કે ચલો, દીકરીના સંસારની ગાડી પાટે ચડી. પરંતુ વિધાતાને જાણે કે કંઇક બીજું જ મંજૂર હતું. સ્વીટીના જીવનમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું. પહેલા લગ્નની જેમ સ્વીટીને આ બીજા લગ્નમાં પણ સંતાનના જન્મ બાદ પતિ સાથે ઝઘડા થવા માંડ્યા. ક્યારેક ઝઘડો, ક્યારેક રિસામણાં-મનામણાં વચ્ચે પાંચેક વર્ષ સુધી ગાડું ગબડતું રહ્યું. પરંતુ 2021માં એની લાઇફનો સૌથી મોટો આંચકો આવવાનો હતો. સ્વીટી અચાનક ગાયબ થઈ ગઈ. *** 45 દિવસ સુધી કોઇ ભાળ ન મળી કરજણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ, ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની ગાયબ થઈ હતી, એટલે તપાસનો ધમધમાટ શરૂ થયો. તત્કાલીન જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇની સૂચના બાદ ડભોઇ ડિવિઝનના DYSP કલ્પેશ સોલંકી, જિલ્લા એલ.સી.બીની ટીમો કામે લાગી. પોલીસે પ્રયોશા સોસાયટી અને સ્વીટીના ભાઇ જયદીપના ઘરની આસપાસ તપાસ કરી. પડોશીઓનાં સ્ટેટમેન્ટ લીધાં. સોસાયટીના સીસીટીવી તપાસ્યાં, પણ ક્યાંયથી કોઇ પત્તો ન મળ્યો. પોલીસે આસપાસનાં નદી-નાળાં, તળાવો અને મેદાની વિસ્તારોમાં પણ ડ્રોનથી સર્ચ કર્યું. ઇવન પાડોશી રાજ્યો તરફ પણ નજર દોડાવી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ તપાસ કરી પરંતુ દરેક જગ્યાએથી નિરાશા જ મળી. જો આ કિડનેપિંગનો કેસ હોત તો અત્યાર સુધીમાં ખંડણી માટે ફોન આવી ગયો હોત. પરંતુ આવું કશું થયું નહોતું. દિવસો વીતતા જતા હતા. પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં પણ, ક્યાંયથી કોઇ કડી નહોતી મળી રહી. પોલીસ ખુદ પોતાનું ઘર સુરક્ષિત ન રાખી શકે તો એ જનતાને શું સેફ્ટી આપવાની હતી? આ સવાલ મીડિયામાં ચર્ચાવા લાગ્યો એટલે પોલીસ ઉપર પ્રેશર વધવા માંડ્યું. 45 દિવસ એટલે કે દોઢ મહિના સુધી પોલીસને સ્વીટીની કોઇ ભાળ ન મળી. આખરે સરકારે આ કેસ ભલભલા ગુનાઓને ઉકેલવામાં બાહોશ ગણાતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત ATS (એન્ટિ ટરરિસ્ટ સ્ક્વોડ)ને સોંપવાનો નિર્ણય કર્યો. તપાસનો દોર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ડી. પી. ચૂડાસમાના હાથમાં આવ્યો. એમણે પોતાની એક ટીમ કરજણ મોકલી અને નવેસરથી આ કેસનું ઇન્વેસ્ટિગેશન આદર્યું. એમાં એક શૉકિંગ ટ્વિસ્ટ આવ્યો. ક્રાઇમ બ્રાન્ચને કરજણથી અંદાજે 77 કિલોમીટર દૂર દહેજ પાસેના અટાલી ગામની અવાવરૂ હોટલના પાછળના ભાગેથી માનવ હાડકાં, દાંત અને કેટલાક દાગીના મળી આવ્યાં. સ્થળ પર તપાસ કરતાં પૂઠ્ઠાં, લાકડાં અને ઘાસ નાખીને કોઇનો મૃતદેહ સળગાવી દીધો હોય તેમ લાગતું હતું. હવે સવાલ એ હતો કે આ હાડકાં કોના હતા? જેનો જવાબ મેળવવા પોલીસે ઘટનાસ્થળેથી હાડકાંનાં સેમ્પલ લઇને DNA ટેસ્ટ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપ્યાં. 4-5 દિવસ બાદ FSLનો રિપોર્ટ આવી ત્યારે સૌના પગ તળેથી જમીન સરકી ગઈ. તે હાડકાં ગુમ થયેલી સ્વીટી પટેલનાં જ હતાં. યાને કે સ્વીટી પટેલ અચાનક ગુમ નહોતી થઈ, બલકે તેની હત્યા કરાઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *