બોડીકેર સ્પામાં 2 શખ્સોના આતંકના CCTV:રાજકોટના સાધુવાસવાણી રોડ પર જૂની અદાવતમાં તોડફોડ કરી છરી બતાવી ધમકી આપી

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના સાધુવાસવાણી રોડ પર સુપર ગોલ્ડન માર્કેટની સામે આવેલા ‘બોડીકેર સ્પા’માં જૂની અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ છરી સાથે ઘૂસીને ભારે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.જેમાં બંને શખ્સોએ જૂની અદાવત મામલે સ્પામાં તોડફોડ કરી છરી બતાવી મહિલા કર્મચારી સહિતનાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્પાના સંચાલકે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, તા.27 ઓક્ટોબરના રોજ રાત્રિના 10.15 વાગ્યાના અરસામાં બોડીકેર સ્પા ખાતે રિસેપ્શન ટેબલ પર સ્પાના કર્મચારી આફતાબ અસલમભાઈ સોલંકી બેઠા હતા. તે દરમિયાન અચાનક બે શખ્સો સ્પામાં ઘૂસી આવ્યા હતા. જેમાં એક શખ્સના હાથમાં છરી હતી. આ શખ્સે સ્પાના કર્મચારી પાસે આવીને છરી બતાવી અગાઉની બોલાચાલી બાબતે ઉશ્કેરાઈને ગાળાગાળી અને ધમકીઓ આપવા લાગ્યો હતો. આ ઉપરાંત રિસેપ્શન પર બેસેલા આફતાબભાઈને પણ છરી બતાવી આતંક મચાવ્યો હતો. આ ડરના માર્યે સ્પા સંચાલક અને કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારે ઉપર જઈને આ હુમલાખોરોએ આફતાબભાઈનો આશરે રૂ.15 હજારની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો અને સ્પાની અંદર નાની-મોટી તોડફોડ કરી હતી. બનાવ બાદ સ્પાના સંચાલક જયેશભાઈ વાઘેલાએ સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસતા હુમલાખોરોની ઓળખ કરી હતી. મોટાભાઈ સાથે એક માસ પૂર્વે સ્પામાં આવેલા કેતન પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. તે જ જૂની દાઝ રાખીને કેતન પરમાર અને તેની સાથેના કાળા કલરના ટી-શર્ટ અને હાથમાં છરી ધારણ કરનાર શખ્સે સ્પામાં ઘૂસીને સ્પાના સ્ટાફની માહિબેન સહિતનાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે સ્પા સંચાલકે કેતન પરમાર અને તેની સાથેના સાગરિત વિરુદ્ધ પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *