પાકિસ્તાને શનિવારે ભારતીય રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પંજાબના તરનતારન ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર બે લોકોનાં મોત અંગે વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે બંને પાકિસ્તાની નાગરિકો હતા અને સીમા સુરક્ષા દળ (BSF)ના ગોળીબારમાં માર્યા ગયા હતા. આ ઘટના શુક્રવારે બની હતી. જોકે, ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ આ લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચેતવણી આપ્યા બાદ BSFએ ગોળીબાર કર્યો હતો. BSFએ ચેતવણી આપી હતી, નહીં રોકાતા ગોળીબાર કર્યો ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ, ત્રણ શંકાસ્પદ લોકો પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ તરફ આગળ વધી રહ્યા હતા. BSFના જવાનોએ તેમને રોકાવાની ચેતવણી આપી હતી. આ પૈકી એક વ્યક્તિ પાછો પાકિસ્તાન તરફ જતો રહ્યો, જ્યારે બે લોકો આગળ વધતા રહ્યા. ત્યારબાદ BSFએ ગોળીબાર કર્યો, જેમાં બંનેના મોત થયા. તરનતારનમાં 7 મહિનામાં ઘૂસણખોરીની આ બીજી ઘટના છે. પાકિસ્તાને તપાસની માગ કરી છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે માર્યા ગયેલા બંને લોકો નિઃશસ્ત્ર નાગરિકો હતા. પાકિસ્તાનના જણાવ્યા મુજબ, તેઓ સરહદની નજીક ગયા હતા અને અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા હતા. પાકિસ્તાને કહ્યું છે કે તેના નાગરિકો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી યોગ્ય નથી. પાકિસ્તાને મામલાની તાત્કાલિક, પારદર્શક અને વિશ્વસનીય તપાસની માગ કરી છે. સાથે જ તેણે જવાબદાર લોકો સામે કાયદેસરની અને શિસ્તભંગની કાર્યવાહી કરવા તથા તપાસના પરિણામો પાકિસ્તાન સરકારને જણાવવા કહ્યું છે. પાકિસ્તાની વેબસાઇટ ડોન અનુસાર, માર્યા ગયેલા લોકોની ઓળખ આઝમત રસૂલ અને મોહસિન જટ્ટ તરીકે થઈ છે. બંને લાધરનાં જટ્ટાં વાલી હવેલી વિસ્તારમાં રહેતા હતા. ત્રીજો વ્યક્તિ ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ છે. આ પહેલાં પણ 5 ઘૂસણખોરો માર્યા ગયા છે માર્ચ 2026: તરનતારનના ખેમકરણ સેક્ટરમાં BSFએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. ચેતવણી આપ્યા પછી પણ તે આગળ વધી રહ્યો હતો. ઓગસ્ટ 2024: તરનતારનના દલ ગામ પાસે એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો. ઓગસ્ટ 2023: તરનતારનના થેકાલન ગામ પાસે એક ઘૂસણખોરનું ગોળીબારમાં મોત થયું હતું. મે 2021: ખાલડા ગામ પાસે એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો. BSFએ તેની પાસેથી પાકિસ્તાની સામાન જપ્ત કર્યો હતો. ફેબ્રુઆરી 2021: ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘુસણખોર માર્યો ગયો. તેની પાસેથી 14.8 કિલો હેરોઇન અને હથિયારો સાથે જોડાયેલો સામાન મળી આવ્યો હતો. ——————— આ સમાચાર પણ વાંચો: અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો, બારીઓ તૂટી:પૂજારી સહિત શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા; 5 વર્ષમાં 15થી વધુ વખત મંદિરોને ટાર્ગેટ કરાયા અમેરિકાના ઓહાયોમાં શુક્રવારે હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં મંદિરને ઘણું નુકસાન થયું. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, બપોરે 1:30 વાગ્યે રિચમંડ હાઇટ્સ સ્થિત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. હુમલાખોરોએ મંદિરની ઇમારત પર ઈંટો ફેંકી. વાંચો સંપૂર્ણ સમાચાર…
બોર્ડર પર ફાયરિંગ પછી પાકિસ્તાને ભારતીય રાજદૂતને સમન્સ પાઠવ્યું:કહ્યું- માર્યા ગયેલા લોકો પાક નાગરિકો હતા; BSFએ ઘૂસણખોરીની શંકામાં ગોળી મારી હતી
📅 Published: October 3, 2026 |
📂 Category: International
