ભયાનક અકસ્માત પણ અંત સુખદ:ભેસ્તાનમાં ગણેશ પંડાલ પાસે સૂતેલા યુવક પર કાર ચઢી, 80 ટકા શરીર નીચે હોવા છતાં બચી ગયો

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

‘જાકો રાખે સાંઇયાં, માર સકે ના કોઈ’ આ કહેવત સુરતમાં અક્ષરશઃ સાર્થક થઈ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બ્રિજ નીચે આવેલા ગણેશ પંડાલની ઠીક સામે એક અત્યંત ચોંકાવનારી અને દિલધડક ઘટના સામે આવી છે. અહીં મંડપની બહાર જમીન પર સૂઈ રહેલા એક યુવક પર અચાનક કાર ફરી વળી હતી. યુવકનું લગભગ 80 ટકા જેટલું શરીર કારની નીચે આવી ગયું હતું અને તેનો પગ ટાયરની બિલકુલ પાસે હતો. મોત એકદમ નજર સામે હોવા છતાં ગણેશ પંડાલ પાસે થયેલા આ અકસ્માતમાં યુવકનો વાળ પણ વાંકો ન થતા અદભુત અને ચમત્કારિક બચાવ થયો છે. બાપ્પાના મંડપ પાસે બનેલી આ ઘટના જોઈને સહુ કોઈ દંગ રહી ગયા હતા. લોકોની સમયસૂચકતા અને બૂમાબૂમથી જીવ બચ્યો
ભેસ્તાનમાં ગણેશ મંડપ નજીક આ યુવક ગાઢ નિંદ્રામાં સૂતો હતો. એ જ સમયે ત્યાં પાર્ક કરેલી એક કારના ચાલકે અચાનક કાર હંકારી હતી. ડ્રાઈવરનું ધ્યાન ન હોવાથી કાર સીધી જ સૂતેલા યુવક પર ચઢી ગઈ હતી. યુવક કારના બોનેટ નીચે ફસાઈ ગયો હતો. ઘટના નજરે જોતા જ આસપાસના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના અવાજ અને બૂમાબૂમ સાંભળીને કારનો ડ્રાઇવર પણ ચોંકી ગયો હતો. સ્થાનિક લોકોએ દોડી જઈને ડ્રાઇવરને કાર આગળ લેતા અટકાવ્યો હતો, જેના કારણે યુવકનો જીવ બચી શક્યો હતો. યુવકને સહીસલામત બહાર કઢાયો
લોકોના ટોળાએ સમયસર પહોંચીને કાર ચાલકને રોક્યા બાદ, સાવચેતીપૂર્વક કારને પાછળ લેવડાવી હતી. કાર રિવર્સમાં લેતા જ નીચે ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. આખી ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના લોકો પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. 80 ટકા શરીર કાર નીચે આવી ગયું હોવા છતાં યુવકને કોઈ ગંભીર ઈજા ન પહોંચતા લોકોએ ભગવાન ગણેશનો આભાર માન્યો હતો. હાલ સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે અને આ ચમત્કારિક ઘટનાને લઈને લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *