ભરૂચના ઝાડેશ્વરમાં શીતળા સાતમે ભક્તો ઉમટ્યા:શીતળા માતાજીના દર્શન કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પવિત્ર પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવિકોએ માતાજીના દર્શન કરી પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસમાં ઉજવાતા શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી અને ઠંડા ભોજનનું સેવન કરવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓ શીતળા સાતમનું વ્રત રાખે છે. શીતળા સાતમના આગલા દિવસે રાંધણ છઠ્ઠ ઉજવાય છે. આ દિવસે વિવિધ વાનગીઓ બનાવી બીજા દિવસે ઠંડું ભોજન આરોગવાની પ્રથા છે. મહિલાઓ રસોડાના ચૂલા અને સગડી સહિતના સાધનોની પૂજા પણ કરે છે. લોકમાન્યતા અનુસાર, શીતળા માતાની પૂજા અને વ્રત કરવાથી પરિવારને સુખ-સમૃદ્ધિ, સંતાન સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શીતળા સાતમ નિમિત્તે ઝાડેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *