14મી સદીની ભરૂચની ઐતિહાસિક જામી મસ્જિદ અંગેનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. પાંચ સ્થાનિક અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાંથી મળી આવેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા માગ કરી છે. અરજદારોએ આશંકા વ્યક્ત કરી છે કે, ચાલી રહેલા તણાવના કારણે આ પવિત્ર મૂર્તિને નુકસાન પહોંચાડી નષ્ટ કરવામાં આવી શકે છે. ASI સંરક્ષિત સ્મારકની સુરક્ષા અંગે અરજદારોની ચિંતા
અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જામી મસ્જિદ વર્ષ 1909થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું સંરક્ષિત સ્મારક છે અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અધિનિયમ, 1958 હેઠળ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. કાયદા મુજબ સ્મારકના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી શકાતો નથી. વર્તમાન વિવાદ વચ્ચે ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર હોવાથી તેની સુરક્ષા માટે તાકીદના નિર્દેશો આપવા વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારે વલણ દાખવ્યું, આગામી સુનાવણી શુક્રવારે
આ મામલે રાજ્ય સરકાર અને ભરૂચ કલેક્ટર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોની દલીલોમાં તથ્ય જણાય છે. હાઈકોર્ટે તમામ પક્ષકારોની રજૂઆતો ધ્યાને લઈ વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે, અરજદારોએ કેન્દ્ર સરકાર, ASI, રાજ્ય સરકાર અને જામી મસ્જિદ પ્રબંધક સમિતિને આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે. ભોંયરામાંથી મૂર્તિ મળ્યા બાદ વિવાદ અને રેલી યોજાઈ હતી
ચાલુ વર્ષની શરૂઆતમાં જામી મસ્જિદના ભોંયરામાંથી તપાસ દરમિયાન ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવતાં આ વિવાદ શરુ થયો હતો. ગિયાસુદ્દીન તુઘલકના શાસનકાળ દરમિયાન બનેલી આ મસ્જિદમાં મૂર્તિ મળતાં સ્થાનિક હિન્દુ અને જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય બનાવ ના બને તે માટે ASI એ ભરૂચ કલેક્ટરને સ્મારકની સઘન સુરક્ષા સુનિશ્ચિત કરવા અગાઉથી જ વિનંતી કરી હતી.
ભરૂચની 14મી સદીની જામી મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
