ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે બે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસે મુંબઈમાંથી સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે, જેણે રૂ. 1.48 લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષથી સજા વોરંટની બજવણી ટાળીને નાસતા ફરતા અન્ય એક આરોપીને પણ મુંબઈથી પકડી પાડવામાં આવ્યો છે. ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફરિયાદીના મોબાઈલ ફોનને હેક કરીને અજાણ્યા શખ્સે તેમના ઝાડેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી ફોન-પે UPI મારફતે બે દિવસમાં કુલ ₹1.48 લાખ ઉપાડી લીધા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં છેતરપિંડીની રકમ મુંબઈની એક બેંકના ખાતામાં જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અગાઉ અવિનાશ રામઅવધ યાદવ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં મદદગારી કરનાર મલાડ ઈસ્ટ, મુંબઈ ખાતે રહેતા 21 વર્ષીય હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાયને ઝડપી પાડવા પોલીસ ટીમ મુંબઈ રવાના થઈ હતી. પોલીસ ટીમે મુંબઈમાં ત્રણ દિવસ સુધી સ્થાનિક પોલીસની મદદ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીના રહેણાંક તથા કાર્યક્ષેત્રની માહિતી મેળવી હતી. અંતે, આરોપી હિમાંશુ ઉપાધ્યાયને મલાડ ઈસ્ટ વિસ્તારમાંથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી કાર્યવાહીમાં, ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસમાં કોર્ટ દ્વારા સજા પામેલા અને છેલ્લા ત્રણ વર્ષથી સજાની અમલવારી ટાળવા નાસતા ફરતા આરોપીને પણ મુંબઈથી ઝડપી પાડ્યો છે. ભરૂચની ત્રીજી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના ફોજદારી કેસ નં. 10948/2023માં આરોપી વિકાશ વિશ્વનાથ પંચાલને સજા ફરમાવવામાં આવી હતી. સજા વોરંટની બજવણીથી બચવા આરોપી છેલ્લા ત્રણેક વર્ષથી ફરાર હતો. “સી” ડિવિઝન પોલીસે આરોપી અને તેના પરિવારના સોશિયલ ડેટાનું એનાલિસિસ કરી તે મુંબઈમાં રહેતો હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ, હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી મુંબઈના કાંજુર માર્ગ ઈસ્ટ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે. આ બંને મહત્વપૂર્ણ કામગીરી ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ભરૂચ પોલીસે મુંબઈથી બે આરોપીને ઝડપ્યા:સાયબર ફ્રોડના ગુનામાં અને 3 વર્ષથી ફરાર વોરંટના આરોપીને પોલીસે ઝડપી લીધા
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
