શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં નાના-મોટા ખાડા પડી જતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોડ-રસ્તાની અત્યંત બિસ્માર હાલતને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા અધિકારીઓને આગામી ત્રણ દિવસમાં તમામ નાના-મોટા ખાડા પૂરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી બાકી હોવાના અહેવાલો મળતાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સાથે તાકીદની બેઠક યોજી હતી. નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે દિવસ-રાત કામગીરી કરી શહેરને ખાડામુક્ત બનાવવા અને પેચવર્ક પૂર્ણ થયા બાદ તુરંત જ રોડ રિસરફેસિંગની કામગીરી હાથ ધરવા સ્પષ્ટ આદેશ અપાયા છે. સમગ્ર શહેરમાં એક સાથે શરૂ થશે પેચવર્ક
મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગો પર ખાડા પડવાની સમસ્યા સર્જાતી હોય છે. કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ઘણા મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ પર કામગીરી બાકી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર શહેરના તમામ વિસ્તારોમાં એક સાથે સઘન પેચવર્ક અને ખાડા પૂરવાનું આયોજન કરાયું છે. દરેક વોર્ડમાં રાત્રિ દરમિયાન પણ ચાલશે કામગીરી
આગામી ત્રણ દિવસની અંદર સમગ્ર શહેરમાં પેચવર્ક પૂર્ણ કરવા માટે દરેક વોર્ડ અને ઝોનમાં 23 સપ્ટેમ્બરની મોડી રાતથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરભરમાં નાના-મોટા ખાડા પૂરવા માટે એક સાથે આશરે 200થી વધુ વાહનો (ગાડીઓ) તૈનાત કરવામાં આવ્યા છે. દરેક વોર્ડ અને ઝોન દીઠ 5થી 10 વાહનો ફાળવીને આખી રાત રોડ સમારકામનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ત્રણ દિવસમાં શહેરને ખાડામુક્ત બનાવી શકાય. દિવાળી સુધીમાં તમામ રસ્તાઓ નવા બનશે
શહેરમાં ક્યાંય પણ ખાડા કે બિસ્માર માર્ગ નજરે પડે તો નાગરિકો સીધા મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલરૂમ નંબર 155-303 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કેટલાક વિસ્તારોમાં રોડ ન બનવાને કારણે ઇજનેર વિભાગ સામે નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે કમિશનર અને સત્તાધીશોએ ખાતરી આપી છે કે ત્રણ દિવસમાં પેચવર્ક પૂરું થતાં જ બિસ્માર રસ્તાઓને નવા બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને દિવાળી પહેલાં શહેરના તમામ મુખ્ય માર્ગોને સંપૂર્ણપણે સરખા કરી દેવામાં આવશે.
ભાજપના નેતાઓની અધિકારીઓ- કોન્ટ્રાક્ટર સાથે બેઠક:ત્રણ દિવસમાં અમદાવાદ ખાડામુક્ત બનશે, રોડ રીસર્ફેસની કામગીરી પણ તાત્કાલિક શરૂ કરવા સૂચના
📅 Published: September 24, 2026 |
📂 Category: gujarati-news
