ભાજપના પૂર્વ પ્રમુખની તંત્ર સામે લાલ આંખ:નીતિન ભજીયાવાલા બોલ્યા- ‘અધિકારી કહે છે પોલિટિકલ પ્રેશર છે, સામાન્ય પ્રજાનું કોણ સાંભળશે?’

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાલા (નીતિન કાકા)એ પોતાના જ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને મનપા તંત્રની નિષ્ક્રિયતા સામે બળવો પોકારતાં સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે. નીતિન કાકાએ ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય પ્રજાના હિતની અરજી કરવા છતાં અધિકારીઓ ‘રાજકીય દબાણ’ હોવાનું બહાનું કાઢીને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. શાસક પક્ષના સિનિયર નેતા દ્વારા જ ભાજપના શાસનમાં અધિકારીઓની મનમાની અને અંદરોઅંદરની રાજકીય ખેંચતાણ ખુલ્લી પાડવામાં આવતાં પાલિકા આલમ સહિત સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ‘પોલિટિકલ પ્રેશર છે’: ઝોનલ ઓફિસર
નીતિન ભજીયાવાલાએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, તેઓ છેલ્લા 70 વર્ષથી કાળા સિપાઈની પોળ (મકાન નંબર 9/1470)માં રહે છે, જ્યાં આગળ ચોટા બજાર અને પાછળ બાલાજી રોડ આવેલો છે. આ વૉલ સિટી વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણોને કારણે સ્થાનિક રહીશોનું પગપાળા નીકળવું પણ અઘરું થઈ ગયું છે. તેવામાં તેમના ઘરના નાકા પર જ રેસિડેન્શિયલ મકાનમાં ગેરકાયદે રીતે કમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરી દેવાતાં તેમણે સેન્ટ્રલ ઝોનના અધિકારી રાજેશ ગાંજાવાલાને લેખિત અરજી કરી હતી. જોકે, અધિકારી તરફથી કોઈ પગલાં ન ભરાતાં ટેલિફોનિક પૂછપરછ દરમિયાન એવો જવાબ મળ્યો કે ‘આ બાબતે પોલિટિકલ પ્રેશર છે’. ‘સામાન્ય જનતા માટે પક્ષના હોદ્દા વગર લડાઈ લડીશ’
રાજકીય વગના નામે અધિકારીઓ દ્વારા કામગીરી ટાળવાની વૃત્તિ સામે આક્રોશ ઠાલવતાં પૂર્વ ભાજપ પ્રમુખે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં આડેહાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ નેતાનું પ્રેશર હોય, ઈવન મારું પણ પ્રેશર હોય અને સામે જ્યારે સામાન્ય પ્રજાને નુકસાન થતું હોય, તો અધિકારીએ મારું પણ સાંભળવું ન જોઈએ. હું કોઈ પક્ષ કે હોદ્દાનો ઉપયોગ કર્યા વગર એક સામાન્ય નાગરિક તરીકે જ અરજી કરું છું. અધિકારીઓએ સામાન્ય પ્રજાનું સાંભળવું જ પડશે. મને પણ ઘણીવાર ન્યાય નથી મળતો, પણ જ્યાં સુધી મારી તાકાત છે ત્યાં સુધી વૉલ સિટીના લોકો માટે હું અન્યાય સામે લડતો રહીશ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *