ભાદરવી પૂનમના મેળા માટે મહેતાપુરાથી ખેરોજ પુલ વન-વે:હિંમતનગરથી અંબાજી જતા વાહનો માટે રસ્તામાં ફેરફાર, 19થી 26 સપ્ટેમ્બર સુધી નિયંત્રણ

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

ભાદરવી પૂનમના મહામેળાને કારણે અંબાજી અને ખેડબ્રહ્મા તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ નીકળશે. તેમની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે. હિંમતનગરના મહેતાપુરાથી ખેરોજ પુલ સુધી હાઈવેના એક માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી વન-વે ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી આવે છે. સાબરકાંઠા જિલ્લામાંથી પણ હજારો પદયાત્રીઓ હિંમતનગર અને ખેડબ્રહ્મા થઈને અંબાજી જાય છે. પદયાત્રીઓ સામાન્ય રીતે રસ્તાની ડાબી બાજુએ ચાલે છે અને ઘણા સંઘો માતાજીના રથ સાથે પસાર થાય છે. અકસ્માત ટાળવા માટે આ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ (IAS) એ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, મહેતાપુરાથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની ડાબી બાજુના હાઈવે પર નાના-મોટા તમામ વાહનોની અવરજવર બંધ રહેશે. વાહનો હિંમતનગરથી જતા રોડની જમણી બાજુના માર્ગ પરથી અવરજવર કરી શકશે. આ હુકમ 19 સપ્ટેમ્બર 2026ના રાત્રે 12 વાગ્યાથી 26 સપ્ટેમ્બર 2026ના બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. સરકારી કામગીરીમાં રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી સેવા વાહનોને આ નિયંત્રણમાંથી છૂટ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 અને BNS-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *