રશિયા પાસે બ્લેક સીમાં મંગળવારે લાઇબેરિયાના ધ્વજવાળા તેલ ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કર પર 23 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદ ઇમરજન્સી ટીમોએ સૌનું રેસ્ક્યૂ કર્યું. રશિયાના પરિવહન મંત્રાલય અનુસાર, ટેન્કર પર યુક્રેન તરફથી આવેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી અને સમુદ્રમાં ક્રૂડ ઓઇલ સળગતું દેખાયું. સતત હુમલાઓને કારણે બ્લેક સીમાં દરિયાઈ વેપાર પ્રભાવિત થયો છે. જહાજમાલિકો આ માર્ગે જવાનું ટાળી રહ્યા છે અને માલવહનની કિંમત વધી રહી છે. ઑગસ્ટમાં રશિયાની અનાજની નિકાસ 59 લાખ ટનથી ઘટીને 17 લાખ ટન રહી ગઈ હતી, એટલે કે 71%નો ઘટાડો. સપ્ટેમ્બરમાં પણ નિકાસ લગભગ 50% ઘટીને 24.5 લાખ ટન રહેવાનો અંદાજ છે. હુમલા બાદની તસવીરો… ભીષણ આગને કારણે બચાવ દળ પહોંચી શક્યું નહોતું હુમલા પહેલાં મરીનટ્રાફિકે જહાજનું છેલ્લું સ્થાન બ્લેક સીમાં રશિયા-જ્યોર્જિયા સરહદ નજીક હોવાનું જણાવ્યું હતું. રશિયાના પરિવહન મંત્રાલય અનુસાર, ભીષણ આગને કારણે શરૂઆતમાં ફાયરફાઇટર્સ જહાજની નજીક પહોંચી શકતા નહોતા. મંત્રાલયે બાદમાં જણાવ્યું કે આગની તીવ્રતા ઘટ્યા પછી ઇમરજન્સી ટીમો પાસે તેને કાબૂમાં લેવા માટે પૂરતા સાધનો હતા. જહાજ યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, આ જહાજ યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું. તેને રશિયાના કથિત શેડો ફ્લીટનો હિસ્સો ગણાવવામાં આવ્યું હતું. રશિયાનો શેડો ફ્લીટ એવા ટેન્કરો અને જહાજોનું નેટવર્ક છે, જેનો ઉપયોગ રશિયા પશ્ચિમી પ્રતિબંધોથી બચીને તેલ સહિત અન્ય સામાનની નિકાસ કરવા માટે કરે છે. યુક્રેને ફેબ્રુઆરીમાં જહાજો પર પ્રતિબંધો લગાવ્યા હતા. તેનું કહેવું હતું કે આ નેટવર્કના જહાજો રશિયાને જરૂરી ઊર્જા આવક જાળવી રાખવામાં મદદ કરે છે. આ જ આવકથી રશિયા યુક્રેન વિરુદ્ધના યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે. રશિયા-યુક્રેને બ્લેક સીમાં 300 જહાજો પર હુમલા કર્યા રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્લેક સી હવે યુદ્ધનું મોટું મોરચું બની ગયું છે. છેલ્લા લગભગ 2 મહિનામાં બંને દેશોએ 300થી વધુ જહાજોને નિશાન બનાવ્યાં છે. આમાં અનાજ લઈ જતાં જહાજો, તેલના ટેન્કરો અને અન્ય માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા હુમલાઓની અસર વિશ્વની ખાદ્ય સપ્લાય પર પડવાનો ખતરો છે. ઘઉં અને મકાઈના ભાવમાં વધારો થઈ શકે છે. રશિયા અને યુક્રેન મળીને વિશ્વના લગભગ 30% ઘઉંની નિકાસમાં ભાગ ધરાવે છે. બંને દેશોનું મોટાભાગનું અનાજ બ્લેક સી માર્ગે અન્ય દેશો સુધી પહોંચે છે. હવે માત્ર 16 દેશો જ રશિયાથી ઘઉં ખરીદે છે રશિયન ઘઉં ખરીદનારા દેશોની સંખ્યા 43થી ઘટીને 16 રહી ગઈ છે. બીજી તરફ, રશિયાથી અનાજ મોકલનારા બંદરોની સંખ્યા 47થી ઘટીને 10 રહી ગઈ છે. દેશના સૌથી મોટા બંદર નોવોરોસિસ્કથી શિપમેન્ટ 24.9 લાખ ટનથી ઘટીને 10.4 લાખ ટન થઈ ગયું છે. બંદરો અને જહાજો પર હુમલા વધવાને કારણે અનાજનો દરિયાઈ વેપાર પ્રભાવિત થયો છે. બંને દેશોના ગોડાઉનોમાં અનાજ ઉપલબ્ધ છે, પરંતુ તેને ખરીદદાર દેશો સુધી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે. આની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. ઘઉંના ભાવ છેલ્લા એક વર્ષમાં લગભગ 30% વધી ચૂક્યા છે. યુક્રેને માર્ગ-રેલ માર્ગે નિકાસ વધારી, પરંતુ સપ્લાય ઘટ્યો બ્લેક સીના દરિયાઈ માર્ગને અસર થયા બાદ યુક્રેન માર્ગ અને રેલ નેટવર્ક દ્વારા અનાજ અન્ય દેશો સુધી મોકલી રહ્યું છે. જોકે આ માર્ગોની ક્ષમતા બ્લેક સીના બંદરોની સરખામણીમાં ઘણી ઓછી છે. ડેન્યુબ નદીના માર્ગે પણ મર્યાદિત માત્રામાં અનાજ મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ જળસ્તર અને પરિવહન ક્ષમતાને કારણે આ વિકલ્પ દરિયાઈ માર્ગની સંપૂર્ણ ભરપાઈ કરી શકતો નથી. મકાઈના વૈશ્વિક સપ્લાય પર પણ અસરનું જોખમ બ્લેક સીમાં વધતા તણાવની અસર માત્ર ઘઉં પર જ નહીં, પરંતુ મકાઈના સપ્લાય પર પણ પડી શકે છે. 2025-26માં યુક્રેને 2.3 કરોડ ટન મકાઈની નિકાસ કરી હતી. આ વિશ્વના કુલ મકાઈ નિકાસના આશરે 12% જેટલું હતું. જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં મકાઈનો પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે.
ભારતીય ક્રૂ વાળા ઓઇલ ટેન્કર પર યુક્રેનનો ડ્રોન હુમલો:બ્લેક સીમાં 23 ભારતીયોનો જીવ અધ્ધર થયા, ડ્રોન હુમલોથી ભડકે બળ્યું જહાજ; દરિયાઈ વેપાર ઠપ્પ!
📅 Published: October 7, 2026 |
📂 Category: International
