ભાવનગરમાં ભવ્ય સ્નેહમિલન યોજાયું:મંત્રી જીતુભાઈ વાઘાણીએ નવા વર્ષમાં ભાવનગરના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કાર્ય કરવા અપીલ કરી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર શહેરમાં નૂતનવર્ષની ઉજવણીના માહોલ વચ્ચે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ચિત્રા વિસ્તારમાં આવેલા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની શુભેચ્છાઓ સાથે શહેરના વિકાસ માટે સહિયારા પ્રયાસોનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નૂતનવર્ષના પ્રારંભે ભાવનગર શહેરમાં સ્નેહમિલન અને શુભેચ્છાઓની આપ-લેનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ચિત્રા વિસ્તારમાં આવેલા ઓમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, રાજકીય આગેવાનો, નગરસેવકો, અધિકારીઓ તેમજ અલંગ શીપયાર્ડ અને રોલિંગ મિલ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન દેશ અને રાજ્યમાં થયેલા વિવિધ વિકાસકાર્યોનો ઉલ્લેખ કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાવનગરના સર્વાંગી વિકાસ માટે રાજકીય આગેવાનો, કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને નાગરિકોને સાથે મળીને કાર્ય કરવા અપીલ કરી હતી. નવા વર્ષમાં શહેરના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળે તે માટે સૌએ સહભાગી બનવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. નૂતનવર્ષના સ્નેહમિલનના માધ્યમથી શુભેચ્છાઓની આપ-લે સાથે ભાવનગરના વિકાસ માટે એકજૂટ થઈને આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *