ભાવનગર મંડળમાં કેટરિંગ એકમોનું સઘન તપાસ અભિયાન:એક એકમ બંધ કરાયું, DRMની વેન્ડરોને કડક પાલન કરવા અપીલ

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

રેલવે બોર્ડ અને પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક તરૂણ જૈનના નિર્દેશ અનુસાર, રેલ યાત્રીઓને સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં કેટરિંગ એકમોનું સઘન સ્વચ્છતા નિરીક્ષણ અને વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન ભાવનગર મંડળમાં પણ સક્રિયપણે ચાલી રહ્યું છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ, વાણિજ્ય અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેટરિંગ એકમોમાં સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને જરૂરી દસ્તાવેજોની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત, 24 ઓગસ્ટ 2026ના રોજ ભાવનગર પરા સ્થિત એક કેટરિંગ એકમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, વાણિજ્ય નિરીક્ષક અને આરોગ્ય વિભાગની ટીમને ટી એન્ડ રિફ્રેશમેન્ટ સ્ટોલના વેન્ડર પાસે માન્ય તબીબી પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું. મુસાફરોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં, આ અનિયમિતતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકના નિર્દેશ અનુસાર ભાવનગર પરા સ્થિત ઉક્ત કેટરિંગ એકમને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળના તમામ કેટરિંગ એકમ સંચાલકો અને વેન્ડરોને અપીલ કરી છે કે તેઓ રેલવે દ્વારા નિર્ધારિત તમામ નિયમો અને ધોરણોનું કડકપણે પાલન કરે. તેમણે સ્વચ્છતા જાળવવા સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો માન્ય તથા અદ્યતન રાખવા પર ભાર મૂક્યો હતો. વર્માએ જણાવ્યું હતું કે રેલ યાત્રીઓના આરોગ્ય અને સુવિધા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. યાત્રીઓને નિર્ધારિત ધોરણો અનુસાર સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવી એ તમામ કેટરિંગ એકમ સંચાલકો અને વેન્ડરોની જવાબદારી છે. ભાવનગર મંડળ દ્વારા યાત્રીઓને વધુ સારી કેટરિંગ સુવિધા અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે આવા નિરીક્ષણ અને તપાસ અભિયાનો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવા ભાવનગર ડિવિઝન DRUCC મેમ્બર અનિસ રાચ્છ વેરાવળ દ્વારા આ અંગે જાણકારી મેળવી રજુઆત કરવામાં આવી હતી..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *