વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આજે ભીલડીમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે આશરે 9:30 વાગ્યે બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCના પશુ ફાર્મની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે આશરે 10:30 વાગ્યે તેઓ ₹14,000 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવાની સાથે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. વડાપ્રધાન BBBRCને રાષ્ટ્રને સમર્પિત કરશે
બનાસકાંઠાના ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCને વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર ગાય-ભેંસના સંવર્ધન, આનુવંશિક સુધારણા અને આધુનિક પ્રજનન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે. આ સંસ્થાથી પશુઓની જાતિ સુધારવાની પ્રક્રિયામાં 10થી 20 ગણી ઝડપ લાવવાનું લક્ષ્ય છે. કાંકરેજ ગાયની જાતિને સમર્પિત આ પ્રકારનું દેશનું પ્રથમ કેન્દ્ર હોવાનું જણાવાયું છે. થરાદ અને રાધનપુરમાં બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત
બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં સ્થાપવામાં આવનારા બે બાયો-CNG પ્લાન્ટનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટમાં દરરોજ અનુક્રમે 75 મેટ્રિક ટન અને 100 મેટ્રિક ટન પશુઓના છાણની પ્રક્રિયા કરવાની ક્ષમતા હશે. આ પ્રોજેક્ટથી પશુઓના છાણનો ઉપયોગ ઊર્જા ઉત્પાદન માટે કરી શકાશે. અમદાવાદ મેટ્રોના વિસ્તરણનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન અમદાવાદ મેટ્રો ફેઝ-2A અને ફેઝ-2Bના વિસ્તરણનું ખાતમુહૂર્ત કરશે. ફેઝ-2A હેઠળ એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી વધારવામાં આવશે. આ માર્ગ 6 કિલોમીટરથી વધુ લાંબો હશે અને તેમાં કોતેશ્વર રોડથી એરપોર્ટ સુધી પાંચ સ્ટેશનનો સમાવેશ થશે. ફેઝ-2B હેઠળ ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3.3 કિલોમીટરથી વધુ લાંબા મેટ્રો માર્ગનું નિર્માણ કરવામાં આવશે. આ વિભાગમાં ત્રણ સ્ટેશન હશે. આ વિસ્તરણથી અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. અમદાવાદ-મહેસાણા હાઇવે આઠ લેનનો બનશે
અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી સુધારવા માટે અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઇવે-41ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ અને મજબૂત બનાવવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આશરે ₹2,600 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટથી મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે. 4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રો બનશે
ગુજરાતમાં 4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે પૂર્ણ થયેલાં 361 બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આશરે ₹800 કરોડના રોકાણ સાથેની આ પહેલથી ચાર લાખથી વધુ લોકોને લાભ મળવાની અપેક્ષા છે. કૃષિ ક્ષેત્રની 521 પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરાશે
વડાપ્રધાન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલી 521 પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પરિયોજનાઓ પાછળ આશરે ₹4,950 કરોડનો ખર્ચ થયો છે. તેમાં કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ગોડાઉન, સાઇલો, પોલીહાઉસ, ગ્રીનહાઉસ, કૃષિ પેદાશોના પ્રાથમિક અને દ્વિતીય પ્રોસેસિંગ કેન્દ્રો સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિયોદરના સણાદરમાં બટાકાની પ્રક્રિયા કરતા પ્લાન્ટના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પાલનપુરમાં અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર (UHT) ઉત્પાદનો માટે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. બે નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી અપાશે
રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે વડાપ્રધાન અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે. આ સેવાઓથી મુસાફરોને અવરજવરમાં સુવિધા મળશે. એકતાનગરમાં ભારત પર્વ-2026નું ઉદ્ઘાટન
30 ઓક્ટોબરે સાંજે વડાપ્રધાન એકતાનગર ખાતે ભારત પર્વ-2026નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવનો હેતુ ભારતની સાંસ્કૃતિક વિરાસત, વિવિધતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરવાનો છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને આગળ વધારતા આ પર્વમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પરંપરાઓ, લોકકલા, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકલા અને પ્રવાસન સ્થળોને રજૂ કરવામાં આવશે. આ મહોત્સવ 15 નવેમ્બર, 2026 સુધી ચાલશે. તેનાથી એકતાનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. 1.5 કરોડથી વધુ LED લાઇટ્સથી સજશે એકતાનગર
30 ઓક્ટોબરે વડાપ્રધાન એકતાનગરમાં યોજાનારા ‘એકતા પ્રકાશ પર્વ’માં પણ ભાગ લેશે. ભારતની એકતા, વિવિધતા, સાંસ્કૃતિક વિરાસત અને પ્રગતિને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં લાઇટિંગ અને પ્રકાશના વિવિધ પ્રદર્શન દ્વારા રાત્રિ પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં 530 મીટર લાંબા ફ્લાવર્સ વેલી રોડ પરની રોશની અને 180 મીટર લાંબી ગ્લો ટનલનો સમાવેશ થાય છે. ‘પ્રાચીન ભારતથી આધુનિક ભારત સુધી’ની થીમ પર આધારિત ફ્લાવર્સ વેલી રોડ પર દેશની સંસ્કૃતિ, રાષ્ટ્રીય ઓળખ, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળો, ટેક્નોલોજી, યોગ અને બાળકોને આકર્ષે તેવી વિવિધ રચનાઓ રજૂ કરવામાં આવશે. ‘વિવિધતામાં એકતા’ની થીમ ધરાવતી ગ્લો ટનલમાં ભારતના ચારેય પ્રદેશોની સંસ્કૃતિ, સ્થાપત્ય, લોકનૃત્યો, હસ્તકલા અને જીવનશૈલીની ઝલક જોવા મળશે. આ પ્રદર્શનોમાં 1.5 કરોડથી વધુ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરે એકતાનગરમાં ₹400 કરોડથી વધુનાં વિકાસકાર્યો
31 ઓક્ટોબરે વડાપ્રધાન એકતાનગરમાં ₹400 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ગટર અને જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, ઇમારતોની રોશની, નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ તેમજ રેઇનફોરેસ્ટ, એકતા ટ્રેઇલ અને ઇકો ટ્રેઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોરા-ભંડારા રોડના વિકાસ, ઝીરો-વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ખલવાણી ઇકો-ટૂરિઝમ વિકાસ અને કેક્ટસ તથા બટરફ્લાય ગાર્ડનના સંકલિત વિકાસ સહિતની પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે
31 ઓક્ટોબરે સવારે આશરે 9 વાગ્યે વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે આશરે 9:15 વાગ્યે એકતાનગરમાં વિવિધ વિકાસકાર્યોના કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રેઇનફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત પણ લેશે. સરદાર પટેલની 151મી જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
31 ઓક્ટોબરે સાંજે આશરે 5:30 વાગ્યે વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના સમારોહમાં ભાગ લેશે. એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના જવાનો શિસ્ત, સાહસ અને વ્યાવસાયિક ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ વર્ષની પરેડમાં ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવામાં સુરક્ષા દળોએ મેળવેલી સફળતાઓ અને અગાઉ અસરગ્રસ્ત રહેલા વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા તથા વિકાસની દિશામાં થયેલા પરિવર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસના સમારોહમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) દ્વારા નક્સલમુક્ત ભારતની થીમ પર વિશેષ નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 126 જિલ્લાઓના આશરે 2,000 કલાકારો ભાગ લેશે. આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ‘વંદે માતરમ’ને વ્યાપક થીમ તરીકે રજૂ કરવામાં આવશે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિકાસયાત્રાને ઉજાગર કરવામાં આવશે. દેશભરમાંથી આશરે 5,000 કલાકારો ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં ભાગ લેશે. તેમાં ભારતની વિવિધ શાસ્ત્રીય અને લોકકલાઓ, સંગીત, નૃત્ય તથા કલાત્મક પરંપરાઓની ઝલક રજૂ કરવામાં આવશે.
ભીલડીમાં આજે દિવાળી:પીએમ મોદી રોડ-શો કરી BBBRC સહિત 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સાંજે એકતાનગરમાં માં નર્મદાની આરતી કરશે
📅 Published: October 29, 2026 |
📂 Category: gujarati-news
