ભુજોડીના વણકર અરજણભાઈ વિશ્રામભાઈ વણકરને 2009માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. કુદરતી રંગો અને પરંપરાગત કળાથી શાલ તૈયાર કરવામાં તેમને લગભગ ચાર મહિના લાગ્યા હતા.અરજણભાઈના પરિવારનો વણાટકામ સાથેનો સંબંધ દાયકાઓ જૂનો છે. આશરે પાંચ દાયકા પહેલાં તેમના પરિવારના વડીલો ધાબળા અને શાલ બનાવતા હતા. રબારી, આહીર, ભરવાડ અને ક્ષત્રિય સમાજની પરંપરા અને પહેરવેશને અનુરૂપ વસ્ત્રો તૈયાર કરાતા હતા. તેમના પિતા વિશ્રામભાઈએ આ કારીગરીને આગવી ઓળખ અપાવી હતી. વણાટક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને 1974માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. અરજણભાઈએ પણ પિતાના પગલે ચાલીને પોતાની કારીગરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી.કચ્છની શાલને મળેલો ભૌગોલિક સંકેત (GI) ટેગ તેની વિશિષ્ટતાની ઓળખ આપે છે. તેનાથી કચ્છની પરંપરાગત બનાવટને અલગ ઓળખ મળી છે અને ગ્રાહકોનો તેની પ્રામાણિકતા પર વિશ્વાસ વધ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) પહેલથી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડવાની તકો ઊભી થઈ છે. વણકરોને લોન, વર્કશેડ, ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે સહાય મળે છે.પરંપરાગત ધાબળા અને શાલની સાથે ભુજોડીના કારીગરો હવે સાડી, દુપટ્ટા અને સ્ટોલ પણ બનાવે છે. એક સાડી તૈયાર કરવામાં 20થી 25 દિવસ લાગે છે. પાલવનું ઝીણવટભર્યું વણાટ તેની ખાસિયત છે. કાલા કોટન જેવા ઓર્ગેનિક કપાસમાંથી પણ નવા ઉત્પાદનો બનાવાય છે. અરજણભાઈના મતે, સરકારી સહયોગ અને કારીગરોની મહેનતથી વણાટકામને નવી દિશા મળી છે. ભુજોડીના વણકરો હવે સ્થાનિક બજારની બહાર દેશ-વિદેશમાં પોતાની કળા રજૂ કરી રહ્યા છે.
ભુજોડીના વણકર અરજણભાઈને 2009માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો:પાંચ દાયકા જૂની પરંપરાગત વણાટ કળાનો વારસો, GI ટેગ અને ODOP પહેલથી વણકરોને નવી તકો મળી
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
