ભૂતિયા ડિમોલિશન બાદ સુરતમાં 'ભૂતિયા અધિકારી'?:'ઓન ડ્યુટી SMC' લખેલી બાઈક સાથે હપ્તા ઉઘરાવનારનો બીજા દિવસ પણ પત્તો નહિ; ઉચ્ચ અધિકારીઓ-પોલીસ ગોથે ચડ્યાં

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં હજુ નાસીરનગરના ભુતિયા ડિમોલેશનનો મુદ્દો શાંત નથી થયો, ત્યાં છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાના એક ‘ભૂતિયા અધિકારી’ની ભારે ચર્ચા જાગી છે. ન્યૂ વીઆઈપી રોડ પર ફેરિયાઓ પાસેથી પૈસા ઉઘરાવવાના આક્ષેપ સાથે માર ખાનાર આ કથિત કર્મચારી પાલિકાનો છે કે નહીં, તે અંગે 2 દિવસ વીતી ગયા હોવા છતાં સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસને કોઈ જ જાણકારી મળી નથી. આ શખ્સ સાચો અધિકારી છે કે પછી અધિકારીના વેશમાં આવેલું કોઈ અસામાજિક તત્વ, તે અંગે કોઈ ભાળ ન મળતાં કોર્પોરેશન-પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ફેરિયાઓએ આઈ-કાર્ડ માંગ્યું અને 2 તમાચા ઝીંકી દીધા
2 દિવસ પહેલા રાત્રિના સમયે ન્યૂ વીઆઈપી રોડ નજીક રસ્તા પર બેસીને વેપાર કરતા લોકો પાસે એક વ્યક્તિ કથિત રીતે પૈસાની માંગણી કરવા પહોંચ્યો હતો. નશાની હાલતમાં આવેલા આ વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ શખસ SMCના કર્મચારીઓના યુનિફોર્મમાં હતો અને તેના GJ 05 HD 5773 નંબરના ટુ-વ્હીલર પર ‘ઓન ડ્યુટી SMC’ લખેલું હતું. વારંવાર આવીને પૈસા માંગતા હોવાના આક્ષેપ સાથે ઉશ્કેરાયેલા ફેરિયાઓએ તેનો કોલર પકડીને 2 તમાચા ઝીંકી દીધા હતા. વિવાદ વધતાં તેણે બાઈક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેને ઘેરી લીધો હતો અને ઓળખપત્ર માંગ્યુ હતુ. ‘પીને આવવાનો આ કોઈ ટાઈમ નથી, ભલે પછી તે સાહેબ કેમ ન હોય’
વાઇરલ થયેલા વીડિયોમાં રસ્તા પર બેસીને વસ્તુઓ વેચતી એક મહિલા ફેરિયાએ આ કથિત કર્મચારી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો કે, આ વ્યક્તિ નશાની હાલતમાં છે અને રોજ આવીને પૈસાની માંગણી કરી હેરાન કરે છે. મહિલાએ રોષભેર કહ્યું કે, પીને આવવાનો આ કોઈ ટાઈમ નથી, ભલે પછી તે સાહેબ કેમ ન હોય. આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ પણ આક્ષેપ કર્યો હતો કે, આ શખ્સ એસએમસીના યુનિફોર્મમાં આવીને ગરીબ ફેરિયાઓને લૂંટવાનું કામ કરે છે. ઉચ્ચ અધિકારીઓ અજાણ, ડેપ્યુટી કમિશનરે 2 દિવસથી ફોન ન ઉપાડ્યાં!
સૌથી મહત્વની અને ગંભીર વાત એ છે કે, સુરત મનપાના નામે કોઈ પૈસા ઉઘરાવવા જતો હોય તો 2 દિવસ બાદ પણ તે વ્યક્તિ કોણ છે, તેની જાણ કોઈ અધિકારીને નથી. મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે માત્ર એટલું જ જણાવ્યું કે, “તપાસ કરાવીશું. હાલ વીડિયો અંગે જાણ થઈ છે.” બીજી તરફ, અઠવા ઝોનના ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીને 2 દિવસથી ફોન કરવા છતાં તેમણે ફોન રિસીવ કર્યા નથી. અઠવા ઝોનના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલે જણાવ્યું કે, આ કર્મચારી દબાણ શાખાનો તો નથી, પરંતુ આરોગ્યનો હોય તો ખબર નથી. અત્યારે તો આ કર્મચારી કોણ છે તેની તપાસ કરી રહ્યા છીએ. હજુ સુધી અમને ખબર પડી નથી કે આ કર્મચારી કોણ છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરે ‘ભૂતિયા અધિકારી’ હોવાની આશંકા વ્યક્ત કરી
પાલિકાના વિવિધ વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળતા જોવા મળ્યા છે. અઠવા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. કેતન ગરાસિયાએ જણાવ્યું કે, આ કર્મચારી અથવા ઝોનનો તો નથી અને અમને ખબર પણ નથી કે આ અધિકારી કોણ છે. જ્યારે તેમને સીધો સવાલ કરવામાં આવ્યો કે, સર આ અધિકારી ભૂતિયા અધિકારી હોઈ શકે? તો તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, એવું માની શકાય, કારણ કે હજુ સુધી તેની કોઈ ભાળ અમને મળી નથી. મ્યુનિસિપલ કમિશનરથી લઈને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને 2 દિવસ પછી પણ ખબર નથી કે યુનિફોર્મમાં ફરતો આ ભૂતિયા અધિકારી છે કોણ. અલથાણ પોલીસ 2 દિવસથી ગોથાં ખાઈ રહી છે, ફરિયાદ પણ નહીં
બીજી બાજુ, જે વિસ્તારનો આ વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે અલથાણ પોલીસને પણ 2 દિવસ થઈ ગયા હોવા છતાં આ વ્યક્તિ કોણ છે તે અંગે કોઈ જ જાણકારી નથી. પોલીસ સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોના આધારે તપાસ કરી રહી હોવાનું ગાણું ગાઈ રહી છે. અલથાણ PI જે. એસ. જંબારેએ જણાવ્યું કે, હાલ આ વીડિયોના આધારે અમે તપાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ અમારી પાસે આવી નથી. એક શખ્સ ખુલ્લેઆમ મનપાના નામે તોડબાજી કરી રહ્યો હોવા છતાં ફરિયાદના અભાવે પોલીસ પણ નક્કર કાર્યવાહી કરવાને બદલે હાથ પર હાથ ધરીને બેઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *