2023નો શિયાળો હજી ગયો નહોતો. વાતાવરણમાં હજુયે ગુલાબી ઠંડી હતી. આવી જ ઠંડીની મોસમમાં નવસારીના એક જર્જરિત મકાનને તોડવાનું કામ છેલ્લા આઠ દિવસથી સતત ચાલી રહ્યું હતું. રસોડું, ઓસરી બધું જ તૂટી ગયું. હવે આ ખંડેર બની ગયેલા મકાનમાં આવેલા અલગ અલગ રૂમ તૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી. મજૂરોએ શરૂઆત ઉપરના માળેથી કરવાનું નક્કી કર્યું. એક બપોરે રૂમ તોડવાનું કામ ચાલી રહ્યું હતું. ઘરના લાકડાના મોભમાં જેવો હથોડાનો એક ઘા વાગ્યો કે લાકડું ફાટી ગયું…. પણ આ શું…? મોભની અંદરથી અચાનક જ સોનાના સિક્કા નીચે પડવા લાગ્યા. થોડીવાર માટે તો એવું દૃશ્ય સર્જાયું કે જાણે સોનાના સિક્કાનો વરસાદ થઇ રહ્યો હોય! ખંડેરમાંથી સોનાના સિક્કા વરસતા જોઇને કામ કરતા ચારેય મજૂરોની આંખો ફાટી ગઇ. તે એકબીજા સામે આશ્ચર્યચકિત થઇને જોવા લાગ્યા. રૂમમાં ચોતરફ ધૂળ ઊડી રહી હતી. ધૂળ ઊડવાનું ઓછું થયું એટલે રાજુ નામના એક મજૂરે નીચે પડેલો એક સિક્કો ઉપાડ્યો અને તેના પર જામી ગયેલી ધૂળ લૂછીને જોયું તો તે રાજાશાહી વખતનો હતો. પછી તો તેણે એક પછી એક સિક્કા ધૂળ લૂછીને જોવાનું શરૂ કર્યું… દરેક સિક્કો 1910થી 1922ના સમયગાળાનો હોવાનું માલુમ પડતું હતું. સિક્કા પર ઇંગ્લેન્ડના કિંગ જ્યોર્જ ચોથાની છાપ હતી. પાછળથી ખબર પડી કે 22 કેરેટ સોનાના આ દરેક સિક્કાનું વજન આઠ ગ્રામ હતું. સિક્કાઓને હાથમાં લઈને મજૂરોને જોતાવેંત જ લાગ્યું કે કે આ સિક્કાઓ અતિ કિંમતી હશે અને આ સિક્કાથી તેમનું નસીબ પલટાઈ શકે છે… પરંતુ જે મકાન તૂટી રહ્યું હતું તે કોનું હતું? મજૂરો કોના કહેવાથી આ ઘર તોડવા આવ્યા હતા…? આ તમામ સવાલોના જવાબ જાણવા આપણે થોડાક ભૂતકાળમાં જવું પડશે… ***
લંડનમાં બેઠાં બેઠાં જ ઘર તોડવાનો નિર્ણય લેવાયો
અરબ સાગરના કિનારેથી આવતી ખારી હવાથી નવસારીના બિલીમોરાની બજાજ સ્ટ્રીટમાં આવેલા બે માળના એક જૂનવાણી ઘરનાં લાકડાંના મોભ સડી ગયા હતા. બંદર રોડ પર જુમ્મા મસ્જિદ પાસે આવેલી બલિયા પરિવારની આ ઇમારત ઠંડી, ગરમી અને વરસાદનો સામનો કરીને પણ એક સદી કરતાં વધુ સમયથી અડીખમ ઊભી હતી. ઇમારતની દીવાલોએ કુટુંબની ચડતી-પડતી સહિત અનેક પ્રસંગો જોયા હતા. મૂળ નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇ ગામના અને લંડનમાં રહેતા હવાબેન ઇમ્તિયાઝ બલિયાએ 2009ની સાલમાં આ મકાન પોતાના જેઠ પાસેથી ખરીદ્યું હતું. હવાબેન વીસેક વર્ષોથી હજારો માઇલ દૂર લંડનમાં રહેતાં હતાં એટલે મકાનની સારસંભાળ લેવાવાળું અહીં કોઇ નહોતું. 2023નું વર્ષ આવતાં આવતાં તો એક સમયે ભવ્ય લાગતું આ ઘર જર્જરિત બની ચૂક્યું હતું. જ્યારે એમ લાગ્યું કે હવે આ ઇમારત ઝાઝું ટકી શકે તેમ નથી એટલે હવાબેને તેને તોડી પાડવાનો નિર્ણય લીધો. તેમણે લંડન બેઠાં બેઠાં જ વલસાડના કોન્ટ્રાક્ટર સરફરાઝ હાજી કોરડિયાને ફોન કર્યો અને મકાન તોડવાનું કામ સોંપ્યું. ભારતમાં એ વાત જગજાહેર છે કે વર્ષો પહેલાં લોકો પોતાનાં કિંમતી ઘરેણાં અને પૈસા ચોર-લૂંટારુંઓથી છુપાવવા જમીનની અંદર દાટી દેતા હતા. આ મકાન પણ 100 વર્ષ જૂનું હતું એટલે કદાચ તેમાંથી આવી કોઇ વસ્તુ મળી આવે તેની આશંકા હવાબેનના મનમાં પણ હતી. આ જ કારણે તેમણે કામ સોંપતાં પહેલાં સરફરાઝને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે ફોન પર જ સરફરાઝને કહ્યું,
“મારું આ ઘર 100 વર્ષ જેટલું જૂનું છે. જો તમને અથવા તમારા માણસોને ઘરમાંથી કોઇ કૌટુંબિક વસ્તુઓ, જૂના દસ્તાવેજો અથવા કિંમતી સામાન મળે તો તમારે તે સીધો મને જ સોંપવાનો છે. આ વાત બરોબર સમજી લેજો…” સરફરાઝે તો ત્યારે મનમાં કોઈ પણ લાલચ લાવ્યા વગર, ખચકાટ વગર તરત જ હા પાડી દીધી. પછી તો કોન્ટ્રાક્ટની કિંમત, કામ પૂરું કરવાનો સમયગાળો સહિતની બીજી શરતો પણ નક્કી થઇ ને ઘર તોડવાની તારીખ નક્કી કરવામાં આવી. જાન્યુઆરી, 2023
સરફરાઝે મકાન તોડવા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના ચાર પ્રવાસી મજૂરો રાજુ ભયડિયા, તેની પત્ની બંજારી ભયડિયા તથા રમકુબાઇ અને તેના સગીર પુત્રને બોલાવ્યા. ચારેયને મકાનની હાલત બતાવી અને ક્યારથી કામ શરૂ કરીને કેવી રીતે આગળ વધવાનું છે તે જરૂરી સૂચનાઓ આપી દીધી. જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ઘણ, કોદાળી, પાવડા, તગારાં અને હથોડા સાથે ચારેય મજૂરોએ કામ શરૂ કરી દીધું. *** હથોડાનો ઘા વાગ્યો ને લાકડામાંથી સોનાના સિક્કા વરસ્યા
આઠ દિવસ ઘરના અન્ય ભાગો તોડ્યા બાદ હવે ઘરના રૂમો તોડવાનો નિર્ણય લેવાયો. એક બપોરે મજૂર રૂમના લાકડાના મોભને હથોડા મારી રહ્યો હતો અને અચાનક જ સોનાના સિક્કાનો વરસાદ થયો. મજૂરના પગ પાસે સોનાના સિક્કાના ઢગલા હતા, ચારેય મજૂરોને એક ક્ષણ તો એવું લાગ્યું કે પોતે કોઇ સપનું જોઇ રહ્યાં છે. તેમને હજી પણ વિશ્વાસ થતો નહોતો કે તેમની નજર સામે સોનાના સિક્કાનો ઢગલો પડ્યો છે. રૂમમાં ઘડીકમાં તો એકદમ નીરવ શાંતિ છવાઇ ગઇ. મજૂરો સિક્કા જોઈને લલચાઈ ગયા. સ્વાભાવિક રીતે જ તેઓ હવે આ સિક્કાના માલિક બનવા માગતા હતા. આ સમયે કોન્ટ્રાક્ટર સરફરાઝ પણ ઘરની બહાર જ બેઠો હતો. અચાનક જ તોડવાનું કામ એકદમ બંધ થઇ જતાં તેને નવાઇ લાગી. તેને કંઈક અમંગળ તો નથી બન્યું એવી આશંકા થતાં તે દોડીને ઉપરના માળે પહોંચી ગયો. ત્યાં જઈને તેણે જે જોયું તે તેની કલ્પના બહારનું હતું. તેની નજર સામે ચારેય મજૂરોના પગ પાસે સોનાના સિક્કાનો ઢગલો પડ્યો હતો. તે ઘડીભર તો સમજી ના શક્યો કે શું થયું છે પછી તેણે મજૂર રાજુને પૂછ્યું. રાજુએ શરૂઆતથી આખી વાત વિગતવાર સંભળાવી દીધી. ભારતીય કાયદા પ્રમાણે જ્યારે કોઇ મકાનમાંથી સોનાનો ખજાનો મળે ત્યારે તેની જાણ સરકારને કરવી પડે. સરકાર તેનો કબજો લઇ લે પણ આ મકાનમાં હાજર પાંચેયની દાનત બગડી. તેમણે સરકારને જાણ ના કરી. સરફરાઝ તો ઘરના માલિક એવા હવાબેનને આપેલું વચન પણ ભૂલી જ ગયો. તેણે ચારેય મજૂરોને પોતાની પાસે બોલાવ્યા. આજુબાજુ કોઇ જોઇ કે સાંભળી તો નથી રહ્યું ને તે વાતની ખાતરી કરવા તેણે એક નજર ફેરવી લીધી અને પછી કડક સૂચના આપતો હોય તે અંદાજમાં બોલ્યો, “આ ખજાના વિશે આ રૂમની બહાર એક પણ શબ્દ ન જવો જોઇએ.” આટલું બોલીને તે રૂમનો લાકડાનો દરવાજો બંધ કરવા દોડ્યો. દરવાજો બંધ કરીને પાછો આવ્યો અને પોતાની વાત આગળ વધારી. “જો સરકારને ખબર પડશે તો તે બધું લઇ લેશે અને જો મકાન માલિકને ખબર પડશે તો આપણને કંઇ નહીં મળે. એટલે આપણે કોઇને કંઇ કહેવાનું નથી. અહીંથી કંઇ મળ્યું નથી તેવું જ રાખજો. આપણે પાંચેય આ સિક્કાઓનો વહીવટ કરી લઇશું.” જર્જરિત મકાનમાં કરોડોની કિંમતના સોનાના સિક્કાઓની વહેંચણી માટે સરફરાજે મજૂરો સાથે કંઈક આ રીતની સમજૂતી કરી નાખી. બધાએ ભેગા મળીને રૂમમાં વિખરાયેલો એક-એક સિક્કો વીણી લીધો. હવે કોઇ વધુ રાહ જોવા તૈયાર નહોતું. ધૂળવાળી ફર્શ ઉપર જ પાંચેય જણા પલાઠી વાળીને બેસી ગયા. સિક્કાની ગણતરી થઇ અને પાંચેય વચ્ચે કામ અને ઉંમર પ્રમાણે સિક્કા વહેંચાઇ ગયા. સરફરાજ પોતે કોન્ટ્રાક્ટર હતો એટલે તેણે પોતાનો મોટો હિસ્સો પડાવી લીધો. બાકીના ચારેય મજૂરોએ પોતાના ભાગમાં આવેલા સિક્કાને કપડામાં વીંટાળીને પોતાની પાસે રાખી લીધા અને જાણે કંઇ થયું નથી તેમ પાછા કામ પર લાગી ગયા. સિક્કા જોયા બાદ મજૂરોને કામ કરવાની સહેજ પણ ઈચ્છા નહોતી. તેમણે માંડ માંડ સાંજ સુધી કમને કામ કર્યું. તેમને ખ્યાલ હતો કે આ મજૂરી કામ કરવાથી જેટલા રૂપિયા મળવાના હતા, તેનાથી અનેકગણા રૂપિયા તો હવે તેમને પોતાની પાસે રહેલા સોનાના સિક્કામાંથી મળી જવાના હતા તો કામ કેમ કરવું? જો સરફરાઝ તરત જ કામ બંધ કરી દે તો મકાન માલિક સહિત આસપાસના લોકોને પણ શંકા જાય. આ જ કારણે સરફરાઝે ચાર મજૂરો સાથે વધુ બે દિવસ કામ કર્યું. મજૂરો ને સરફરાઝ માટે આ બે દિવસ કાઢવા ઘણા જ આકરા હતા. તેમનું મન તો હવે સોનાના સિક્કામાં જ હતું. સિક્કા વેચીને તેઓ કેવી રીતે પોતાના અધૂરાં રહેલાં સપનાંઓ પૂરાં કરશે તેમના ખ્યાલોમાં ખોવાયેલા હતા. માંડ માંડ બે દિવસ કામ કર્યું ને પછી આ ચારેય મજૂરોએ કામ કરવાનું બંધ કરી દીધું. સાંજ પડી કે તરત જ મજૂરો બિસ્તરાં પોટલાં બાંધીને બિલીમોરાથી કોઈને ખબર ના પડે તે રીતે ચૂપચાપ નીકળી ગયા. રાતે જ અલીરાજપુર પોતાના વતન જતાં રહ્યાં. વતનમાં આવીને મજૂરોએ પોતાના ઘરમાં જ સિક્કાઓ છુપાવી દીધા. પાંચેક મહિના સુધી તો ચારેયે આ વાત છુપાવીને રાખી પણ કોન્ટ્રાક્ટરની હાજરીમાં જે સોનાના સિક્કા વહેંચાયા હતા તેનાથી ચારેયને અસંતોષ હતો, પરંતુ કોન્ટ્રાક્ટર સામે કોઈની બોલવાની હિંમત નહોતી. હવે તેઓ પોતાના વતનમાં હતા અને ત્યાં તેમને કોઈ રોકી શકે તેમ નહોતું. પોતાના વતનમાં જ આ ચારેય મજૂરો ભેગા થયા. તેમણે સિક્કાના સરખા હિસ્સા કરવાનું નક્કી કર્યું. રાજુ અને બંજારી પતિ-પત્ની હતાં એટલે તેમની વચ્ચે એક જ ભાગ મળશે તેવું રમકુ અને તેના પુત્રએ કહ્યું. તો સામા પક્ષે રાજુ અને બંજારી જુદો-જુદો હિસ્સા લેવા મક્કમ હતાં. તેમણે રમકુ અને તેના પુત્રને એક જ હિસ્સો મળશે તેવું સામે કહી દીધું. સોનાના વધુ સિક્કા ભાગમાં આવે તેવી લાલચ આ મજૂરોને હતી. આ જ લાલચ તેમના ઝઘડાનું કારણ બની ગઈ. બેય પક્ષો વચ્ચે જોરદાર ઝઘડો થયો. કહેવત છે ને કે પહેલો સગો પાડોશી બસ તેની જેમ જ પહેલો દુશ્મન પણ પાડોશી હોઇ શકે છે. મજૂરોનો આ ઝઘડો આસપાસ રહેતા લોકોથી છૂપો ના રહ્યો. એક પાડોશીએ આ ઝઘડાની આ વાત સીધી અલીરાજપુર પોલીસ સુધી પહોંચાડી દીધી. પોલીસના કાન પણ મજૂરો પાસે સિક્કા હોવાની વાતથી સરવા થઈ ગયા હતા. હવે મામલો મજૂરોના હાથ બહાર જતો રહ્યો હતો. સોનાના સિક્કાના કેસમાં પોલીસની એન્ટ્રી થવાની હતી. પોલીસની એન્ટ્રી સાથે જ એક નવો અને અણધાર્યો વળાંક આવવાનો હતો. આખરે આ વળાંક શું હતો, હવાબેન સુધી આ સિક્કા પહોંચશે કે ખરા કે પછી કરોડોની કિંમતના આ સિક્કા સરકારી તિજોરીમાં જવાના હતા… તે જાણવા માટે જુઓ ‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’નો બીજો એપિસોડ.
મકાનમાલિક લંડનમાં ને 100 વર્ષ જૂના મકાનમાં થઈ તોડફોડ:છતને હથોડો મારતાં જ થયો સોનાના સિક્કાનો વરસાદ, કરોડોનો ખજાનો લઈ મજૂરો થયાં રફુચક્કર
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
