યમનના હુતી બળવાખોરોએ મંગળવારે સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. ત્યારબાદ સાઉદી અરબે મક્કામાં પહેલીવાર ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું. સાઉદી સિવિલ ડિફેન્સ અનુસાર, નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મે એલર્ટ જાહેર કર્યું હતું. લોકોને ઊંચી ઇમારતોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. થોડા સમય પછી સિવિલ ડિફેન્સે જણાવ્યું કે ખતરો ટળી ગયો છે. જોકે, લોકોને ભીડથી દૂર રહેવા અને કોઈ ઘટનાનો વીડિયો કે ફોટો ન બનાવવા અપીલ કરવામાં આવી હતી. મંગળવારે સવારે જેદ્દા અને તાઈફમાં પણ આવા જ ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. તેમને પણ થોડા સમય પછી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. સાઉદીમાં મિસાઈલ હુમલાની તસવીર લોકોને અપીલ- ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળો મક્કા, જેદ્દા અને તાઈફમાં જાહે કરાયેલા એલર્ટમાં લોકોને ભીડવાળા અને ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવાયું છે. લોકોને શાંત રહેવા અને કોઈપણ ખતરાની સ્થિતિમાં તરત જ સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે. લોકોને ઘરની અંદર રહેવા અને બારીઓ, બાલ્કની, છત, કાચ અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા જણાવાયું છે. જો કોઈ વ્યક્તિ ઘરની બહાર હોય, તો તેને તરત જ નજીકની કોઈ ઇમારતમાં જવા અથવા કોઈ મજબૂત વસ્તુની આડમાં છુપાઈ જવા અને ખતરો ટળી ન જાય ત્યાં સુધી ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. હૂતી હુમલામાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ આ ઇમરજન્સી એલર્ટ સાઉદી અરબ પર હુતીઓના સતત હુમલાઓ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે હુતીઓએ સાઉદી શહેરો ખમિસ મુશૈત, અબહા અને તાઈફ તરફ અનેક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધનના પ્રવક્તા કર્નલ તુર્કી અલ-મલિકી અનુસાર, આ હુમલાઓમાં ઓછામાં ઓછા 13 નાગરિકો ઘાયલ થયા હતા. મંગળવારે જાહેર કરાયેલા નિવેદનમાં અલ-મલિકીએ સાઉદી નાગરિકોને નિશાન બનાવનારા હુતીઓના હુમલાઓને ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો. ગયા અઠવાડિયે પણ હુતીઓએ સાઉદી અરબ પર મોટી સંખ્યામાં મિસાઈલો અને ડ્રોન વડે હુમલા કર્યા હતા. આમાં અબહા, ખમિસ મુશૈત, જાઝાન અને નજરાન શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 73 લોકો ઘાયલ થયા હતા. હુમલાઓ પછી સાઉદી અરબની કેટલીક ઊર્જા સુવિધાઓનું કામ પણ થોડા સમય માટે રોકવું પડ્યું હતું. યમનમાં તણાવ બાદ સાઉદીમાં હુમલા ઈરાન સાથે સંકળાયેલા હુતીઓનો આરોપ છે કે સાઉદી અરબ યમનમાં હવાઈ હુમલા કરી રહ્યું છે અને ક્રુઝ મિસાઈલો છોડી રહ્યું છે. યમનના દક્ષિણી અને પશ્ચિમી ભાગોમાં હુતી લડવૈયાઓ અને સાઉદી સમર્થિત સરકારી દળો વચ્ચે ભારે લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન હુતીઓએ યમનના પશ્ચિમી લાલ સાગર તટ પર ઝડપથી પોતાનો કબજો વધાર્યો છે. તેમણે સોમવારે આ વિસ્તારમાં વધુ બે ટાપુ ગ્રેટર હનીશ અને લેસર હનીશ પર પણ કબજો કરી લીધો. આ બંને ટાપુઓ બાબ અલ-મંદેબ સ્ટ્રેટથી લગભગ 160 કિમી ઉત્તરમાં આવેલા છે. યમનમાં 500થી વધુ સરકારી લડવૈયાઓ માર્યા ગયા યમનમાં હુતીઓ સામેની લડાઈમાં છેલ્લા ચાર અઠવાડિયામાં સરકાર સમર્થિત 500થી વધુ લડવૈયાઓ માર્યા ગયા છે. સરકારના સમર્થનમાં લડતી નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સે આ દાવો કર્યો છે. સંગઠન મુજબ, આ દરમિયાન હોદેદા અને તાઈઝ પ્રાંતોમાં 1,000થી વધુ હુતી લડવૈયાઓ પણ માર્યા ગયા. જોકે, હુતીઓએ આ આંકડાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન યમનની સરકારે લાલ સાગરના કિનારે વધુ સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. સરકારના એક અધિકારીએ ગયા અઠવાડિયાની હાર સ્વીકારતા કહ્યું કે સરકારી દળો ફરીથી વિસ્તારમાં પાછા ફરશે. સાઉદીની મદદથી પાકિસ્તાને ઇનકાર કર્યો હુતી બળવાખોરોના હુમલા અને ઝડપથી વધતા કબજાએ સાઉદીની મુશ્કેલીઓ વધારી દીધી છે. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, સાઉદી અરબ હવે મદદ માટે પોતાના સહયોગી દેશોનો સંપર્ક કરી રહ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સાઉદીને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પાકિસ્તાને કહ્યું કે તેની સેના સાઉદી અરબની જમીનની રક્ષા માટે તૈનાત કરી શકાય છે, પરંતુ તે કોઈ બીજા દેશની જમીન પર યુદ્ધમાં સામેલ થશે નહીં.
મક્કામાં પહેલીવાર મિસાઈલ એટેકનું ઈમરજન્સી એલર્ટ:હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા
📅 Published: September 15, 2026 |
📂 Category: International
