મનપાએ ખરીદેલા ઝાડુ માત્ર ફોટોસેશન માટે !:રાજકોટ મનપાનાં 5,000થી વધુ સફાઈ કામદારો દર મહિને 20,00,000નાં ઝાડુ ખરીદવા મજબૂર, કામદારો ઝાડુ લેતા નહીં હોવાનો અધિકારીનો બચાવ

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે કુલ 5,000 કરતા વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. જોકે આ સફાઈ માટે મનપા દ્વારા કામદારોને ઝાડુ અપાતા નથી. તેમજ આ કારણે દરેક કામદાર 80 રૂપિયાનું એક એવા મહિને કુલ 5 ઝાડુ પોતાના ખર્ચે ખરીદવા મજબુર બન્યા હોવાનો આરોપ કામદાર યુનિયને લગાવ્યો છે. એટલું જ નહીં મનપાનાં ગોડાઉનમાં નાના-મોટા હજારો ઝાડુ છે, જેનો ઉપયોગ માત્ર સ્વચ્છતાનાં કાર્યક્રમોમાં ફોટોસેશન માટે કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારીએ કામદારોને ઝાડુ આપવા છતાં તેઓ લેવા તૈયાર નહીં હોવાનો બચાવ કર્યો છે. સ્થાનિક સફાઈ કામદારોએ આપેલા નિવેદન અનુસાર, તેઓ મનપા તરફથી ઝાડુ નહીં મળવાને કારણે પોતાના અંગત ખર્ચે ઝાડુ ખરીદીને શહેરની સફાઈ કરે છે. જેમાં એક સફાઈ કામદાર દર મહિને આશરે 5 ઝાડુ પોતાના ખર્ચે ખરીદે છે. એક ઝાડુની કિંમત આશરે 80 ગણીએ તો એક કામદારનો માસિક ખર્ચ 400 થાય છે. રાજકોટ મહાનગરપાલિકા હેઠળ 5000 થી વધુ સફાઈ કામદારો કાર્યરત છે. આ ગણતરી ધ્યાને લેતા સફાઈ કામદારોને દર મહિને કુલ 20,00,000 રૂપિયા જેટલો મોટો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા મનપાના સ્ટોર રૂમમાં હજારોની સંખ્યામાં નાના અને મોટા ઝાડુનો જથ્થો પડ્યો-પડ્યો ધૂળ ખાઈ રહ્યો છે. પરંતુ સફાઈ કામદારોને ઝાડુ આપવામાં આવતા જ નથી. જો આ ઝાડુ કામદારો સુધી પહોંચતા જ નથી, તો પછી તંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં ઝાડુની ખરીદી કોના માટે અને શા માટે કરવામાં આવી છે? અમને મળેલ જાણકારી મુજબ મોટા લાકડીવાળા ઝાડુ માત્ર રાજકીય નેતાઓના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, ફોટો સેશન અને વીડિયો શૂટિંગ પૂરતા જ મર્યાદિત રહે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વિગતો પરથી મનપાના SWM વિભાગમાં ઝાડુ ખરીદી અંગે પણ મોટુ કોભાંડ થયું હોવાની આશંકા છે. ત્યારે મનપા તંત્ર દ્વારા ઝાડુની ખરીદીનો તમામ હિસાબ જાહેર કરવામાં આવે. કેટલા ઝાડુ ખરીદવામાં આવ્યા, કયા ટેન્ડર હેઠળ ખરીદાયા, કયા સપ્લાયર પાસેથી અને કેટલા રૂપિયાના ખર્ચે ખરીદી થઈ તેનો સ્પષ્ટ ખુલાસો થવો જોઈએ. ઉપરાંત છેલ્લા 5 વર્ષનું ખરીદી, સ્ટોક અને ઇશ્યુ રજીસ્ટર જાહેર કરીને પ્રજાનાં એક-એક રૂપિયાનો હિસાબ રાજકોટની જનતા સમક્ષ મૂકવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં મનપાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા બધા સફાઈ કામદારો માટે રૂ. 35ની કિંમતનું એક એવા ઝાડુ વોર્ડ ઓફીસ મોકલવામાં આવે છે. પરંતુ કામદારો આ ઝાડુ લેવા તૈયાર થતા નથી. તેઓ વધુ જાડી સળીવાળા અને બે ઝાડુ ભેગા કરીને સફાઈ કરવા ટેવાયેલા હોવાથી સરકારના નિયમ મુજબ ખરીદેલા આ ઝાડુ વાપરવા તૈયાર થતા નથી. આ કારણે જ ઘણા સમયથી ઝાડુની ખરીદી બંધ કરવામાં આવી છે. હાલ જે ઝાડુનો સ્ટોક છે તેનો ઉપયોગ મનપાનાં અલગ-અલગ સફાઈ કાર્યક્રમમાં થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *