રાજકોટ મહાનગરપાલિકામાં ઉચ્ચ અને જવાબદાર હોદ્દાઓ પર મનપસંદ તથા મળતિયાઓને ગોઠવવાનો ખેલ થયો હોવાની આશંકા છે. મનપાના વહીવટી તંત્ર દ્વારા 5 સિટી ઈજનેર, IT ડાયરેક્ટર, ડેપ્યુટી સેક્રેટરી, પર્યાવરણ ઈજનેર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતની 8 મહત્વની જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી. જોકે ગઈકાલે રવિવારની જાહેર રજામાં જ પસંદગી સમિતિની બેઠક મળી ગઈ હતી. જેમાં કોઈ યોગ્ય ઉમેદવાર નહીં હોવાનું કારણ આપી આ ભરતીની પ્રક્રિયા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખી પ્રક્રિયા ફરીથી કરવા મેયર ડો. નેહલ શુક્લ દ્વારા આદેશ આપ્યા છે. આ ભરતી પ્રક્રિયા અચાનક રદ્દ કરી દેવાતાં અનેક ચર્ચાઓ ઉઠી છે. પ્રાપ્ત વિગત મુજબ ગત વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડિશનલ સિટી ઈજનેર, સિટી ઈજનેર (સ્પે.) અને કાર્યપાલક ઈજનેર સહિતની કુલ 5 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ ભરતીમાં 300થી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભાગ લીધો હતો, પરંતુ આ તમામ ઉમેદવારોની લાયકાતને બાજુ પર ધકેલીને મનપાના ઈન્ચાર્જ ઈજનેરો અને વહીવટી પાંખના માનીતાઓ માટે રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. મનપા કમિશ્નરે પસંદગીના નામોનો ઠરાવ તૈયાર કરીને ઓફિસર્સ સિલેક્શન કમિટીને મોકલ્યો હતો. જેમાં ડેપ્યુટી સેક્રેટરીની ભરતી માટે ઈનહાઉસ ઈન્ટરવ્યૂના નામે નાટક કરીને 5 ઉમેદવારોમાંથી પૂર્વ ઈન્ચાર્જ સેક્રેટરી સહિત 2 ઉમેદવારના નામો પસંદ કરી કમિશ્નરે કમિટીને મોકલ્યા હતા. જે-તે સમયે આ ભરતી પ્રક્રિયામાં મોટા પાયે નાણાકીય વ્યવહારો અને પદોના સેટિંગ થયા હોવાની ચર્ચાઓ વહેતી થતાં મોટો વિવાદ સર્જાયો હતો. આ સમયગાળા દરમિયાન મહાપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતાં પૂર્વ શાસકોની સિલેક્શન કમિટીએ આ વિવાદિત કામગીરી અટકાવી દીધી હતી. ગઈકાલે રવિવારે રજાના દિવસે અચાનક જ બોલાવાયેલી ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠકમાં કમિશ્નર દ્વારા મોકલાયેલું ઉમેદવારોનું લિસ્ટ અને ભરતીના શંકાસ્પદ નિયમો જોઈને કમિટીના અધ્યક્ષ અને મેયર નેહલ શુકલે સમગ્ર પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે તેમજ તમામ જગ્યાઓ માટે નવેસરથી પુનઃ ભરતી કરવાનો કડક આદેશ આપ્યો છે. જોકે મેયર ડો. નેહલ શુકલએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે આ ભરતી મામલે પસંદગી સમિતિની મહત્વની બેઠક મળી હતી. જેમાં સૂચવવામાં આવેલા નામો જે-તે પોસ્ટ માટે યોગ્ય નહીં હોવાથી આખી પ્રક્રિયા નવેસરથી જાહેરાત બહાર પાડીને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મહાનગરપાલિકાની ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થાય નહીં તે માટે હવે ભરતીના નિયમોમાં જ મોટા પાયે ફેરફાર કરવાનાં સંકેતો આપ્યા હતા. હાલ તો તમામ 8 મહત્વનાં હોદ્દાઓ ઉપરની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી પડી છે. હવે જોવાનું એ રહેશે કે નવી ભરતીમાં પારદર્શકતા જળવાય છે કે ફરી કોઈ બીજી ગોઠવણનો ખેલ રચાય છે.
મનપામાં ભરતીના નામે મોટો ખેલ ?:રાજકોટમાં 5 સિટી ઈજનેર અને IT ડાયરેક્ટર સહિત 8 અધિકારીઓની ભરતી પ્રક્રિયા રદ્દ, આખી પ્રક્રિયા ફરીથી કરવા મેયરનો આદેશ
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
