ઉત્તરાખંડના હલ્દવાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચનું ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ અને હવન કરવામાં આવ્યાનો વિવાદ વકર્યો છે. આ ઘટનાના વિરોધમાં અને ખડગેના સમર્થનમાં અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા ખાતે NSUI દ્વારા ઉગ્ર રોષ સાથે ધરણાન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ઓવરબ્રિજ પરથી ભાજપના નેતાનું પૂતળું લટકાવવામાં આવતા અને ટ્રાફિકજામ સર્જાતા પોલીસે સ્થાનિક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપના નેતાના પૂતળાને ફાંસી આપી બ્રિજ પરથી લટકાવ્યું
NSUIના કાર્યકર્તાઓ “ભેદભાવની માનસિકતા મુર્દાબાદ”, “દલિત વિરોધી સરકાર નહીં ચલેગી”, “જાતિવાદ બંધ કરો” જેવા પોસ્ટરો સાથે હેલ્મેટ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શાસક પક્ષ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ચાર રસ્તા પર કડક બંદોબસ્ત ગોઠવ્યો હોવાથી કેટલાક કાર્યકરો હેલ્મેટ ઓવરબ્રિજ પર પહોંચી ગયા હતા અને ભાજપના નેતાના પૂતળાને ગળે ફાંસી આપી નીચે લટકાવી દીધું હતું. NSUIનું વિરોધ પ્રદર્શન અને અટકાયત આ દ્રશ્ય જોઈને પોલીસ દોડતી થઈ હતી અને વાહનચાલકોની મદદથી પૂતળું નીચે ઉતાર્યું હતું. ચાર રસ્તા પર ધરણાના કારણે રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતાં પોલીસે ટીંગાટોળી કરીને NSUIના તમામ અગ્રણીઓ અને કાર્યકરોના જથ્થાની અટકાયત કરી હતી. ‘દલિત વિરોધી તત્વોને ક્યારેય ચલાવી લેવાશે નહીં’: વિક્રમસિંહ ગોહિલ
ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આ ઘટના અંગે જણાવતાં કહ્યું કે, ઉત્તરાખંડમાં દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ મંચનું શુદ્ધિકરણ કરવું એ દલિત સમાજનું અપમાન છે અને આવા દલિત વિરોધી તત્વોને ક્યારેય ચલાવી લેવાશે નહીં. તેમણે માંગ કરી હતી કે, આ કૃત્યમાં સંકળાયેલા ભાજપના નેતાઓ સામે ત્વરિત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે. ભાજપ દ્વારા જવાબદારોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
મલ્લિકાર્જૂન ખડગેના અપમાનને લઈ હેલમેટ સર્કલે NSUIનો દેખાવો:ઓવરબ્રિજ પરથી ફાંસી આપી ભાજપના નેતાનું પૂતળું લટકાવ્યું, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અયકાટત કરી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
