મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસની તપાસના ભાગરૂપે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિત છ રાજ્યોમાં 33 સ્થળે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરોડો રૂપિયાના આ રેકેટમાં ધરપકડ કરાયેલા સંસ્થાપક અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરની પૂછપરછના આધારે કરવામાં આવી હતી, એમ સીબીઆઈના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. છેલ્લાં 5-6 વર્ષથી ફરાર ચંદ્રાકરને 1 નવેમ્બરના રોજ ઓમાનથી ભારત લાવવામાં (પ્રત્યાર્પણ) આવ્યો હતો. આ પછી 2થી 12 નવેમ્બર દરમિયાન સીબીઆઈ દ્વારા તેની આકરી પૂછપરછ કરાઈ હતી. હાલમાં તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીમાં છે, જે મહાદેવ સટ્ટાબાજી કેસની સમાંતર મની-લોન્ડરિંગ તપાસ કરી રહી છે. “છેલ્લા કેટલાક દિવસોમાં અમે ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ મહાદેવ ઓનલાઈન બુક એપના પેનલ ઓપરેટરોના પરિસરમાં છ રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી આ પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર દ્વારા ઓમાનથી પ્રત્યાર્પણ બાદ કરવામાં આવેલા ખુલાસાના આધારે કરવામાં આવી છે,” એમ અધિકારીએ જણાવ્યું હતું. સીબીઆઈ ‘એમઓબી’ સંબંધિત બે કેસની તપાસ કરી રહી છે. ઈડીના અંદાજ મુજબ મહાદેવ એપ અને અન્ય સંબંધિત પ્લેટફોર્મ સાથે જોડાયેલી રકમ લગભગ 94,000 કરોડ રૂપિયા છે, જેમાંથી 4,000 થી 5,000 કરોડ રૂપિયા પહેલાથી જ પ્રમોટર્સને મોકલી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે, સર્ચ દરમિયાન “લાઈવ સટ્ટાબાજી અને જુગાર પેનલ કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે.” આ કાર્યવાહીમાં ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન તેમ જ નકલી અકાઉન્ટ્સ (મ્યુલ અકાઉન્ટ્સ) અને હવાલા નેટવર્કનો ઉપયોગ દર્શાવતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. નેટવર્કની કામગીરીનો મોટો ખુલાસો
સીબીઆઈના જણાવ્યા અનુસાર, ચંદ્રાકરની પૂછપરછમાં ભારતમાં પ્લેટફોર્મ અને પેનલ ઓપરેટરોના નેટવર્ક કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વિગતવાર માહિતી બહાર આવી છે. “તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા પણ તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્લેટફોર્મ તેના વિદેશમાં મુખ્ય કાર્યાલય (દુબઈ)થી ચલાવવામાં આવે છે અને ભારતમાં પેનલ ઓપરેટરોના મોટા નેટવર્ક દ્વારા સંચાલિત છે. આ ઓપરેટરો ગ્રાહક આઈડીમાં હેરફેર કરે છે. અન્ય વ્યક્તિઓના નામે ખોલવામાં આવેલા અથવા ભાડે લેવામાં આવેલા બેંક ખાતાંઓમાં સટ્ટાબાજીના પૈસા એકત્રિત કરે છે અને હવાલા ચેનલો દ્વારા વિદેશમાં નફો મોકલે છે.” અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે
સીબીઆઈએ જણાવ્યું હતું કે વિદેશમાં અન્ય આરોપીઓ, આ પ્રવૃત્તિઓમાં મદદ કરનારી વ્યક્તિઓ અને સંબંધિત સરકારી અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય ફરાર આરોપીઓના પ્રત્યાર્પણ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ચંદ્રાકરના બિઝનેસ પાર્ટનર અને અન્ય એક મુખ્ય માસ્ટરમાઇન્ડ રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે અને ભારતે વહેલી તકે તેના પ્રત્યાર્પણની માગણી કરી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 6 રાજ્યમાં 33 કાર્યવાહી હાથ ધરાઈ:મહાદેવ એપ સટ્ટાબાજી પ્રકરણમાં સૌરભ ચંદ્રાકરની પૂછપરછ કર્યા બાદ વ્યાપક દરોડા
📅 Published: November 15, 2026 |
📂 Category: gujarati-news
