મહિલાઓ માટે સિટીબસમાં ફ્રી મુસાફરી:રાજકોટ મનપા દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર દિવસે સુવિધા અપાતા બહેનોને રાખડી બાંધવા પહોંચવું સરળ બન્યું, મહિલાઓએ માન્યો તંત્રનો આભાર

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

આજે રક્ષાબંધનનાં તહેવાર નિમિતે મનપા દ્વારા તમામ મહિલાઓ માટે સિટીબસ અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરીની ભેંટ આપવામાં આવી છે. મનપાની આ ભેંટનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. અને પોતાના ભાઈને રાખડી બાંધવા સહિતના કામો માટે સિટીબસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી હતી. આ સુવિધા માટે બહેનોએ મનપાનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, રક્ષાબંધનનાં પવિત્ર દિવસે સુવિધા અપાતા દૂર રહેતા ભાઈને રાખડી બાંધવા પહોંચવું સરળ બન્યું છે. સુવિધાનો લાભ લેનારા નીતાબેન ટાંકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું સંત કબીર રોડથી મોરબી રોડ થઈને શીતલ પાર્ક ખાતે મારા ભાઈને રાખડી બાંધવા ગઈ હતી. મારી સાથે મારા મમ્મી પણ હતા. મનપા દ્વારા ફ્રી બસ સેવા આપવામાં આવી રહી છે, જેનો અમને બહુ સારો લાભ મળ્યો છે. બસમાં AC સહિતની સુવિધા પણ છે, ભીડભાડ પણ નથી અને બેસવા માટે વ્યવસ્થિત જગ્યા મળી રહે છે. આ સુવિધાના કારણે અમે ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે સમયસર ઘરે પહોંચી શક્યા છીએ. સરકાર અને તંત્ર દ્વારા રક્ષાબંધન તથા ભાઈબીજ જેવા પવિત્ર તહેવારો પર મહિલાઓને ફ્રી મુસાફરીનો જે લાભ આપવામાં આવ્યો છે, તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સુવિધા અંગે ખુશી વ્યક્ત કરતા ગોહિલ નમ્રતાબેને જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તહેવારોના સમયે તમામ બહેનો માટે ફ્રી મુસાફરીની જે સગવડ આપવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. સિટીબસ અને બીઆરટીએસ બસોમાં સુવિધા અને સ્ટાફનું વર્તન પણ ખૂબ જ સારું છે. રક્ષાબંધનનો આ તહેવાર ભાઈના સફળ જીવન અને પ્રગતિ માટે પ્રાર્થના કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે, ત્યારે આ દિવસે મફત મુસાફરી મળવાથી આનંદ બમણો થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 200 કરતા વધારે એસી ઇલેક્ટ્રિક બસ તથા બી.આર.ટી.એસ. બસ ચલાવવામાં આવી રહી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવાનું આ વર્ષે પણ નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મહિલાઓએ કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત નિ:શુલ્ક મુસાફરીનો આનંદ માણ્યો હતો. અને તંત્રની આ સુવિધાને વખાણી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *