સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલા માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કરતી હોવાની પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઈ. પોલીસકર્મીઓએ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી. રૂમનો દરવાજો બંધ હોય તોડીને પ્રવેશ કર્યો અને ગળામાં ફંદો નાખી આપઘાતનો પ્રયાસ કરી રહેલી મહિલાનો પકડીને નીચે ઉતારી. પોલીસકર્મીઓએ તાત્કાલીક મહિલાને CPR (cardiopulmonary resuscitation) આપી જીવ બચાવ્યો. PRC સ્ટાફને ઈમરજન્સી કોલ મળ્યો’ને 2 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી
3 સપ્ટેમ્બરની રાત્રે 12:49 કલાકે સુરતના અડાજણ વિસ્તારમાં તૈનાત PCR વાન-56ને એક ઈમરજન્સી કોલ મળ્યો. જેમાં જણાવ્યું કે, માનસિક અપસેટ થઈ એક મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પળનો પણ વિલંબ કર્યા વગર પોલીસકર્મીઓ બે મિનિટ અને 10 સેકન્ડમાં ઘટનાસ્થળે પહોંચી ગયા. બારીમાં જોયું તો મહિલાના ગળામાં ફંદો હતો
ઘટનાસ્થળે પહોંચેલી PCR ટીમે ઘરની બારીમાંથી અંદર જોયું તો મહિલા પંખા સાથે લટકતી હાલતમાં તરફડતી જોવા મળી.સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સ્ટાફે સમયસૂચકતા વાપરી તુરંત જ ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો. પોલીસે અંદર પ્રવેશી તાત્કાલિક મહિલાને ફાંસીના ફંદેથી નીચે ઉતારી હતી. મહિલાના શ્વાસ ચાલુ રાખવા માટે સ્થળ પર જ તાબડતોબ CPR તથા પ્રાથમિક સારવાર આપી તેના ધબકારા જાળવી રાખ્યા. 108 મારફતે તાત્કાલિક હૉસ્પિટલ ખસેડાઈ, મહિલા હવે જોખમ બહાર
સ્થળ પર પ્રાથમિક સારવાર આપવાની સાથે જ પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને નજીકની હૉસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી. સમયસર મળેલી તબીબી સહાય અને પોલીસની ઝડપના કારણે મહિલાનો જીવ બચી ગયો . હાલમાં તબીબોની દેખરેખ હેઠળ મહિલાની તબિયત સ્થિર છે અને તે સંપૂર્ણપણે જોખમ બહાર હોવાનું જાણવા મળ્યું છે. PCR-56 ની આ કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ જયંતીલાલે શબ્દશઃ વર્ણવી સમગ્ર ઘટના
આ સમગ્ર બાબતે તેઓએ જણાવ્યું, “અમને કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળી હતી કે, એક મહિલા બંધ મકાનમાં છે અને કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપી રહી નથી, જેથી કોઈ અણબનાવ બન્યો હોવાની આશંકા હતી. આથી અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા નીકળી ગયા અને માત્ર બે મિનિટ દસ સેકન્ડમાં ત્યાં પહોંચી ગયા.” ઘટનાસ્થળે પહોંચીને જોયું તો દરવાજો અંદરથી બંધ હતો. સ્થાનિક લોકોની મદદ લઈને અમે તાત્કાલિક દરવાજો તોડ્યો.અંદર જઈને જોતાં જ મહિલા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. અમારી ટીમના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈએ સ્થાનિકોની મદદથી તાત્કાલિક મહિલાને નીચે ઉતારી. તે સમયે મહિલાના શ્વાસ ચાલી રહ્યા’તા.જેથી સાગરભાઈએ તેમના પરિવારજનો સાથે મળીને મહિલાને તરત જ CPR આપ્યું. ત્યારબાદ અમે મહિલાને વધુ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે રવાના થયા હતા.
મહિલાના ગળામાં ફંદો હતો'ને પોલીસ દરવાજો તોડી રૂમમાં પ્રવેશી, VIDEO:સુરતમાં મહિલા આપઘાત કરે તે પહેલા જ પોલીસે પહોંચી, CPR આપી જીવ બચાવ્યો
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
