મહીસાગરમાં ત્રિ-દિવસીય ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી:કલેક્ટર અર્પિત સાગરે સંસ્કૃત યાત્રાને લીલી ઝંડી આપી

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

મહીસાગર જિલ્લામાં ત્રિ-દિવસીય ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે આયોજિત આ સપ્તાહ 25, 27 અને 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ઉજવણીના ભાગરૂપે લુણાવાડાના સુપ્રસિદ્ધ લુણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાંથી સંસ્કૃત શોભાયાત્રા નીકળી હતી, જેને જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સંસ્કૃત યાત્રા લુણેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શ્રી પી. એન. પંડ્યા કોલેજ ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેવવાણી સંસ્કૃતના શ્લોકોચ્ચાર અને સુભાષિતોના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના મહત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ત્રિ-દિવસીય સપ્તાહ અંતર્ગત આગામી તા. 29 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11:00 કલાકે કિસાન માધ્યમિક વિદ્યાલય, લુણાવાડા ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું પણ વિશેષ આયોજન કરાયું છે. આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નૈલેષકુમાર મુનિયા, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા-કોલેજના આચાર્યઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *