મહેસાણા શહેરના રાધનપુર રોડ સ્થિત યુનિવર્સલ કોમ્પ્લેક્ષમાં આવેલી એસ.બી.આઈ. બેંકના ATMમાં કાળા કલરની પ્લાસ્ટિકની પટ્ટી લગાડી ગ્રાહકોના નાણાં રોકી રાખી બાદમાં તેની ચોરી કરી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે બેંકના મહિલા મેનેજરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે બે અજાણ્યા ઇસમો ફરિયાદ નોંધાવી છે. મહેસાણાની SBI શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા વર્ષાબેન મોઢા ગુરુવારે બેંકમાં હાજર હતા, ત્યારે વિનુજી હરચંદજી ઠાકોર નામના ગ્રાહકે આવીને રજૂઆત કરી હતી કે, ગત તા.04 ઓક્ટોમ્બર 2026ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે તેમણે બેંકના ATMમાંથી રૂ. 7 હજાર ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મશીનમાંથી રોકડ નાણાં બહાર આવ્યા નહોતા, પરંતુ ખાતામાંથી રકમ કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. ATM કેબિનના CCTV ફુટેજ તપાસતા ચોંકાવનારો ખુલાસો
આ ગંભીર બાબતને ધ્યાને લઈ બેંક મેનેજરે ATM કેબિનના CCTV ફુટેજ તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગત તા. 4 ઓક્ટોમ્બરે સવારે બે અજાણ્યા શંકાસ્પદ ઇસમો ATM કેબિનમાં પ્રવેશ્યા હતા. તેઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ATM મશીનમાં જે જગ્યાએથી કેશ બહાર આવે છે ત્યાં કાળા કલરની લંબચોરસ પ્લાસ્ટિકની વસ્તુ ચોંટાડી દીધી હતી. ગ્રાહક બહાર નીકળે એટલે રોકડ રકમ કાઢી લેતા
ત્યારબાદ જ્યારે પણ કોઈ ગ્રાહક ATMમાંથી નાણાં ઉપાડવા આવતો, ત્યારે રોકડ રકમ મશીનમાંથી બહાર આવવાના બદલે પ્લાસ્ટિકની પટ્ટીને કારણે અંદર જ ભરાઈ રહેતી હતી. ગ્રાહક પૈસા ના નીકળતા નિરાશ થઈને જતો રહેતો હતો. જેવો ગ્રાહક બહાર નીકળે કે તુરંત આ બંને ગઠિયાઓ કેબિનમાં આવી ચોંટાડેલી પટ્ટી વખોડીને અંદર ફસાયેલી રોકડ રકમ કાઢી લેતા હતા. આ સિલસિલો સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ચાલ્યો હતો. વિવિધ ગ્રાહકોના રૂ.51,100ની રકમ ચોરી લીધી
સીસીટીવી અને ઓનલાઈન ફરિયાદોની તપાસ કરતા માંગીલાલ હિરાલાલના રૂ. 2000, લીલાબેન ગોસ્વામીના રૂ.10,000, કૌશલ પટેલના રૂ.5,000 તેમજ વિવિધ ટ્રાન્ઝેક્શન આઈડી ધરાવતા અન્ય ગ્રાહકો મળીને કુલ રૂ. 51,100ની રકમ આ ગઠિયાઓએ ચોરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ મેનેજરે આખરે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના SBI ATMમાં શાતિર ગઠિયાઓનો ખેલ:મશીનમાં કેશ બહાર આવે છે તે જગ્યાએ કાળા રંગની પ્લાસ્ટિક પટ્ટી લગાવી, ગ્રાહકોના 51 હજારની રોકડ સેરવી લીધી
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
