ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓ લાંબા સમયથી પડતર 14 માંગણીઓને લઈ સામૂહિક રજા પર ઉતરી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા કર્મચારીઓમાં રોષ છે. નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર રહ્યા. નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ-3 ના પ્રમુખ નરેશ વાવડિયાએ જણાવ્યું કે, અગાઉ પણ સરકારને લેખિત રજૂઆતો અને બેઠકો થઈ હતી. તેમ છતાં, 14 મહત્વના મુદ્દાઓ પર કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. તેમની મુખ્ય માંગણીઓમાં મહેસૂલી તલાટીઓના જોબ-ચાર્ટમાંથી વધારાની કામગીરીઓ દૂર કરવી, સેજા પર સુવિધાઓ ન મળે ત્યાં સુધી ચાર્જ લેવડદેવડ મોકૂફ રાખવી, અને 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ફરી બનાવવી સામેલ છે. જો સરકાર માંગણીઓનો ઉકેલ નહીં લાવે, તો મંડળે 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી આપી છે. આનાથી સરકારી કામકાજ પર વ્યાપક અસર થવાની સંભાવના છે.
મહેસૂલી કર્મચારીઓ 14 પડતર પ્રશ્નને લઈ સામૂહિક રજા પર:નવસારી સહિત ગુજરાતભરમાં કામકાજ ઠપ, માંગણીઓ ન સંતોષાય તો 7 ઓક્ટોબરથી અચોક્કસ હડતાલ
📅 Published: October 5, 2026 |
📂 Category: gujarati-news
