માતા પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને 1.53 કરોડની છેતરપિંડી:SBI, મુંબઈ પોલીસ, CBI અને RBIના અધિકારી તરીકે ઓળખાવી મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવ્યા

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં સાયબર ઠગોએ માતા પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને પરિવારના પાંચ બેંક ખાતામાંથી કુલ રૂ.1,53,04,047 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગોએ પોતાને SBI, મુંબઈ પોલીસ, CBI અને RBIના અધિકારી તરીકે ઓળખાવી મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ પરિવારને સતત વીડિયો કોલ પર રાખી તેમની બેંક વિગતો, મિલકત, મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ ડિપોઝિટ સહિતની માહિતી મેળવી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સિનિયર સિટીઝનની ફરિયાદ મુજબ, 31 જુલાઈના રોજ અજાણ્યા વ્યક્તિએ તેમની માતાને ફોન કરી તેમના પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ લેવામાં આવ્યું હોવાનું અને તેમાંથી રૂ.1 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાએ તેમના પુત્રને આ અંગે જાણ કરી હતી. બાદમાં વોટ્સએપ મારફતે પોતાને મુંબઈ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવનાર વ્યક્તિએ પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ આધારકાર્ડની વિગતો મેળવી પરિવાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી ‘ઓનલાઈન ઇન્કવાયરી’ના નામે વીડિયો કોલ ચાલુ રાખવા જણાવ્યું હતું. ઠગોએ પરિવારને દિવસ-રાત વીડિયો કોલ પર રહેવા દબાણ કર્યું હતું. 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન RBI અને અન્ય બેંકોના બનાવટી લેટરપેડ તથા સહીવાળા પત્રો મોકલી અલગ-અલગ બેંક ખાતામાં 1.53 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ દરમિયાન પરિવારના એક પરિચિતને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે આ ‘ડિજિટલ અરેસ્ટ’ પ્રકારની સાયબર છેતરપિંડી હોવાનું જણાવી સાવચેત કર્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *