માત્ર 15 વર્ષની ઉંમરે દરરોજના કરોડો! જાણો Vaibhav Suryavanshiની એક દિવસની આવક કેટલી?

📅 Published: September 14, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટનો સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હાલમાં વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ખેલાડીઓમાંથી એક છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવે ફ્રેન્ચાઇઝી ક્રિકેટથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાની શાનદાર પ્રતિભાનો પરચો આપ્યો છે. પોતાની વિસ્ફોટક બેટિંગથી તેણે આખા ક્રિકેટ જગતને ઘેલું લગાડ્યું છે. IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ તેની લોકપ્રિયતા અને બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

સચિન તેંડુલકર સાથે સરખામણી

હૌલિહાન લોકી ના IPL વેલ્યુએશન સ્ટડી 2026 મુજબ, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતાની સરખામણી મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રોડકાસ્ટિંગ દરમિયાન તેની લોકપ્રિયતા સચિનના જમાના જેવી જ જોવા મળે છે. નાની વયે જ તેનો રેટ કાર્ડ મોટાભાગના અનુભવી ક્રિકેટરો કરતાં પણ ઉંચો છે. અહેવાલો અનુસાર, વૈભવ હાલમાં દરરોજના 1.5 થી 2 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

એક દિવસના દોઢ કરોડ ચાર્જ કરે છે વૈભવ 

ક્રિકેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ, IPL પહેલાં વૈભવ માટે કોઈ ચોક્કસ માર્કેટ બેન્ચમાર્ક નહોતો, પરંતુ હવે તે પ્રતિ દિવસ લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. રિપોર્ટમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આગામી કેટલાક વર્ષોમાં બ્રાન્ડ ડીલ્સમાંથી તેની ફી હાલની રકમ કરતાં બમણી થઈ શકે છે.

અંડર-19 વર્લ્ડ કપનો ધમાકો અને જાહેરાત જગતમાં ક્રેઝ

અહેવાલ અનુસાર, વર્ષ 2025માં તેના શાનદાર પ્રદર્શન અને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં રમાયેલી 175 રનની તાબડતોડ ઇનિંગ્સ બાદ તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી હતી. આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં પણ તેની હાજરીની સીધી અસર ટિકિટોના વેચાણ પર જોવા મળી હતી. બોલરો સામે નિડર થઈને રમવાની તેની શૈલીએ તેને ચાહકોની સાથે જાહેરાત જગતમાં પણ હોટ ફેવરિટ બનાવી દીધો છે. જો વૈભવ આગામી બે વર્ષ સુધી આવું જ પ્રદર્શન ચાલુ રાખશે, તો તેની એન્ડોર્સમેન્ટ કમાણી દરરોજ 3 થી 4 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.  

પરિવાર સંભાળે છે નાણાકીય વ્યવહાર

વૈભવ સૂર્યવંશી પાસે હાલમાં કોઈ અધિકૃત કોમર્શિયલ એજન્ટ નથી, અને તેના તમામ વ્યાવસાયિક બાબતો તેનો પરિવાર જ સંભાળી રહ્યું છે. આ સાથે જ તેની IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ તરફથી પણ તેને પૂરો સપોર્ટ મળી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેને શોધીને નિખારવા અને આટલા મોટા મંચ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, વૈભવ હજુ 18 વર્ષનો થયો નથી, તેથી તેના વ્યાવસાયિક નિર્ણયોમાં પરિવાર અને વિશ્વાસુ ટીમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહે છે.

T20માં શાનદાર આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ 

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાનું T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. જો કે, ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. પરંતુ ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં તેને તક મળતા તેણે ધમાકો કર્યો હતો, અને 3 મેચમાં 151 રન બનાવીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. વૈભવે અત્યાર સુધી રમાયેલી 6 T20I મેચોમાં 32.16ની સરેરાશ અને 189.21ના સ્ટ્રાઈક રેટથી 193 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અર્ધશતક ફટકાર્યા છે, અને તેના બેટમાંથી 16 ચોગ્ગા તથા 14 છગ્ગા નીકળ્યા છે. હાલમાં તે અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમનો હિસ્સો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *