મુંબઈથી અમેરિકાના ન્યૂઆર્ક જતી એર-ઇન્ડિયાની ફ્લાઈટ અધવચ્ચે રદ કરવામાં આવી:મુસાફરોને ઇટાલીના રોમમાં ઉતારી દેવામાં આવ્યા, 9-10 કલાકથી એરપોર્ટ પર અટવાયા

📅 Published: October 21, 2026 | 📂 Category: International

મુંબઈથી અમેરિકાના ન્યૂઆર્ક (EWR) જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI191ને અધવચ્ચે જ રદ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઇટમાં સવાર મુસાફરોને ઇટાલીના રોમ સ્થિત લિયોનાર્દો દા વિંચી (FCO) એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા હતા. છેલ્લા 9 થી 10 કલાકથી મુસાફરો એરપોર્ટ પર કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ કે ખાતરી વગર અટવાઈ પડ્યા છે, જેના કારણે રોષની લાગણી ફેલાઈ છે. આ સમગ્ર ઘટના અંગે ફ્લાઇટમાં હાજર અમદાવાદના ડો.કેતન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિરોધ દર્શાવ્યો હતો. તેના પર એર ઇન્ડિયાએ પ્રતિક્રિયા આપી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ કે મુસાફરીમાં આવતા આ પ્રકારના અવરોધો પડકારજનક હોઈ શકે છે. અમારી ટીમ તમામ અસરગ્રસ્ત મુસાફરોને સમયસર સહાય પૂરી પાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.” કંપનીએ આ સ્થિતિમાં મુસાફરોની ધીરજ અને સમજણની સરાહના કરી હતી. એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોના જણાવ્યા મુજબ, ગ્રાઉન્ડ લેવલ પર એર ઇન્ડિયા તરફથી કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી રહી નથી. એરપોર્ટ પર એરલાઇન્સનો કોઈ જવાબદાર પ્રતિનિધિ પણ હાજર નથી. સ્થાનિક સ્તરે માત્ર એક મહિલા સ્ટાફ હાજર છે, જે પોતાની ઓળખ છુપાવી રહી છે અને મુસાફરોના પ્રશ્નોના જવાબો આપવાનું ટાળી રહી છે. આગામી ફ્લાઇટ લગભગ 26 કલાક પછી હોવાનું જાણવા મળતા મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. આ મામલે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ તરત નોંધ લીધી છે અને ‘X’ પર પ્રતિક્રિયા આપતાં અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે મુસાફરોને ઝડપી ઉકેલ અને નિવારણ માટે તેમનો PNR નંબર, પૂરૂં નામ અને ફોન નંબર ડાયરેક્ટ મેસેજ (DM) દ્વારા શેર કરવા વિનંતી કરી છે, જેથી અસરગ્રસ્તો સુધી વહેલી તકે મદદ પહોંચાડી શકાય.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *