હિંમતનગરના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી સાથે મુંબઈમાં મિલકત ખરીદીના નામે રૂપિયા 2 કરોડની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ઘનશ્યામસિંહ પ્રેમસિંહજી ભાટીની ફરિયાદના આધારે આંગડિયા પેઢીના કર્મચારીઓ અને મુંબઈના દલાલો સહિત 11 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ આંતરરાજ્ય સંગઠિત ગુનાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં રોકાણના નામે છેતરપિંડી
હિંમતનગરના મહેતાપુરા ખાતે ઓમ ડેવલોપર્સ તથા અથર્વ મિનરલ્સ નામે વ્યવસાય કરતા બિલ્ડર ઘનશ્યામસિંહ ભાટી મુંબઈ ખાતે નવી મિલકત ખરીદવા માંગતા હતા. આ દરમિયાન તેમના મુંબઈ સ્થિત મિત્ર રાજેન્દ્ર કાંગલે મારફતે મિલકત દલાલ આશીષ સુરેશકુમાર સીંગ અને અરુણકુમાર સાથે તેમનો પરિચય થયો હતો. દલાલોએ મુંબઈમાં ફાયદાકારક પ્રોપર્ટી હોવાનું જણાવી બિલ્ડરને રોકાણ કરવા આકર્ષિત કર્યા હતા. બાદમાં તારીખ 1 સપ્ટેમ્બરના રોજ આશીષ સીંગે બિલ્ડરને ફોન કરીને જણાવાયું હતું કે, મુંબઈ રોકડા નાણાં સાથે લાવવામાં જોખમ હોવાથી ગાંધીનગરથી મુંબઈ 2 કરોડનું સેલ્ફ આંગડિયું કરાવી લેવું જેથી ત્યાં રૂબરૂ ઉપાડી શકાય.જેથી ઘનશ્યામસિંહે મુંબઈથી આંગડિયા પેઢીનું ટોકન માંગતા આશીષ સીંગે રાહુલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. એટલે રાહુલે મુંબઈ ભુલેશ્વર સ્થિત આંગડિયા મારફતે ગાંધીનગરના સેક્ટર-3/એ સ્થિત ડી.કે. આંગડિયા પેઢીની ઓફિસમાં ચાલતી ‘શ્રી રાધે આંગડિયા પેઢી’નું સરનામું આપ્યું હતું. ઘનશ્યામસિંહ તેમના મિત્રો અપૂર્વ પટેલ અને અનિલભાઈ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યાં રાહુલે કન્ફર્મેશન માટે 10 ની નોટનો ટોકન નંબર “43-M-453649” નો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો. આ ટોકન બતાવીને બિલ્ડરે સાંજે 4.55 કલાકે પેઢીના કર્મચારી યુવરાજસિંહ રાણા અને અન્ય કર્મચારીઓની હાજરીમાં 2 કરોડ રોકડા જમા કરાવ્યા હતા. આ સમયે સેલ્ફ વિડ્રોઅલ કન્ફર્મેશન માટે 10 રૂપિયાની નોટ તેમને સોંપવામાં આવી હતી.બીજા દિવસે જ્યારે બિલ્ડરે આંગડિયું પહોંચ્યું છે કે કેમ તે ચકાસવા દલાલ રાહુલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન બંધ આવ્યો હતો. જેના પગલે શંકા જતાં ઘનશ્યામસિંહે ગાંધીનગરની આંગડિયા પેઢીમાં તપાસ કરી હતી.જ્યાં કર્મચારી યુવરાજસિંહે ખુલાસો કર્યો હતો કે પેમેન્ટ ગઈકાલે જ મુંબઈ ભુલેશ્વર શાખામાંથી ઉપાડી લેવાયું છે. જે બાબતે બિલ્ડરે કન્ફર્મેશન વિના અન્ય વ્યક્તિને નાણાં કેમ આપ્યા તે અંગે પ્રશ્ન કરતા ઓફિસ હેડ ધવલ પટેલે જવાબદારીમાંથી છટકી જઈ ઉડાવ જવાબ આપ્યો હતો.બાદમાં તાત્કાલિક મુંબઈ ભુલેશ્વર સ્થિત શ્રી રાધે આંગડિયા પેઢીની કાલબાદેવી શાખા ખાતે પહોંચ્યા હતા. ત્યાંના કર્મચારી અજીતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સુરત હેડ ઓફિસના ધવલ પટેલ મારફતે ટોકન મેળવીને સાંજે બે અજાણ્યા વ્યક્તિઓ 2 રૂપિયાની નોટનું અલગ ટોકન “2 Rs 33 L 236000” લઈને આવ્યા હતા અને 2 કરોડમાંથી આંગડિયા ચાર્જ કાપીને બાકીની રકમ લઈ ગયા હતા. બિલ્ડરે સીસીટીવી ફૂટેજ ચકાસતા સફેદ શર્ટ પહેરેલો અને ટોપીવાળો શખ્સ રકમ લઈ જતો નજરે પડ્યો હતો. વેપારીને રોકાણ માટે આપેલા નાણાં ભૂલી જવા ધમકી આપવામાં આવી
આ ફૂટેજ દલાલ આશીષ સીંગને બતાવતા તેણે કબૂલ્યું હતું કે રકમ લઈ જનાર વ્યક્તિ સંજય અમરતલાલ પટેલ છે.જે આશીષ કરશનભાઈ પટેલની ઓફિસમાં કામ કરે છે. બાદમાં આરોપીઓએ મુંબઈમાં આ પ્રકારે લોકોના નાણાં પડાવી લેતી સંગઠિત ગેંગ સક્રિય હોવાનું જણાવી વેપારીને નાણાં ભૂલી જવાની ધમકી આપી હતી. આ અંગે સેક્ટર-7 પોલીસ મથકના પીઆઇ અનિરુદ્ધસિંહ ગંભીરસિંહ સોલંકીએ આંગડિયા પેઢી થકી ઠગાઈ આચરતી આંતર રાજ્ય સંગઠિત ગેંગના આશીષ સીંગ, અરુણકુમાર, રાહુલ, યુવરાજસિંહ રાણા, ધવલ પટેલ, અજીતસિંહ ઝાલા, આશીષ પટેલ, સંજય પટેલ, મયુર પટેલ, મનોજ ભલાલા અને ભરત નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈમાં મિલકત ખરીદીના નામે બિલ્ડર સાથે 2 કરોડની ઠગાઈ:ગાંધીનગરની આંગડિયા પેઢીમાંથી બનાવટી ટોકનથી રકમ ઉપાડી લીધી, આંતરરાજ્ય ગેંગનું કારસ્તાન
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
