મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની જંક ફૂડ વિરોધી ઝુંબેશની અસર હવે મુંબઈની સ્કૂલ કેન્ટીન્સના મેનુ પર જોવા મળી રહી છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક શાળાઓએ કેન્ટીનમાંથી વડાંપાંઉ, સમોસા, અન્ય તળેલા નાસ્તા અને સોફ્ટ ડ્રિંક્સ હટાવવાનું શરૂ કર્યું છે. તેના બદલે ઇડલી, પૌઆ, ઉપમા અને શીરા જેવા પ્રમાણમાં આરોગ્યપ્રદ વિકલ્પોને મેનુમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર એફડીએએ શાળાઓને તેમના પરિસરમાં જંક ફૂડનું વેચાણ ન કરવા ચેતવણી આપી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના 2020ના નિયમો હેઠળ બાળકોને સલામત ખોરાક અને સંતુલિત આહાર મળે તે માટેનાં ધોરણોનું કડક પાલન કરવા જણાવાયું છે. ત્યાર બાદ રાજ્યના શાળા શિક્ષણ વિભાગે પણ શાળાઓને નિયમોનું પાલન કરવા પરિપત્ર બહાર પાડ્યો છે. આ અભિયાન હેઠળ સૌથી પહેલાં આર્કડિયોસેસન બોર્ડ ઓફ એજ્યુકેશન (એબીઈ) સંચાલિત શાળાઓએ કેન્ટીનના મેનુમાં ફેરફાર શરૂ કર્યો છે. એબીઈના ફાધર ફ્રાન્સીસ સ્વામીના જણાવ્યા મુજબ, કેન્ટીનમાં વડાંપાંઉ અને સમોસા સહિતના તળેલા નાસ્તા દૂર કરી ઇડલી, ઢોસા, પૌઆ, શીરા અને ઉપમા આપવા સૂચના અપાઈ છે. એનર્જી ડ્રિંક્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.દહિસરની પૂર્ણા પ્રજ્ઞા સ્કૂલ સહિત કેટલીક શાળાઓએ તળેલા ખોરાકને સંપૂર્ણપણે મેનુમાંથી હટાવી દીધો છે. કેટલીક શાળાઓ હવે વાલીઓને પણ બાળકો માટે આરોગ્યપ્રદ ટિફિન વિકલ્પો અંગે માર્ગદર્શન આપી રહી છે. નવી માર્ગદર્શિકા ફક્ત સ્કૂલ કેન્ટીન પૂરતી મર્યાદિત નથી. શાળાના 50 મીટરના વિસ્તારમાં વધુ ફૅટ, શુગર અને મીઠું ધરાવતા ખોરાકનું વેચાણ ન થાય તેની પણ ખાતરી કરવાની રહેશે. ઉલ્લંઘન કરનારા વિક્રેતાઓની જાણ એફડીએને કરવા શાળાઓને જણાવાયું છે.એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ રાજ્યવ્યાપી અમલીકરણ પર ભાર મૂક્યો છે.
મુંબઈમાં સ્કૂલ કેન્ટીનમાંથી ફાસ્ટફૂડ ગાયબ:ઇડલી-પૌઆ-ઉપમાને સ્થાન
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
