મુસ્લિમોની વસતી અંગે નવો ધડાકો:10 વર્ષમાં ચિત્ર ફરી જશે, અમેરિકાના રિપોર્ટે દુનિયાને ચેતવી, જેન-ઝીનો ટ્રેન્ડ ભારતમાં ઘાતક, ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ

📅 Published: November 19, 2026 | 📂 Category: International

એક સમય હતો જ્યારે 1950માં દર ભારતીયના ઘરમાં પાંચ બાળકો થતાં હતાં, આજે તે 2થી પણ ઓછા થઈ ગયા છે. જેનઝી તો નો કિડ્સના ટ્રેન્ડ બાજુ વળી રહ્યા છે. એવામાં મધ્ય પ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે જો તમારા ઘરે 3 બાળકો હશે તો પણ સરકારી નોકરી લઈ શકો છો. ભારતમાં જ્યારે આ બધુ થઈ રહ્યું છે ત્યારે વિદેશથી સમાચાર આવ્યા કે 2035 સુધીમાં ઈસ્લામ દુનિયાનો સૌથી વધુ મોટો ધર્મ બની જશે. 2070 સુધીમાં પાકિસ્તાન સૌથી વધુ મુસ્લીમ વસતીવાળો દેશ બની જશે અને 2070 સુધીમાં અમેરિકામાં હિંદુની વસ્તી ડબલ થઈ જશે. ત્યારે આપણે એ જાણવું બને કે બાળકોની નંબર ગેમ કેવી રીતે ભારત અને દુનિયામાં બદલાઈ. બાળકો પેદા થવા પર ક્યાં અઢળક રૂપિયા મળે છે? તો ચાલો… વિગતે વાત કરીએ બાળકોના બદલાતા ગણિતની. નમસ્કાર… શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે દેશમાં દાયકાઓ સુધી હમ દો, હમારે દોના નારા ગુંજતા હતા, ત્યાં અચાનક ત્રણ બાળકો પેદા કરવાની વાતો કેમ થવા લાગી છે? એક બાજુ સરકારો વસ્તી કન્ટ્રોલ કરવાાના કાયદા ભૂંસી કરી રહી છે, તો બીજી બાજુ આજની યુવા જેનઝી પેઢી બાળક પેદા કરવા જ તૈયાર નથી! આ કોન્ટ્રાડિક્શન અત્યારે ભારતની સૌથી મોટી સોશિયલ અને પોલિટિકલ ચર્ચા બની ગયો છે. એવામાં 18 નવેમ્બર 2026ના રોજ મધ્ય પ્રદેશ સરકારે એક હિસ્ટોરિકલ નિર્ણય લઈને સરકારી નોકરી માટેનો 25 વર્ષ જૂનો બે બાળકોનો નિયમ ઉથલાવી દીધો. તો હવે ત્રણ કે એનાથી વધુ બાળકો હશે તો પણ સરકારી નોકરી મળી શકશે. ખાલી મધ્ય પ્રદેશ જ નહીં, પણ આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન જેવા રાજ્યોએ પણ લોકલ ઈલેક્શન્સમાંથી બે બાળકોવાળી શરત હટાવી દીધી છે. ખુદ સુપ્રીમ કોર્ટે પણ 2003ના પોતાના જ ચુકાદાની સમીક્ષા કરી રહી છે, કારણ કે કોર્ટનું માનવું છે કે હવે દેશમાં વસ્તી વિસ્ફોટ જેવી સ્થિતિ રહી નથી. પણ આ સરકારી યુ-ટર્ન પાછળની અસલી ચિંતા કંઈક બીજી જ છે. હમણાના જ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના રિપોર્ટનું કહેવું છે કે, ભારતનો કુલ પ્રજનન દર એટલે કે TFR ઘટીને 1.9 પર આવી ગયો છે. ડેમોગ્રાફીનો નિયમ કહે છે કે કોઈ પણ દેશની વસ્તીને સ્ટેબલ રાખવા માટે આ રેટ 2.1 હોવો જોઈએ, ને ભારત આનાથી નીચે આવી ગયું છે એટલે આપણે ત્યાં ખતરો છે.
આ મામલો સામાજિક અને ધાર્મિક લેવલના લોકો પણ બરોબરનો સમજી ગયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને વિશ્વ હિંદુ પરિષદના લોકોએ ભારતના યુવાનોને વહેલા લગ્ન કરવા અને દરેક પરિવારમાં ત્રણ બાળકો પેદા કરવાની ખુલ્લી અપીલ કરવામાં આવી છે. તેમનો તર્ક છે કે જો જન્મદર આમ જ ઘટતો રહેશે, તો ભવિષ્યમાં સંસ્કૃતિ, ભાષા અને વસ્તીનું સંતુલન જોખમાશે. પણ અહીં સૌથી મોટો ટકરાવ જમીની હકીકત સાથે થઈ રહ્યો છે. એક બાજુ નેતાઓ અને સંગઠનો વધુ બાળકોની વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ અમદાવાદ, મુંબઈ કે ગુરુગ્રામ જેવા શહેરોની નવી પેઢી ઝડપથી DINK એટલે કે ડબલ ઈન્કમ નો કિડ્સના કલ્ચર બાજુ ભાગી રહી છે. એટલે કે પતિ-પત્ની બંને કમાય છે, પણ બંનેમાંથી કોઈ બાળકની જવાબદારી નથી લેવા માંગતા નથી. આ કોન્ફ્લિક્ટ ખાલી ભારત પૂરતો જ નથી, પણ દુનિયાભરમાં પણ આવું જ કંઈ ચાલી રહ્યું છે. બરાબર એ જ દિવસે એટલે કે 18 નવેમ્બર 2026ના રોજ અમેરિકાના પ્રતિષ્ઠિત પ્યૂ રિસર્ચ સેન્ટરનો નવો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, ઘટતા અને વધતા જન્મદરની આ અસમાનતાને કારણે 2035 સુધીમાં ઇસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ધર્મ બની જશે. તેની વિગતે વાત કરીએ એ પહેલા ભારતની વાત કરી લઈએ.
1950ના દાયકામાં જ્યાં એક ભારતીય મહિલા સરેરાશ 5.91 બાળકોને જન્મ આપતી હતી, ત્યાં 2024માં આ દર 68 ટકા ઘટીને 1.9 ટકા પર આવી ગયો છે. ભારત અત્યારે વસ્તીની દ્રષ્ટિએ બે અલગ-અલગ ભાગમાં ફંટાઈ ગયું છે. એક બાજુ 2.9 ટકા સાથે બિહાર, 2.6 ટકા સાથે ઉત્તર પ્રદેશ અને 2.4 ટકા સાથે મધ્ય પ્રદેશ જેવા રાજ્યો છે, જ્યાં હજુ પણ જન્મદર રિપ્લેસમેન્ટ લેવલ 2.1ના આંકડાથી ઉપર છે. બીજી બીજી બાજુ 1.8 ટકા સાથે ગુજરાત, 1.4 ટકા સાથે મહારાષ્ટ્ર, 1.3 ટકા સાથે તમિલનાડુ, 1.2 ટકા સાથે દિલ્હી અને 1.1 ટકા સાથે સિક્કિમ જેવા રાજ્યો યુરોપિયન દેશોની જેમ ઝડપથી ઘટતી વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. આ ચેન્જ પાછળ આજની પેઢીનો ઈમોશનલ નહીં પણ ઈકોનોમિક નિર્ણય જવાબદાર છે. હમણાના જ અંદાજા મુજબ, શહેરી ભારતમાં એક બાળકને જન્મથી 18 વર્ષ સુધી સારી ખાનગી શાળા અને મિડલ ક્લાસ લાઈફસ્ટાઈલ સાથે ઉછેરવાનો કુલ ખર્ચ 40 લાખથી 45 લાખ સુધી પહોંચી ગયો છે. આ સાથે મહાનગરોમાં ખાનગી શાળાઓની ફી દર વર્ષે 10થી 12 ટકા સુધી વધી રહી છે, અને 11 વર્ષની ઉંમર પછી JEE કે NEET જેવા કોચિંગ પાછળ વર્ષે દોઢ લાખ રૂપિયા સુધીનો વધારાનો બોજ પડે છે. એટલે જ ગુરુગ્રામનું એક કપલ વર્ષે 36 લાખ કમાતું હોવા છતાં DINK લાઈફસ્ટાઈલ બાજુ વળી રહ્યા છે. UNFPAના સર્વેમાં પણ આ જ હકિકત સામે આવી છે. ભારતના 40 ટકા યુવાનો ફાઈનાન્શિયલ લિમિટેશન, 22 ટકા મોંઘા ઘર, 21 ટકા નોકરીની અસુરક્ષા અને 18 ટકા સસ્તા ચાઈલ્ડકેરના અભાવને કારણે ઈચ્છા હોવા છતાં બીજું બાળક પેદા કરતા ડરે છે. હવે સવાલ એ થાય કે શું પૈસા આપીને સરકાર લોકો પાસે વધુ બાળકો પેદા કરાવી શકે? તો ભારતમાં આંધ્ર પ્રદેશ ત્રીજા બાળક માટે 40 હજાર રૂપિયાની સહાય અને સિક્કિમ 365 દિવસની મેટરનિટી રજા અને ₹3 લાખ સુધીની IVF સહાય આપી રહ્યું છે. પણ દુનિયાના અનુભવો આ મામલે નિરાશાજનક છે. દક્ષિણ કોરિયાએ છેલ્લા 20 વર્ષમાં ₹20 લાખ કરોડથી વધુ ખર્ચ્યા, છતાં તેનો જન્મદર 0.80ના તળિયે છે. હંગેરીએ તો ત્રણ બાળકોની માતાઓને આજીવન ઈન્કમ ટેક્સમાંથી છૂટ આપી, તો પણ જન્મદર 1.31થી આગળ વધી શક્યો નથી. બીજી બાજુ, પ્યૂ રિસર્નો નવો રિપોર્ટ બીજી પણ ઘણી ચોંકાવનારી વિગતો દેખાડી જાય છે. જેમ કે ગ્લોબલ રિલિજનના ઈક્વેશનનું ચોંકાવનારું ચિત્ર. 2020થી 2070 વચ્ચે વિશ્વમાં મુસ્લિમ વસ્તી 80 ટકા વધીને 3.64 અબજ એટલે કે દુનિયાના 36% થઈ જશે, જ્યારે ખ્રિસ્તી કે ક્રિશ્યન પોપ્યુલેશન 30 ટકા વધીને 2.96 અબજ એટલે કે દુનિયાના 29 ટકા પર ગબડીને પડશે. આ પાછળનું કારણ ધર્માંતરણ નહીં, પણ જન્મોનું ગણિત છે. ગ્લોબલ લેવલે મુસ્લિમ મહિલાઓનો સરેરાશ પ્રજનન દર 3.1 છે, જ્યારે હિંદુઓનો 1.9 અને ખ્રિસ્તીઓનો 2.5 છે. જેના લીધે 2070 સુધીમાં પાકિસ્તાન 46.1 કરોડ મુસ્લિમો સાથે ઈન્ડોનેશિયાને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની જશે. ભારતની વાત કરીએ તો, 2070 સુધીમાં દેશમાં હિંદુઓની કુલ સંખ્યા 1.11 અબજથી વધીને 1.29 અબજ થશે. ટકાવારીની દ્રષ્ટિએ હિંદુ હિસ્સો 79.4%થી ઘટીને 75.8% થશે, જ્યારે મુસ્લિમ હિસ્સો 15.2%થી વધીને 19.6% એટલે કે નંબર્સમાં જોઈએ તો 33.4 કરોડ થવાનો અંદાજ છે. ત્રણ વસ્તુથી આખો ખેલ સમજો પહેલુંઃ બાળકો પેદા કરવાની રોકડ સહાયથી ટેમ્પો ઈફેક્ટ ઈકોનોમિસ્ટનું માનવું છે કે, જ્યારે સરકાર 40 હજાર રૂપિયા કે લાઈફ ટાઈમ ટેક્સથી માફી જેવી લાલચ આપે છે, ત્યારે જે દંપતીઓ બે-ત્રણ વર્ષ પછી બાળક લાવવાના હતા, તેઓ લાભ લેવા માટે થોડા વહેલા બાળક પેદા કરી લે છે. આનાથી શરૂઆતના એકાદ-બે વર્ષ આંકડા ઊંચા દેખાય છે, પણ મહિલાના આખા જીવનકાળમાં કુલ બાળકોની સંખ્યા વધતી નથી. સિક્કિમના એક્સપર્ટ્સ તેને માળખાકીય રક્તસ્રાવ પર બેન્ડ-એઇડ ગણાવે છે. બીજું: ડેમોગ્રાફિક મોમેન્ટમ અને સત્તાનું રાજકારણ. તમને થશે કે જો ભારતનો પ્રજનન દર 1.9 પર આવી ગયો છે, તો વસ્તી કેમ વધી રહી છે? આનું કારણ ડેમોગ્રાફિક મોમેન્ટમ છે. વર્ષ 1980થી 2000 વચ્ચે જન્મેલી વિશાળ યુવા પેઢી અત્યારે માતા-પિતા બની રહી છે કે બની ગઈ છે, તેથી ભારતની વસ્તી 2060 સુધી વધીને 170 કરોડને પર પહોંચશે અને પછી જ ઘટશે. પણ આની પાછળ એક મોટી પોલિટિકલ પણ ચાલી રહી છે. 2026 પછી લોકસભાની બેઠકોનું નવું સીમાંકન થવાનું છે એવી વાતો છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા દક્ષિણના રાજ્યોને ડર છે કે તેમણે વસ્તી કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી તેની તેમને રાજકીય સજા મળશે, જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારને વધુ વસ્તીના કારણે સંસદમાં વધુ બેઠકો મળી જશે. ત્રીજું: ધાર્મિક આંકડાઓની ભ્રમણા અને ગુજરાત-ભારત માટે ખતરાની ઘંટડી. સોશિયલ મીડિયા પર ઘણીવાર મુસ્લિમ પ્રજનન દર 4.4 હોવાના જૂના (1992-93) આંકડા ફેરવીને ડર ઊભો કરવામાં આવે છે. હકીકત એ છે કે ભારતમાં તમામ ધર્મોમાં જન્મદર ઝડપથી ઘટી રહ્યો છે. મુસ્લિમોમાં તે 4.4 થી ઘટીને 2.36 અને હિંદુઓમાં 3.3થી ઘટીને 1.94 થયો છે. એટલે કે ભારતમાં બાળકોની સંખ્યા ધર્મ કરતાં વધુ શિક્ષણ અને આર્થિક સ્તર પર આધારિત રહ્યા છે. ગુજરાતનો પ્રજનન દર અત્યારે 1.8 પર આવી ગયો છે, છતાં રાજ્યમાં લોકલ ઈલેક્શનમાં હજુ પણ બે બાળકોનો નિયમ અમલમાં છે. જો ભારત 2041 સુધીમાં પોતાની યુવા શક્તિની ટોચ પર પહોંચીને 2050 સુધીમાં 32.5 કરોડ વૃદ્ધોનો દેશ બની શકે છે, તો આપણી સામે અમીર કે વિશ્વગુરુ બનતા પહેલાં જ વૃદ્ધ થઈ જવાનો સૌથી મોટો આર્થિક ખતરો ઊભો થશે. જ્યારે દેશમાં કમાનારા હાથ ઓછા અને પેન્શન-સારવાર પર નભનારા વૃદ્ધો વધશે, ત્યારે ટેક્સનો બોજ આજની યુવા પેઢી પર જ પડશે. વળી, ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં ભવિષ્યમાં કામદારોની ખૂબ જ અછત સર્જાઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે, સમસ્યા એ નથી કે લોકો બાળકો નથી ઈચ્છતા, પણ સમસ્યા એ છે કે આજની ઈકોનોમીએ બાળક ઉછેરવાનું એટલું મોંઘું બનાવી દીધું છે કે યુવાનો જ ડરી રહ્યા છે. જો સરકારો ખરેખર જન્મદર સુધારવા માંગતી હોય, તો ભાષણો કે નાની રોકડ સહાયને બદલે સસ્તું શિક્ષણ, સુલભ ઘર, મહિલાઓ માટે ફ્લેક્ઝિબલ નોકરી અને મજબૂત પેન્શન સિસ્ટમ આપવું જ પડશે. નહીંતર ભારત પણ જાપાન અને દક્ષિણ કોરિયાની જેમ ડેમોગ્રાફિક વિન્ટરમાં ભરાઈ જશે. અને છેલ્લે… એક સમયે ભારતની ઈન્ડસ્ટ્રી, વેપાર અને આધુનિકતામાં સિંહફાળો આપનાર ભારતીય પારસી કોમ્યુનિટીની વસ્તી છેલ્લા 80 વર્ષમાં અડધો અડધ ઘટી છે. સરકારે યોજનાઓથી પૈસાનો વરસાદ કર્યો પણ કંઈ મેળ ન પડ્યો. વસ્તી ઘટવાના અનેક કારણોમાંથી એક રિઝન એવું પણ છે કે તે લગ્ન વગર એકલા રહેવાનું વધુ પસંદ કરે છે.
સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *