તારીખઃ 5 ઓક્ટોબર. સ્થળઃ લેન્સ, ફ્રાન્સ. સમયઃ 10:49 AM ફ્રાન્સમાં જગ્યાએ જગ્યાએ વિદ્યાર્થીઓના આંદોલનો ચાલી રહ્યા હતા. કોઈ શિક્ષકો ઓછા છે તે મુદ્દાને લઈને મેદાને હતાં, કોઈ ખરાબ સ્કૂલિંગ સિસ્ટમ સામે. એ ભીડમાં 15 વર્ષનો એક સપના ભરેલો યુવાન વિદ્યાર્થી પણ જોડાયો. તેનો મતલબ હતો કે હું વિરોધમાં જોડાઈશ તો બદલાવ આવશે અને સારું શિક્ષણ મળશે. અને બસ… આ જ તેની ઝીંદગીની સૌથી મોટી ભૂલ બની ગઈ. પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ટેન્શન વધ્યું, પોલીસે મામલો કાબૂમાં લેવા માટે સ્ટન ગ્રેનેડનો મારો ચલાવ્યો. એક પછી એક વિસ્ફોટો થતા ગયા. આ ધમાકામાં વિદ્યાર્થી પણ ગંભીર રીતે ઘાયલ થયો અને તેને પોતાનો હાથ ગુમાવવો પડ્યો. જે વિદ્યાર્થી થોડા સમય પહેલા સિસ્ટમ બદલવાની માગ સાથે રસ્તા પર આવ્યો હતો, તે જ દિવસે સિસ્ટમ અને તેના વિરોધ વચ્ચેની અથડામણનો તે જીવતો પૂરાવો બની ગયો. જેના હાથમાં પેન હોવી જોઈતી હતી તે હાથ પોલીસના કારણે કપાઈ ગયો. શું છે ફ્રાન્સનું શિક્ષણ આંદોલન? વિદ્યાર્થીઓની કેટલી માગો છે? કેમ તે આટલું ઉગ્ર બન્યું? અને આ વિષય કેમ ગ્લોબલ જિયોપોલિટિક્સ, સિસ્ટમ ફેલ્યોર અને યુવા અસંતોષનો ડેડલી કોમ્બો છે? ચાલો વિગતે વાત કરીએ.
નમસ્કાર… “જ્યાં શાળાના દરવાજા ખુલે છે ત્યાં જેલના દરવાજા બંધ થઈ જાય છે.” આ શબ્દો છે ફેમસ ફ્રેન્ચ કવિ વિક્ટર હ્યુગોની. તમને થશે કે આ વાત આપણે અત્યારે કેમ કરી રહ્યા છીએ? તો જવાબ છે… ફ્રાન્સમાં થોડા દિવસોથી ખોખલી થઈ ચૂકેલી એજ્યુકેશન સિસ્ટમ અને ત્યાંના ગુસ્સે ભરાયેલાં જેનઝી યુવાનો વચ્ચે આ સીધી લડાઈ છે. જે ફ્રાન્સે એક સમયે દુનિયાને એડવાન્સ એજ્યુકેશન સિસ્ટમ અને લોકશાહીનું પર્ફેક્ટ મોડલ આપ્યું તેના જ રસ્તાો આજે યુદ્ધના મેદાન બની ગયા છે. અને તેનાથી પણ ભયાનક વાત એ છે કે આ કોઈ એક સ્કૂલનો ડખો નથી, આખી એક પેઢીનો અસંતોષ છે અને હવે તે લાવા બનીને ફાટી નીકળ્યો છે. ફ્રાન્સમાં ફાટ્યું જેન-ઝી આંદોલન આ આંદોલન 17 સપ્ટેમ્બરે પેરિસ સ્કૂલથી શરૂ થયું. ત્યાર પછી 21 સપ્ટેમ્બરે શિક્ષણની કમી મામલે ફ્રાન્સના નાનકડા શહેર ક્રેટિલમાં પણ વિરોધ પ્રદર્શનો થયા. આ ચિનગારી પાછલા ત્રણ અઠવાડિયામાં ભડકો થઈ અને આજે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. 6 ઓક્ટોબર 2026 સુધીમાં 5 હજારથી વધુ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તમે ચોંકી જશો કે આમાંથી 87 ટકા વિદ્યાર્થીઓ તો હજુ સગીર છે. 21 શાળાઓ સળગાવી દેવામાં આવી છે. 78 શિક્ષકો વિરોધમાં ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યા છે વિરોધ? જે ઉંમરે તેમના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે વિદ્યાર્થીઓ પોલીસની વોટર કેનન, રબર બુલેટ્સ અને સ્ટિંગ-બોલ ગ્રેનેડનો સામનો કરી રહ્યા છે. આ બધુ જ શરું થયું એકદમ બેઝિક અને જીવન જરૂરી માગ સાથે. ફ્રાન્સની સરકારી શાળાઓમાં શિક્ષકો આવતા નથી, કેન્ટીન નાની છે, ઓવરલોડેડ સ્કૂલ ટાઈમટેબલ, ક્લાસરૂમમાં બેસવાની જગ્યા નથી, ગરમીમાં પંખા નથી અને ઉપરથી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું ભયાનક પ્રેશર હોય છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં શિક્ષકોમાં 10 ટકા ઘટાડો થયો છે એવું ખુદ ફ્રાન્સ સરકારનું કહેવું છે. ફ્રાન્સની સરકારી સ્કૂલમાં કેરટેકર સ્ટાફ અને નર્સ પણ હોય છે. ત્યાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પૂરા પ્રોટેસ્ટને લીડ કરી રહ્યું છે યુનિયન સિન્ડિકેટ લાયસિની નામની સંસ્થા. એવામાં વિદ્યાર્થીઓને શિક્ષકો જોઈતા હતા પણ મેક્રોન સરકારે તેમની વાત સાંભળ્યા વગર વિરોધ કરનારને પોલીસની લાઠીઓ આપી. નેતા બહેરા થતાં વિદ્યાર્થીઓ મેદાને બસ અહીં જ આખો ડખો મોટો થયો. જ્યારે સરકાર નાગરિકોની સીધી અને સાચી માગણીઓ નથી સાંભળતી ત્યારે તે સીધી ગુસ્સામાં ફેરવાઈ જાય છે. છાત્રોનું કહેવું છે કે તેમણે પહેલા સોશિયલ મીડિયાથી પોતાની વાત મૂકી હતી પણ કોઈ નેતાઓએ ભાવ ન આપ્યો અને વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતરવું પડ્યું. ઉપરથી વિદ્યાર્થીઓના આ શાંત આંદોલનમાં ધીમે-ધીમે પોલીસનું દમન વધતું ગયું તેમ તેમ સ્કૂલો સળગાવવાનું અને બસો તોડવાનું ચાલું થયું. છતાં પોલીસે કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર આડેધડ ડંડાવાળી ચાલુ જ રાખી. ક્યાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેની વાત કરીએ તો… 30 શહેરોમાં વિરોધ છે. યુનિયન સિન્ડિકેટ લાયસિની મુજબ 4.5 લાખ લોકો મેદાને છે સરકાર મુજબ 2.66 લાખ છે. પેરિસ, લિલ, માર્સેલી, લ્યોન, રેનેસ, તુલૂઝ, નિમ્સમાં મોટાપાયે આંદોલનો ચાલુ છે. વિરોધે મેક્રોનની ઊંઘ હરામ કરી આ વિવાદે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ઊંઘ હરામ કરી દીધી છે. ફ્રાન્સમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે અને આ મામલો મેક્રોન માટે ગળાનો ગાળિયો બની ગયો છે. સરકાર એક બાજુ એજ્યુકેશન બજેટ વધારવાની ગુલબાંગો મારે છે અને બીજી બાજુ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ માર્કેટને ખુશ કરવા દેશના બજેટમાં 54 બિલિયન યુરોની તોતિંગ કાપ મૂકી દે છે. ટૂંકમાં જે બજેટ શિક્ષણ જેવા મામલાઓ પર ખર્ચવાનું હતું તે બીજે ડાયવર્ટ થયું અને સરકારી શિક્ષણની પથારી ફરવાની ચાલુ થઈ. શિક્ષણમાં પણ મેક્રોનની રાજનીતિ પણ મેક્રોને આ બધા માટે ડાબેરી LFI સંસ્થા પર ઢોળી દીધું છે કે તેના કારણે જ બધુ થઈ રહ્યું છે. LFIના નેતા જાં-લ્યૂક મેલેન્શોએ સરકારના આરોપોને ફગાવી કહ્યું કે, “વિદ્યાર્થીઓનું આંદોલન સ્વયંભૂ છે અને તેની પાછળ LFI નથી. સરકાર વિદ્યાર્થીઓની અસલી સમસ્યાઓ ઉકેલવાને બદલે LFI પર આરોપ મૂકવાનો પ્રયાસ કરી રહી છે.” આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે ફ્રાન્સના ન્યાય વિભાગ મંત્રી ગેરાલ્ડ ડારમાનીન મેદાને આવ્યા અને તેમણે 2 ઓક્ટોબરે ફ્રાન્સ મીડિયાને કહ્યું કે, ફ્રાન્સના શિક્ષણ મંત્રી એડવર્ડ જેફ્રેએ પણ યુનિયન સિન્ડિકેટ લાયસિ અને સ્ટુડન્ટ્સ સાથે વાત કરી અને કહ્યું કે, “સરકાર વિદ્યાર્થીઓની વાત સીધી સાંભળવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરશે. તેમાં બે સવાલ પૂછાશે. પહેલું કે તમારી મુશ્કેલી શું છે? અને બીજો સવાલ હશે સરકાર પાસેથી તમારી શું અપેક્ષા છે? વિદ્યાર્થીઓને જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવશે અને ત્યારબાદ મળેલા જવાબોના આધારે શિક્ષણ વ્યવસ્થા મામલે સરકાર આગામી નિર્ણય લેશે” આ મામલે વિદ્યાર્થીઓએ કહ્યું છે કે સરકાર અમને સ્મોક સ્ક્રીન દેખાડી રહી છે. ટૂંકમાં સરકાર વિદ્યાર્થીઓને ભટકાવી રહી છે અને તેમને સરકાર પર ભરોસો નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે, “અમે વિદ્યાર્થીઓની સમસ્યાઓને સમજીએ છીએ પણ સમસ્યાને હિંસાથી દર્શાવવી યોગ્ય ન કહેવાય.” પણ આ મામલો ઈન્ટરનેશનલ ત્યારે બન્યો જ્યારે અમેરિકામાં બેઠેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે એન્ટ્રી મારી. તેણે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા પર આખા પ્રોટેસ્ટને ઈસ્લામ અને માસ માઈગ્રેશન સાથે જોડી દીધો. તેમણે લખ્યું… “ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે, તે બેકાબૂ થઈ રહેલા મોટા પાયે લોકોના માઈગ્રેશનનું રિઝલ્ટ છે. આ વાત માત્ર સ્કૂલોની નથી. આ વાત ઈસ્લામની છે, જે ફ્રાન્સ જેવા મહાન દેશ પર કબજો કરવા માંગે છે!” કંઈ લેવાદેવા ન હોવા છતાં ટ્રમ્પ વચ્ચે કૂદ્યા કંઈ લેવાદેવા ન હોવા છતાં ટ્રમ્પે પણ વચ્ચે કૂદકો માર્યો. અમેરિકામાં નવેમ્બરમાં આવનાર મિડ ટર્મ ઈલેક્શન તેની પાસે આવું કરાવી રહી છે. આવું કરીને તે ફ્રાન્સ મૂળના અમેરિકાના વોટર્સ અને આખા અમેરિકાને ઈસ્લામ વિરુદ્ધ ક્રિશ્યાનિટી મામલો બનાવીને પોતાની ઈમેજ ચમકાવવા માગે છે. ટૂંકમાં આ ટ્રમ્પની વોટબેંક ગેમ જ છે. પણ એક સવાલ થાય કે ફ્રાન્સની સિસ્ટમ આટલી હદે કેમ પછડાઈ ગઈ? શું ફ્રાન્સની સરકાર શિક્ષણના નામે ખાલી હવામાં વાતો જ કરી રહી છે? આ ઓફિશિયલ વાતને ડેટાથી જ સમજીએ. કમાણીથી વધુ ખર્ચો કરે છે ફ્રાન્સ ઈન્ટરેશનલ OECDના ડેટા કહે છે કે ફ્રાન્સ એક હાઈસ્કૂલના વિદ્યાર્થી પાછળ દર વર્ષે અંદાજે સાડા દસ લાખ જેટલા રૂપિયા ખર્ચે છે. 2027 માટે એજ્યુકેશન બજેટ 65.5 બિલિયન યુરો હતું, ડિફેન્સનું 63.4 બિલિયન યુરો હતું. હાલ ફ્રાન્સ સરકાર પર 2026 સુધીમાં 3.88 ટ્રિલિયન યુરોનો કરજો છે. આ દર વર્ષની ફ્રાન્સની ઈકોનોમીના લગભગ 119 ટકાની રકમ છે. જો આને કન્ટ્રોલ નહીં કરવામાં આવે તો 2027 સુધીમાં આંકડો 121 ટકા સુધી પણ પહોંચી શકે છે. ટૂંકમાં જેટલું સરકાર કમાવે છે તેનાથી વધુ ખર્ચો કરી નાખે છે. યુરોથી પ્રોબ્લમ સોલ્વ થઈ શકે પણ છાપે કોણ? અધૂરામાં પ્રોબ્લમ યુરો છાપીને શિક્ષણ બજેટમાં વધારે યુરો ફાળવીને કરી શકાય છે પણ મુદ્દો એ છે કે ફ્રાન્સની કરન્સી યુરો છે જે તે છાપી નથી શક્તિ કારણ કે યુરો 21 દેશોની મળીને બનતી કરન્સી છે. આખા યુરોપની. એટલે ફ્રાન્સ પાસે યુરો છાપવાની પરમિશન નથી જેના કારણે તે એક મોટી સમસ્યા બની ગઈ છે. ડિફેન્સ કરતાં શિક્ષણનું વધુ બજેટ તો પણ હાલ બેહાલ વધુમાં શિક્ષણનું બજેટ ડિફેન્સ બજેટથી પણ વધારે છે, પણ હકિકત કંઈક અલગ જ છે. સરકારે હમણાના જ બજેટમાં દેશભરમાંથી 3 હજાર 256 જેટલી શિક્ષકોની જગ્યાઓ પર કાતર ફેરવી દીધી છે. જેના કારણે મહિનાઓ સુધી અમુક સબ્જેક્ટના સાહેબો ક્લાસમાં ભણાવવા આવતા જ નથી. ફ્રાન્સમાં બોર્ડની પરીક્ષાઓ માથા પર છે અને વિદ્યાર્થીઓને કોર્સ પૂરો ન થવાની બીક અંદરથી ખાઈ રહી છે. ક્લાસમાં બકરાની જેમ પૂરાય છે વિદ્યાર્થી પણ આ વાત કંઈ શિક્ષકોની અછતની જ નથી રહી, વિદ્યાર્થીઓના આક્ષેપો છે કે સ્કૂલના હાલ પણ એવા છે કે તે હવે જેલ જેવા લાગી રહ્યા છે. ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો ઈન્ટરનેશનલ મીડિયા મુજબ એક જ ક્લાસમાં 35થી 49 વિદ્યાર્થીઓને ઠસાઠસ બેસાડવામાં આવે છે. ઘણા ક્લાસમાં તો બેસવા પૂરતી ખુરશી કે ડેસ્ક પણ નથી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો જાતે ફરિયાદ કરી રહ્યા છે કે સ્કૂલમાં પીવાનું ચોખ્ખું પાણી નથી, બાથરૂમ વાસ મારે છે અને બિલ્ડિંગ ઊંદર અને વંદાનું ઘર બની ગઈ છે. એટલું જ નહીં, ગ્લોબલ વોર્મિંગના કારણે જ્યારે યુરોપમાં હિટવેવ આવી ત્યારે 43 ટકા સ્કૂલ્સમાં વેન્ટિલેશન કે પંખા જ નહતા. ફ્રાન્સની સ્કૂલોમાં એક ક્લાસમાં સરેરાશ 25 બાળકો છે, જે યુરોપમાં સૌથી વધુ છે. જાપાનમાં એક ક્લાસમાં સરેરાશ 32 બાળકો છે, બ્રિટનમાં 25, સ્પેનમાં 24 અને જર્મનીમાં 24 બાળકો છે. એટલે ફ્રાન્સમાં યુરોપના બીજા દેશો કરતાં ક્લાસમાં વધુ બાળકો ભણે છે. બીજી તરફ, બાળકોના ગણિત, વિજ્ઞાન અને વાંચનના માર્ક્સ પણ ઘટી રહ્યા છે. એટલે ફ્રાન્સની શિક્ષણ વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો થયો છે. અમીર અને ગરીબ વચ્ચે શિક્ષણમાં ભેદભાવ? આમાં સહન કોને કરવું પડે? ગરીબ અને મિડલ ક્લાસના પરિવારોને. પેરિસથી બહાર આવેલા સેન-સેન્ટ-ડેનિસ જેવા વિસ્તારો જ્યાં વર્કિંગ ક્લાસ અને નોકરિયાતો રહે છે, ત્યાંની બે તૃત્યાંશ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એટલે કે અમીર વિસ્તારોની નિશાળોમાં સબ ચંગા સી, પણ સામાન્ય માણસોના દીકરા-દીકરીઓ માટે સરકાર અને તંત્ર આંખ આડા કાન કરી દે છે. જે શિક્ષણનો હક બધાને હોવો જોઈએ તે શિક્ષણમાં અમીરી-ગરીબી મુજબ ચોખ્ખો ભેદભાવ ચાલી રહ્યો છે. લોલમલોલ ચાલતી એડમિશન સિસ્ટમ આટલું ઓછું હતું એમાં સરકારે 2018માં પારકોરસપ નામની એક નવી ઓનલાઈન યુનિવર્સિટી એડમિશન સિસ્ટમ લાગુ કરી દીધી. આ સિસ્ટમે વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાં નાખી દીધા. ગુજરાતની જીકાસ સિસ્ટમની જેમ અહીં પણ બધુ લોલમલોલ ચાલે છે.સિસ્ટમ એટલી ગૂંચવે એવી અને ટ્રાન્સપરન્સી વગરની છે કે સીધી જ ખાનગી અને અમીર સ્કૂલના વિદ્યાર્થીઓને ફાયદો કરાવે છે. બાકીના બધા સાથે સીધો ભેદભાવ થાય છે, આ તો હાયર એજ્યુકેશનની તકોમાં જ ગરબડી છે. આ બધુ જોઈને છોકરાઓને સમજાઈ ગયું કે આ સિસ્ટમ તેનું ભવિષ્ય સુધારવા માટે નહીં પણ તેમને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવા માટે જ ગોઠવવામાં આવી છે. બચત કરવા બજેટમાં કરોડોની કાતર જો કે આવા પ્રોબ્લમ્સને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર આવ્યા તો શું થયું ખબર છે? ફ્રાન્સના વડાપ્રધાન સેબેલ્સિયન લોકોર્નુએ ચોખ્ખું કહી દીધું કે, “દેશની નાણાકીય ખાધ ઘટાડવા માટે તેઓ બજેટમાં 54 બિલિયન યુરો (583 કરોડ)નો કાપ મૂકશે.” ટૂંકમાં શિક્ષણ પાછળ ખર્ચો વધારવાની વાત તો દૂર રહી, જેટલું બજેટ છે એમાં પણ કાતર ચલાવવાની વાત થઈ. જે મામલે મેક્રોન સરકારનું કહેવું છે કે સરકારી કર્મચારીઓના પગાર વધારવામાં નહીં આવે, પણ ફ્રાન્સની ઈકોનોમિક સંસ્થા ધ હાઈ કાઉન્સિલ ફોર પબ્લિક ફાઈનાન્સિસનું કહેવું છે કે, “સરકારી કર્મચારીઓનો પગાર કાપીને સરકાર જે ખર્ચો ઓછો કરવા માગે છે તે વધારે કારગર નથી. સરકારે ખર્ચમાં હજુ વધુ ઘટાડો કરવો પડશે.” સરકારે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓને ધમકી આપી છે કે જો કોઈ વિદ્યાર્થી આંદોલન સમયે પકડાશે કે પ્રોપર્ટીને નુકસાન કરશે તો તેના વાલીઓના ફેમિલી એલાઉન્સ સીધા જ કાપી લેવામાં આવશે. એટલે કે સરકાર હવે પોતાના જ યુવાનોનો અવાજ સાંભળવાને બદલે તેમના પરિવારને કંગાળ કરવાના કારસા કરી રહ્યું છે. ડેટા અહીં ચીસો પાડીને કહી જાય છે કે ફ્રાન્સની સરકાર યુવાનો મામલે ફેલ ગઈ છે. પણ કોઈ પણ દેશમાં કંઈ થાય તો તેની અસરોના પડઘા બીજે પણ પડે. તો શું ગ્લોબલ ગેમ ચાલી રહી છે અને ભારત માટે આમાં શું ચેતવણી છે? ચાલો તે પણ સમજીએ. સૌથી મોટી વાત તો અહીં દુનિયાએ એ સમજવી બને કે આ આગ ખાલી ફ્રાન્સ પૂરતી સિમિત નથી. આખી દુનિયાના શાસકો અત્યારે એક નવી પેઢીના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે અને આ પેઢી છે જેન ઝી અને અમુક કિસ્સાઓમાં જેન આલ્ફા. દુનિયાભરમાં કેટલા જેનઝી આંદોલનો થયા? થોડા સમય પહેલા જ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં સરકારી નોકરીના ક્વોટા સિસ્ટમથી શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલને શેખ હસીના જેવી મજબૂત સરકારને ઉખાડી ફેંકી હતી. શેખ હસીનાને દેશ છોડવા મજબૂર થવું પડ્યું હતું. નેપાળમાં પણ ભ્રષ્ટાચાર સામે આંદોલનો થયા અને યુવા બાલેન શાહની સરકાર બની. તો આયર્લેન્ડમાં પણ યુનિવર્સિટીની બેફામ ફી સામે યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. શ્રીલંકામાં પણ જેનઝી આંદોલન થયું હતું. આ તો આપણા આડોસ-પાડોસની વાત કરી કૂલ લિસ્ટ જોઈએ તો ઘણું લાંબુ છે. કહેવાનો મતલબ એવો છે કે આ પેઢી હાયપર કનેક્ટેડ છે. તમે ઈન્ટરનેટ બંધ કરી દેશો તો પણ આ લોકો ગણતરીના કલાકોમાં ભીડ ભેગી કરી શકવાની કેપેસિટી રાખે છે. તો આપણી ગુજરાત કે ભારત સરકાર ફ્રાન્સ જેનઝી વિરોધ કેસથી શું શીખી શકે? ફ્રાન્સનો આખો બખેડો 3,256 શિક્ષકોની ખાલી જગ્યાથી શરૂ થયો હતો. ભારતમાં અને ગુજરાતની સરકારી શાળાઓમાં પણ વર્ષોથી હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત કે ભારત સરકારને આ મામલે વિચારવું રહ્યું કારણ કે જો આંખ આડા કાન કરે તો ફ્રાન્સવાળી ગમે ત્યારે થઈ શકે એમ છે. હમણાની જ વાત કરીએ તો પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને આસામમાં પણ વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત અને સિક્યોરિટી મામલે આંદોલનો કર્યા છે. ફ્રાન્સની પારકોરસપ સિસ્ટમની વાત કરીએ તો ભારતમાં NEET અને JEE જેવી એન્ટ્રન્સ એક્ઝામ અને પેપર લીક જેવા કૌભાંડો ભારતના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળી રહ્યા છે. સ્માર્ટ સ્કૂલ-ક્લાસ-બોર્ડથી શિક્ષણ સુધરે? તો આપણે ખાલી ડિજિટલ બોર્ડ કે સ્માર્ટ સ્કૂલ કે ક્લાસની જાહેરાતો કરવાથી શિક્ષણ સુધરી જશે એવું માનવું ભૂલભરેલું છે. બાળકોને તે સ્માર્ટ સ્કૂલ કે ક્લાસમાં ભણાવવા માટે કાયમી શિક્ષક જોઈએ છે. જો સરકારો ખાલી બજેટ બચાવવા માટે યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ કરશે અને વિરોધ થ્યા ત્યારે યુવાનો સાથે કે તેમના વાલી કે મંડળ સાથે વાત કરવાના બદલે પોલીસ લાઠીનો ઉપયોગ કરશે તો આ જેનઝી જ્વાળા ભારતમાં પણ ગમે ત્યારે ફાટી શકે છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સામે આપણે શું થયું હતું તે જોઈ જ લીધું છે. જો દુનિયાની સરકારો નહીં જાગે તો રસ્તાઓ પર ઉતરેલી જેનઝી અને જેન આલ્ફા પેઢી સિસ્ટમને બાનમાં લેતા સહેજ પણ અચકાશે નહીં તે ધ્યાને લેવું પડશે. અને છેલ્લે… ફ્રાન્સમાં અમેરિકાની જેમ કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ બે જ વાર રાષ્ટ્રપતિ બની શકે છે. મેક્રોન તે લિમિટ વટાવી ચૂક્યા છે, એટલે 2027માં ચૂંટણી નહીં લડી શકે. હવે તેમની પાર્ટી રેનેસાંસ અને ગઠબંધનને જીતાડવાની જવાબદારી મેક્રોન માથે છે. બીજો પ્રોબ્લમ એ છે કે આપણે ત્યાં ભાજપ-કોંગ્રેસની જેમ ફ્રાન્સમાં પક્ષ વિપક્ષ વચ્ચે મોટી બહુમતિ નથી. એટલે મેક્રોન માટે આ મોટો રાજકીય પડકાર છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
'મુસ્લિમો ફ્રાન્સ પર કબજો કરી લેશે':ટ્રમ્પે નવો બોમ્બ ફોડ્યો, જેન-ઝીની જ્વાળાઓ વચ્ચે પેરિસ ભડકે બળ્યું, હજારો વિદ્યાર્થી જેલમાં, હિંસક આંદોલનથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
📅 Published: October 7, 2026 |
📂 Category: International
