મેટ્રોથી ઉતરીને ઘર સુધી કેમ પહોંચશો?:પાલિકા તૈયાર કરી રહી છે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પ્લાન, ડ્રીમ સિટી-અલ્થાણ રૂટના 7 સ્ટેશનથી સર્વે, રિક્ષાના ભાડાં પણ નક્કી થશે

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં નિર્માણાધીન અંદાજે 12,000 કરોડના મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થયા બાદ મુસાફરોને અંતિમ ગંતવ્ય સુધી પહોંચાડવા સુરત મનપાએ ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ માટે એક વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કરવાની કવાયત્ શરૂ કરી છે. દેશના અન્ય શહેરોમાં મેટ્રો શરૂ થયા પછી યોગ્ય ફીડર ટ્રાન્સપોર્ટ ન હોવાના કારણે અપેક્ષિત મુસાફરો મળ્યા નહોતા, પરંતુ સુરતમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે પાલિકાએ અગાઉથી જ પગલાં લીધાં છે. આ પ્લાન અંતર્ગત મુસાફર સ્ટેશનથી ઉતર્યા પછી તેના ઘર કે ઓફિસ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સુવિધા, ચોક્કસ રિક્ષા ભાડાં અને ડેડિકેટેડ સ્ટોપનું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. પાયલોટ સર્વે: ડ્રીમ સિટીથી અલ્થાણ સુધીના સાત સ્ટેશનોથી પ્રક્રિયા શરૂ
પાલિકાએ પ્રથમ તબક્કામાં ડ્રીમ સિટીથી અલ્થાણ રૂટ પર આવેલા 7 મુખ્ય મેટ્રો સ્ટેશનોનો ગ્રાઉન્ડ લેવલ પર વિગતવાર સર્વે હાથ ધર્યો છે. સુરત મેટ્રો કુલ બે કોરિડોર પર 38 સ્ટેશનો વચ્ચે દોડવાની છે, જ્યાં પ્રતિદિન લાખો મુસાફરોની અવરજવર નોંધાશે. સર્વેક્ષણ દરમિયાન દરેક સ્ટેશન પર મુસાફરોનો દૈનિક ફ્લો કેટલો રહેશે, તેઓ કયા વાહનથી સ્ટેશને પહોંચશે અને ત્યાંથી આગળની યાત્રા માટે તેમને કયા માધ્યમની જરૂર પડશે તેની વિગતો એકત્ર કરાઈ રહી છે. આ પ્રાથમિક ડેટાના આધારે જ દરેક સ્ટેશનની જરૂરિયાત મુજબ અલગ માળખાગત સુવિધા ઊભી કરાશે. સિટી બસ, BRTS અને ઓટો-રિક્ષાનું પરફેક્ટ સંકલન
અભ્યાસમાં સામે આવ્યું છે કે મેટ્રો સુધી માત્ર સિટી બસ કે બીઆરટીએસથી મુસાફરો પહોંચી શકશે નહીં, તેથી ઓટો-રિક્ષા અને અન્ય ખાનગી વાહનોનું અસરકારક સંકલન અનિવાર્ય બનશે. આ માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક રિક્ષા યુનિયનો સાથે સંકલન સાધીને દરેક સ્ટેશન માટે સ્પેસિફિક ટ્રાન્સપોર્ટ પ્લાન અમલી બનાવાશે. સ્ટેશન પરિસરની બહાર ડેડિકેટેડ પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન, પેડેસ્ટ્રિયન વૉક-વે (પગપાળા માર્ગ) તેમજ વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ તૈયાર કરવામાં આવશે, જેથી ગીચ વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય. મનફાવે તેવા ભાડાં વસૂલાત સામે રૂટવાર દર નક્કી થશે
સામાન્ય રીતે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ બહાર રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મનફાવે તેવું અતિશય ભાડું વસૂલવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ સમસ્યા રોકવા માટે પાલિકા તંત્ર રિક્ષા યુનિયનો અને ટ્રાન્સપોર્ટ સંચાલકો સાથે બેઠક યોજીને સ્ટેશનથી નજીકના રહેણાંક વિસ્તારો સુધીના ફિક્સ રૂટવાર ભાડાં નક્કી કરશે. આ ઉપરાંત, સ્ટેશનોની આસપાસ અનધિકૃત વાહન પાર્કિંગ રોકવા ચોક્કસ સ્થળો નિર્ધારિત કરવામાં આવશે, જેનાથી મુસાફરો કોઈપણ અડચણ વગર વાજબી દરે સલામત મુસાફરી કરી શકશે. પેસેન્જર ફ્લોના આધારે 3 કેટેગરીમાં સુવિધાઓ વહેંચાશે
મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (MMITS) અંતર્ગત દરેક સ્ટેશનની 500 મીટર ત્રિજ્યામાં હાલ ઉપલબ્ધ બસ સ્ટોપ અને નવી જરૂરિયાતોનો અભ્યાસ પૂર્ણ કરાયો છે. સંભાવિત પેસેન્જર લોડને આધારે સ્ટેશનોને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે: પ્રથમ કેટેગરીમાં સૌથી વધુ અવરજવર ધરાવતા મુખ્ય જંકશન સ્ટેશનો, બીજી કેટેગરીમાં મધ્યમ ટ્રાફિક ધરાવતા સ્ટેશનો અને ત્રીજી કેટેગરીમાં મુસાફરો પોતાના વાહનો મૂકી શકે તે માટે ‘પાર્ક એન્ડ રાઇડ’ સુવિધા ધરાવતા સ્ટેશનો સામેલ છે. આ વિભાજનથી દરેક સ્ટેશન પર વ્યવસ્થિત ટ્રાફિક સંચાલન શક્ય બનશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *