મેયર-કમિશનરે ગાંધીસ્મૃતિ-વિજલપોરમાં ચેકિંગ કર્યું:ડ્રેનેજ, રેલવે ઓવરબ્રિજ અને જર્જરીત ઇમારતો મુદ્દે તરત આદેશ આપ્યા

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે રોડ-રસ્તાના કામ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ટ્રાફિક વ્યવસ્થા અને જર્જરિત ઇમારતો તોડી પાડવા સહિતના મહત્વના મુદ્દાઓ તપાસ્યા હતા. અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ મુલાકાત GUDC દ્વારા ગાંધીસ્મૃતિ અને વિજલપોર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોના નિરીક્ષણથી શરૂ થઈ હતી. મેયર અને કમિશનરે વિજલપોરના રોડ-રસ્તા અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમના કામોની પણ તપાસ કરી હતી. આગામી ચોમાસામાં શહેરમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટેની વ્યવસ્થાને વધુ સારી બનાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. જ્યાં કામ બાકી છે, ત્યાં તેને ઝડપથી પૂરું કરવા પણ સૂચના અપાઈ હતી. શહેર માટે મુશ્કેલ બનેલા વિજલપોર રેલવે ફાટક ઓવરબ્રિજ અને વિજલપોર-ઘેલકડી ડાયવર્ઝન રોડનું પણ ખાસ નિરીક્ષણ કરાયું હતું. રોડની હાલની સ્થિતિ તપાસીને તેને તરત રિપેર કરવા અને તેની જાળવણી કરવા સૂચના અપાઈ હતી. નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલી જર્જરિત ઇમારતોની પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી. સ્થળ પર જ તેની સુરક્ષા અને તેને તોડી પાડવા અંગે જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અલગ-અલગ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરની સુવિધાઓ વધુ સારી બને, નાગરિકોને સુરક્ષિત અને સરળ અવરજવર મળે, તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અસરકારક બને તે માટે સ્થળ પર જ નિર્ણયો લેવાયા હતા. આ બધા કામ પૂરા થવાથી વિજલપોર અને આસપાસના વિસ્તારોના વાહનચાલકો અને નાગરિકોને અવરજવરમાં ઘણી રાહત મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *