વડોદરા શહેરમાં સાયબર ગુનેગારોએ છેતરપિંડી માટે હવે લગ્નની કંકોત્રીનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. વોટ્સએપ પર લગ્નના આમંત્રણના નામે મોકલવામાં આવેલી APK ફાઇલ પર ક્લિક કરવું 56 વર્ષીય નાગરિકને ભારે પડ્યું. શહેરના સુશેન-તરસાલી રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં છેલ્લા 28 વર્ષથી નોકરી કરતા 56 વર્ષીય કર્મચારીના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ 5 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 4.91 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. માત્ર 5 મિનિટના ગાળામાં તેમના મોબાઇલ પર 19 OTP આવ્યા હતા. ગત 11 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીના વોટ્સએપ પર ‘Marriage Invitation.apk’ નામની ફાઇલ આવી હતી. લગ્નની કંકોત્રી હશે તેમ માની તેમણે ફાઇલ પર ક્લિક કર્યું હતું, પરંતુ ફાઇલ ઓપન થઈ નહોતી. દરમિયાન સોસાયટીના એક પરિચિતે આવી જ APK ફાઇલ મારફતે અન્ય વ્યક્તિનો મોબાઇલ હેક થયો હોવાની જાણ કરતાં નિલેશભાઈએ સાવચેતી રાખી પોતાના મોબાઇલમાંથી તે ફાઇલ ડિલીટ કરી દીધી હતી. જોકે, ફાઇલ ડિલીટ કર્યા બાદ પણ તેઓ સાયબર ઠગોની જાળમાંથી બચી શક્યા નહોતા. ત્યારબાદ 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:03થી 9:08 વાગ્યા દરમિયાન તેમના મોબાઇલ પર સતત એક પછી એક કુલ 19 OTP મેસેજ આવ્યા હતા. આ સમયે નિલેશભાઈએ કોઈ પણ પ્રકારનો ઓનલાઇન નાણાકીય વ્યવહાર કર્યો નહોતો. ત્યારબાદ રાત્રે 9:45થી 9:56 દરમિયાન એક અજાણ્યા નંબર પરથી તેમને 8 વખત ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાં સામેથી અજાણી વ્યક્તિએ મદ્રાસી જેવી ભાષામાં વાતચીત કરી હતી. આ ફોન બાદ જ તેમના HDFC બેંક ખાતામાંથી નાણાં કપાવાના મેસેજ આવવા લાગ્યા હતા. સાયબર ગઠિયાઓએ અલગ-અલગ 5 ટ્રાન્ઝેક્શન કરીને નિલેશભાઈના ખાતામાંથી કુલ 4.91 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક બેંકનો સંપર્ક કરી ઓનલાઇન નાણાકીય વ્યવહારો બંધ કરાવ્યા હતા. ત્યારબાદ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મેરેજ ઇન્વિટેશનની APK ફાઇલ ડાઉનલોડ કરીને ખાતું ખાલી થઈ ગયું:5 મિનિટમાં 19 OTP આવ્યા બાદ બેંક એકાઉન્ટ માંથી 4.91 લાખ રૂપિયા ઉપડી ગયા, ખાનગી કંપનીના મશીન ઓપરેટર સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયા
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
