પલ્લવ અંકલ, મારે બેંકમાંથી લોન લેવાની છે, તો તમે મારા ગેરેન્ટર થશો? તમારા સિવાય બીજા અનેક ઓળખે છે, પરંતુ તેઓને કોઈને કહી શકાય એમ નથી, કારણ કે ગેરેન્ટર થવું એટલે જોખમ માનીને કોઈ તૈયાર ન થાય અને મારે નીચાજોણું થાય. ઇશાને જેના પર ભરોસો હતો એવા પલ્લવ અંકલના ઘરે જઇને સોફા પર બેસતાં કહ્યું.
અરે ઇશાન! તું મારા પુત્રની ઉંમરનો છે, પણ હું તને ફ્રેન્ડ જ સમજું છું. તું કહે અને હું ના પાડું એવું બની શકે, પલ્લવે સ્મિત સાથે તેની બાજુમાં બેસી ખભા પર હાથ મૂકતાં કહ્યું.
હાશ. અંકલ, મમ્મીના માથા પરથી ચિંતા જશે. એ કેટલી કોચવાતી હતી. એની રાતની ઊંઘ હરામ થઇ ગઇ છે, ઇશાને નિરાંતનો શ્વાસ લેતાં કહ્યું. એમ વાત છે? મતલબ કે તારે મોટી લોન લેવી લાગે છે? શું બીજું કોઈ મકાન લેવું છે કે ધંધો કરવો છે? પલ્લવે ઉત્સુકતાથી પૂછ્યું.
ઓહ અંકલ! મુખ્ય વાત જ કરવાની રહી ગઈ. મારા મેરેજ માટે પાંચેક લાખની લોન લેવી પડશે. કંપનીમાં હજી નવોસવો છું એટલે મળે એમ નથી અને બેંકમાંથી મળે, પણ ગેરેન્ટર જોઈએને? ઇશાને સ્પષ્ટતા કરી. ઓહ! એમ વાત છે? તું હવે બધું મારા પર છોડી દે. તારે જેટલાં નાણાં જોઈતાં હશે એટલાં હું તને પૂરાં પાડીશ, તું પાછાં આપવાની ચિંતા ન કરતો. અરે! હોય કંઈ અંકલ? તમે કોલેજમાં સ્ટડી કરતો હતો ત્યારે સહાય કરી હતી. તમારા કારણે જ તો મને સારી કંપનીમાં સર્વિસ મળી હતી. મીઠા ઝાડનાં ફળ ખવાય, મૂળ નહીં એટલું તો હું સમજું છું અને સૌથી મોટી વાત તો એ છે કે મમ્મી જ ન માને.
એ ત્યારે જોયું જશે, તારી પાસે મૂડી થાય તે વખતે આપજે. છેલ્લે મારી અંતિમવિધિ તું જ કરી દેજે. આમેય મારે કોઈ ખાનારું નથી, એકલો જ તો છું. અંકલ, એવું ન બોલો. તમે ક્યારેય તમારા પોતાના વિશે કંઈ જ કહ્યું નથી, તો શું ખરેખર તમારું કોઈ નથી? ઇશાને પૂછ્યું.
ચોક્કસ તને કહીશ, અત્યારે એટલો સમય નથી કહી પલ્લવ પોતાની શેરબજારની ઓફિસે જવા તૈયાર થવા માંડ્યો એટલે ઇશાન સારું અંકલ નીકળું છું કહી રવાના થયો. એને જતો જોઈ રહેલો પલ્લવ મનોમન બબડ્યો, હું તને મદદ નહીં કરું તો કોને કરું? તું ભલે મારો સગો પુત્ર નથી, પરંતુ તેથી વિશેષ છે. તું સમીધાનો પુત્ર છે એ જ મારા માટે પૂરતું છે. એના ખાતર તો જીવું છું. કુદરતે પણ કેવો કેર કર્યો! હું ધારું તોય સમીધાને કહી શકું એમ નથી કે સમી હું જ છું તારો પલ્લવ! આપણે બંનેએ એક થવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કુદરતે કેમ મંજૂર ન કર્યું? આપણે કોલેજમાં ક્યારે એકબીજાને દિલ દઈ બેઠાં એ જ ના ખબર પડી. અરે! છેલ્લા વર્ષની પરીક્ષા બાદ પોતે અમેરિકા જવા એરપોર્ટ પર જતા પહેલાં સમીધાને મળીને કહ્યું હતું કે પપ્પાની ખૂબ ઈચ્છા હોવાથી એક બિઝનેસ કોર્સ કરવા તે અમેરિકા જાય છે અને તે એક વર્ષનો જ છે એટલે તે પૂરો કર્યા બાદ વતન પરત ફરીશ. પછી આપણે બંને એક થઇ જઇશું. બસ, એ છેલ્લી મુલાકાત હતી. પ્લેન અધવચ્ચે જ ક્રેશ થયું અને આગ લાગતાં મોટાભાગના મુસાફરો બળીને ભડથું થઇ ગયા હતા. પોતે એક ખીણમાં પાણીમાં પડતાં બચી ગયો હતો. તેને પડતો જોઇ ગયેલા કેટલાક લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી તેને બચાવ્યો હતો. એ પહાડી પ્રદેશના લોકોએ ઘરે જ સારવાર કરી હતી, પરંતુ તેનો ચહેરો દાઝી ગયો હતો. ત્યાંના જડીબુટ્ટીઓના જાણકાર લોકોએ તેના ચહેરાની એવી સારવાર કરી કે તે સાવ સાજો થઈ ગયો, પણ તે દરમિયાન બે વર્ષનો સમય પસાર થઇ ગયો હતો અને પરિવાર અને સમીધા બહુ યાદ આવતા હતા. તે પરિવારને મળવા જતો હોવાનું કહી ત્યાંથી નીકળ્યો હતો. એ રખડતો રખડતો દિલ્હી પહોંચી ગયો, પરંતુ બદલાયેલા ચહેરા સાથે પોતાના શહેરમાં જવાનું માંડી વાળ્યું. બે વર્ષ વીતી ગયાં હોવાથી ઘરવાળાઓએ તો તેને મૃત્યુ પામેલો જ માનીને અંતિમવિધિઓ કરી નાંખી હશે અને સમીધા પણ રાહ જોઈને થાકીને પરણી ગઈ હશે એમ વિચારી દિલ્હીમાં જ જે મળ્યું તે કામ કરવા માંડ્યો. માર્કેટમાં તેણે ઓછા પગારે નોકરી ચાલુ કરી. સમય જતાં એણે પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટ તરીકે ત્રણ-ચાર પેઢીઓમાં સર્વિસ કરવા માંડી અને પછી શેરબજારમાં ઝંપલાવતાં એનું ભાગ્ય ખૂલ્યું હોય એમ સારી કમાણી કરવા માંડ્યો. અઢળક કમાણી થવા માંડતાં તેણે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવતાં એ સારો દેખાવા માંડ્યો. એણે પછી પોતાના શહેરની વાટ પકડી. તેના પરિવારમાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં અને ભાઈ અન્ય શહેરમાં જતો રહ્યો હોવાનું જાણતાં એ ખિન્ન બની ગયો. એણે સમીધા મેરેજ કરીને હવે તો માતા બની ચૂકી હોવાનું જાણ્યું. જોકે, એ તેને ઓળખી શકે એમ ન હતી. તેણે એના વિસ્તારમાં જ એક ફ્લેટ ખરીદ્યો અને ત્યાં રહીને તેને અવારનવાર દૂરથી જોયા કરતો. તેને જ્યારે લાગ્યું કે તે વિધવા છે ત્યારે જ કોઈ ને કોઈ રીતે સમીધાના પુત્ર ઇશાન સાથે ઘરોબો કેળવ્યો. તેની આર્થિક સ્થિતિ સારી ન હતી. સમીધા ટ્યુશનો કરતી. તેણે ઇશાનને સ્કૂલ ફી, સ્કોલરશિપ વગેરે વ્યવસ્થા કરી આપી. એણે મમ્મીને સમજાવ્યું હતું કે એક અંકલ કોઈ ટ્રસ્ટ ચલાવે છે એટલે તેને મદદ કરે છે. સ્વભાવના બહુ સારા છે. પછી તો એ કોલેજમાં આવ્યો. તે દરમિયાન તો બંને મિત્ર જ બની ગયા હતા. એને તે તમામ સહાય કરતો અને સમીધા વિશે જાણવા પ્રયાસ કરતો. એણે ઇશાનના મેરેજ માટે પાંચ નહીં દસ લાખ આપી કહ્યું કે, ચિંતા ન કરતો, તારે મને કદી પરત કરવાના નથી. હું તને પુત્ર માનું છું એટલે મદદ કરું છું. તેણે માતાને વાત કરતાં તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. તે મેરેજ બાદ તે જાતે જ પલ્લવને મળી અને તેનો ખૂબ આભાર માન્યો, પરંતુ વાતચીત દરમિયાન એણે અવાજ અને શરીર જોઈ આશ્ચર્ય અનુભવ્યું. તેનો ચહેરો ભલે પલ્લવ જેવો ન હતો, પરંતુ તે લાગતો તો હતો એ જ. એમાંય એણે બેએકવાર સમી સમી એના પુરાણા લહેજામાં કહેતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં બોલી, મારો પલ્લવ તમારા જેવો જ હતો અને મને કેમ એમ લાગે છે કે તમે પલ્લવ જ છો.
સમી, તું માનતી હોય તો હું પલ્લવ જ છું. હું વિમાની અકસ્માતમાં બચી ગયો હતો. પછી તેણે બધી જ વાત કરી. સમીધા બધું સમજી ગઈ, પરંતુ આંખમાં આંસુ સાથે બોલી, પલ્લવ, હવે આપણે ઈચ્છીએ તો પણ એક થઇ નહીં શકીએ.
પલ્લવે તેની સામે જોઈ આંખમાંથી વહેતાં આંસુ સાથે કહ્યું, આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવા દેજે. આપણે એકબીજાને જોઈ શકીશું એ જ આપણે એક થયાં બરાબર ગણીશું. સમીધાએ આંસુ લૂછી સ્વસ્થ થઇ તેની સામે સ્મિત કરી વિદાય થતાં કહ્યું, મારે મન તો ભગવાને મને જ બીજી જિંદગી આપી છે. ઇશાનને પુત્ર માની સાચવે છે એથી વધુ હવે કંઈ જોઈતું નથી.
