મોરબીથી અંબાજી માટે અંબિકા પદયાત્રા સંઘ રવાના:355 કિલોમીટરની યાત્રા માટ 175 ભક્તો જોડાયા, સળંગ 28મા વર્ષે આયોજન

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજી ધામમાં દર્શન કરવા આવે છે. ત્યારે મોરબીથી છેલ્લા 28 વર્ષથી શ્રદ્ધાળુઓ શ્રી અંબિકા પદયાત્રા સંઘ સાથે નીકળે છે. ભાદરવી પૂનમે અંબાજી પહોંચીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. મૂળ મોરબી તાલુકાના કુંતાસી ગામના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા છેલ્લા 27 વર્ષથી મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 28મી વખત પદયાત્રાનું આયોજન થયું છે. આજે વહેલી સવારે 5 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુરેશભાઈ નાગપરાના ઘરેથી ‘બોલ માડી અંબે જય જગદંબે’ના નાદ સાથે પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો. આ સંઘ મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા, માલવણ, બેચરાજી થઈને 9 થી 10 દિવસે અંબાજી ખાતે અંબે માતાજીના ધામમાં પહોંચે છે. નોંધનીય છે કે, છેલ્લા 27 વર્ષથી યોજાતી આ પદયાત્રામાં 150 થી 175 જેટલા માઈ ભક્તો જોડાય છે. માતાજીની કૃપા અને આશીર્વાદથી ક્યારેય કોઈ અણબનાવ બન્યો નથી. આ સંઘ આજે સવારે મોરબીથી નીકળ્યો ત્યારે જય અંબેના નાદ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ વર્ષે 175 જેટલા લોકો સંઘમાં જોડાયા છે. દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડિકલ સહિતની સુવિધાઓ પદયાત્રા સંઘમાં સાથે જ રાખવામાં આવેલ છે. આવનારી ભાદરવી પૂનમે આ સંઘ અંબાજી ખાતે પહોંચશે. સંઘ સાથે જતા ભક્તોએ કહ્યું કે, મોરબીથી અંબાજી 355 કિલોમીટર થાય છે, પરંતુ આ અંતર કેવી રીતે કપાઈ જાય છે તેની કોઈ પદયાત્રીને ખબર પણ પડતી નથી. આ સંઘમાં સેવાગણ તરીકે હર્ષદભાઈ મેરજા, સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા વગેરે સેવા આપે છે. રથના ડ્રાઈવર મેહુલભાઇ નારણીયા અને કાંતિભાઇ બાપોદરિયા હોય છે. રસોડામાં હિતેશભાઈ નાગપરા, જયદીપભાઇ હડિયલ, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવારના સભ્યો સેવા આપે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *