મોરબીના જેતપરના ખેડૂતો મહિલાઓ-બાળકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા:વીજપોલ અને કોરિડોર વળતર માટેની MRC નોટિસનો વિરોધ; ખેડૂતોએ કહ્યું- નવી નીતિ મંજૂર નથી MRC કમિટીમાં રહેવાનો અર્થ નથી

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

મોરબીના જેતપર ગામમાં ખેતરોમાંથી પસાર થતી વીજલાઇન અને વીજપોલના વળતર સંદર્ભે તંત્ર દ્વારા અપાયેલી MRC નોટિસનો જવાબ આપવા આજે અસરગ્રસ્ત ખેડૂતો સહિત આખું ગામ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. ખેડૂતોએ મહિલાઓ, બાળકો અને વડીલોને સાથે રાખીને કલેક્ટર સમક્ષ તીખા સવાલો કર્યા હતા. નવી વળતર નીતિના વિરોધ વચ્ચે તંત્ર અને ખાનગી વીજ કંપનીની નીતિ સામે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામજનો સાથે કલેક્ટર કચેરીમાં ધામા
મોરબી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા તલાટી મંત્રી મારફતે જેતપર ગામના ખેડૂતોને વીજપોલ અને કોરિડોર અસરગ્રસ્તો માટે MRC કમિટીની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં 25મી તારીખે શુક્રવારે હાજર રહેવાનો નિર્દેશ હતો. તેના વિરોધમાં માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ બાળકો, મહિલાઓ અને વડીલો સાથે આખું ગામ એકજૂથ થઈને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા ધસી આવ્યું હતું. તંત્ર સામે ખેડૂતોના અણીદાર સવાલો
કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતોએ તંત્ર સામે આકરા સવાલો ઊભા કર્યા હતા. ખેડૂતોએ પૂછ્યું કે ખાનગી વીજ કંપનીએ હજુ સુધી કોઈ નોટિસ આપી નથી, તો પછી તંત્રને વીજલાઇન નાખવાની આટલી બધી ઉતાવળ કેમ છે. તંત્ર અને વીજ કંપની વચ્ચેની આ કામગીરી સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કરીને કલેક્ટર સમક્ષ સીધા સવાલો રજૂ કર્યા હતા. કેવું છે MRC કમિટીની રચના અને માળખું?
જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવે છે. વીજપોલ અને લાઇનનું વળતર નક્કી કરવા માટે આ કમિટીમાં ખેડૂત, કંપની અને કલેક્ટર એમ કુલ 3 મૂલ્યાંકનકાર હોય છે. જોકે ખેડૂતો તરફથી આ કમિટી માટે યોગ્ય પ્રતિનિધિ આપવામાં આવતા નથી જેથી મામલો વિલંબ ગૂંચવણમાં પડ્યો છે. પરંતુ તેમ છતાં જમીનની બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા માટે હાલ તંત્ર દ્વારા ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી છે. નવી વળતર નીતિ સામે વિરોધ
ખેડૂતો દ્વારા નવી વળતર નીતિનો પહેલેથી જ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે નવી નીતિ સામે વિરોધ હોવાથી આ MRC કમિટીમાં રહેવાનો કોઈ અર્થ સરતો નથી. તેમ છતાં તંત્ર દ્વારા કમિટીની રચના માટે નોટિસ પાઠવવામાં આવતા ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ અને નારાજગીની લાગણી ફેલાઈ ગઈ છે. તંત્રની એકતરફી કાર્યવાહી કરવાનો ભય
નોટિસમાં જણાવાયું છે કે જો ખેડૂત કે તેમના પ્રતિનિધિ હાજર નહીં રહે, તો તેઓ કમિટીમાં ભાગ લેવા માગતા નથી તેમ માની લેવાશે. ત્યારબાદ તંત્ર દ્વારા એકતરફી રીતે જમીનના વેલ્યુઅર નક્કી કરવાની કાર્યવાહી આગળ વધારાશે. તંત્રના આ વલણથી ખેડૂતોના કાયદેસરના હક્કો પર તરાપ મારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને આખું જેતપર ગામ લડતના મૂડમાં આવી ગયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *