મોરબીમાં લૂંટ કરનાર 3 આરોપી ઝડપાયા:પોલીસે રૂ. 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો; કારખાને જતાં ત્રણ શખસોને છરી બતાવી ધમકી આપી લૂંટી લીધા હતા

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

મોરબી પોલીસે ભરતનગર નજીક છરીની અણીએ થયેલી લૂંટના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં ત્રણ શ્રમિકો પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11,000નો મુદ્દામાલ લૂંટી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 75,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના ગત તા. 27 ઓક્ટોબરના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે બની હતી. મૂળ બનાસકાંઠાના અને હાલ મોરબીમાં મજૂરી કામ કરતા રાહુલ વેલા વાલડીયા, તેમના મિત્રો રાણા લક્ષ્મણ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ ભરતનગર પાસે આવેલી કે.કે. હોટેલથી જમીને કારખાના તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્કૂટર પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા અને છરી બતાવીને ધમકી આપી હતી. લૂંટારુઓએ રાહુલ વાલડીયા પાસેથી રૂ. 10,000ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. 1,000 રોકડા મળી કુલ રૂ. 11,000નો મુદ્દામાલ લૂંટી લીધો હતો. જોકે, રાહુલના મિત્રો રાણા અને સુરજે પોતાના મોબાઈલ ફોન છુપાવી દીધા હોવાથી બચી ગયા હતા. રાહુલ વાલડીયાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોરબી તાલુકા પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ વિકાસ અનિલ લોરીયા, ભુપત મોહન ચૌહાણ અને ચિરાગ નાનજી ચાવડાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી જુદી જુદી કંપનીના 12 મોબાઈલ ફોન (કિંમત રૂ. 54,000), રૂ. 1,000 રોકડા, એક છરી અને ગુનામાં વપરાયેલું સ્કૂટર, કિંમત રૂ. 20,000) સહિત કુલ રૂ. 75,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી વિકાસ લોરીયા સામે મોરબી સિટી અને તાલુકા વિસ્તારમાં અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે, જ્યારે ભુપત ચૌહાણ સામે મોરબી તાલુકા, સિટી, સુરેન્દ્રનગર અને માળિયામાં કુલ સાત ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *