મોરબી પેકેજિંગ એસોસિએશનની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાચા માલના વધતા ભાવ, બજારમાં અટવાયેલા પેમેન્ટ્સ અને સિરામિક ઉદ્યોગની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ. સિરામિક ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે બોક્સના ભાવમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લેવાયો. બેઠકમાં લાંબા સમયથી પેમેન્ટ બાકી રાખતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. બાકી પેમેન્ટ ચૂકવવા માટે સંબંધિત કંપનીઓને 15 દિવસની મુદત અપાશે. જો આ સમયગાળા પછી પણ પેમેન્ટ ચૂકવાશે નહીં, તો તેવી કંપનીઓને બ્લેકલિસ્ટ કરાશે. મોરબીની બોક્સ બનાવતી કોઈપણ કંપની તેમને માલ સપ્લાય નહીં કરે. ખાસ કરીને, 180 દિવસ એટલે કે છ મહિનાથી પેમેન્ટ બાકી હોય તેવા ગ્રાહકો અને કંપનીઓની અલગ યાદી બનાવાશે. આ યાદી સિરામિક એસોસિએશનને આપવામાં આવશે. ત્યારબાદ આવા એકમોને સપ્લાય સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, પેપર મિલોએ ભાવ વધાર્યા હોવા છતાં, વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ગેસના વધેલા ભાવને કારણે સિરામિક ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. આથી બોક્સના ભાવ હાલ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. બેઠક દરમિયાન એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયા અને ઉપપ્રમુખ રાજુભાઈ અમૃતિયાએ સભ્યોને એકતા જાળવવા આગ્રહ કર્યો. મંદી સામે ટકી રહેવા માટે જરૂર જણાય તો અઠવાડિયામાં 2 થી 3 દિવસ પ્લાન્ટ બંધ રાખી પ્રોડક્શન કંટ્રોલ કરવા અંગે પણ સભ્યોએ સહમતી આપી.
મોરબી પેકેજિંગ એસોસિએશને બાકી પેમેન્ટ ચૂકવવા માટે એકમોને મુદત આપી:સમયસર પેમેન્ટ ન કરનાર એકમો થશે બ્લેકલિસ્ટ, કોઈ કંપની માલ સપ્લાય નહીં કરે
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
