મોરબી, માળીયા મિયાણા અને ટંકારા તાલુકાના સંયુક્ત મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થઈ છે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ૨૯ ઓગસ્ટથી શરૂ થઈ હતી, જેમાં સંભવિત ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા. 30 ઓગસ્ટે ફોર્મની ચકાસણી થશે, જ્યારે 2 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. મતદાન 9 સપ્ટેમ્બરે અને મતગણતરી 10 સપ્ટેમ્બરે યોજાશે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ-વેચાણ મંડળીની 2 બેઠકોનો સમાવેશ થાય છે. ખેડૂત વિભાગમાં 1500 થી વધુ અને વેપારી વિભાગમાં 51 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા દોઢ દાયકાથી યાર્ડમાં ભાજપનું શાસન રહ્યું છે, જેથી આ ચૂંટણી સ્પર્ધાત્મક બનવાની શક્યતા છે. ચૂંટણીના પ્રથમ દિવસે સહકાર પેનલ તરફથી ખેડૂત બેઠકો માટે રમેશભાઈ, બચુભાઈ, વિનોદભાઈ, ગોવર્ધનભાઈ લોરીયા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, ડાકા પ્રવિણભાઈ ટપુભાઈ ભાડજા, મનસુખભાઈ નરશીભાઈ દેત્રોજા, અરમશીભાઈ જીવરાજભાઈ, આપાભાઈ કાળુભાઈ કુંભારવડીયા, ભરત કરમશીભાઈ ભાલોડીયા, ગોવિંદભાઈ ઓધવજીભાઈ સનારીયા અને જીવાભાઈ દેવાભાઈ બાલસરા સહિતના ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા. વેપારી બેઠકો માટે ઘનશ્યામભાઈ જેન્તીલાલ બાવરવા, રાજેશભાઈ દામજીભાઈ પરાસરા, જગદીશભાઈ કરમશીભાઈ સીણોજીયા, કિશોર ધોળુભાઈ બાવરવા, સુરેશ જીવરાજભાઈ ડાવર અને રાજેશભાઈ નરભેરામભાઈ મોરડીયાના નામો સામે આવ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ સમર્થિત ખેડૂત પરિવર્તન પેનલ પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. આ પેનલમાંથી ખેડૂત બેઠકો માટે મહેન્દ્રભાઈ શેખલિયા, વિનોદભાઈ હિરાભાઈ ડાંગર, ઉજરીયા મનસુખભાઈ ભાણાભાઈ, જગદીશ મુળજીભાઈ પટેલ, ગોધાણી ભુપેન્દ્ર દામજીભાઈ પટેલ, નથુ ભુરાભાઈ કુંડરવાડિયા, મુળજીભાઈ કાળુભાઈ, રાજેશભાઈ રામજીભાઈ ચાપાણી, અઘારા નયનભાઈ લાલજીભાઈ જાડેજા, ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ મેરજા અને સતિષભાઈ ભાણજીભાઈ સહિતના નામો ચર્ચામાં છે. મોરબી માર્કેટિંગ યાર્ડનો ઇતિહાસ પણ રસપ્રદ રહ્યો છે. આશરે 1965માં યાર્ડની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં કાંયાજી પ્લોટ અને ત્યારબાદ રામ ચોક ખાતે ઓફિસ કાર્યરત હતી, જ્યારે ખરીદ-વેચાણની પ્રક્રિયા વાંકાનેર દરવાજા પાસેના દાણા પીઠમાં થતી હતી. વર્ષ 2001માં શનાળા રોડ પર 63 વીઘા જમીનમાં આધુનિક માર્કેટિંગ યાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ યાર્ડનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ.351 કરોડ હોવાનું જણાવાય છે. ભૂતકાળમાં પણ યાર્ડની ચૂંટણીઓ સ્પર્ધાત્મક રહી છે. વર્ષ 1995ની ચૂંટણીમાં હાલના ભાજપના દિગ્ગજ નેતાઓ કાંતિભાઈ અમૃતિયા અને મોહનભાઈ કુંડારિયા મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ મગનભાઈ વડાવિયા અને વાઘજીભાઈ બોડાની પેનલનો વિજય થયો હતો. છેલ્લા ત્રણ દાયકામાં 1988, 1995, 2001 અને 2021માં જ ચૂંટણી યોજાઈ હતી, જ્યારે મોટાભાગે યાર્ડમાં બિનહરીફ અથવા સમરસ બોડી બની હતી.
મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણી જાહેર, ફોર્મ ભરવાની શરૂઆત:16 બેઠકો માટે ભાજપ સામે ખેડૂત પરિવર્તન પેનલ મેદાનમાં
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
