મોરબી LCB એ વાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:બે આરોપીઓ 5.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ગુનામાં વપરાયેલી બાઈક પણ જપ્ત

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

મોરબી LCB એ વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ સહિત કુલ 5.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સિટી અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડનો સ્ટાફ CCTV ફૂટેજ, ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારો દ્વારા માહિતી એકત્રિત કરી રહ્યો હતો. તપાસ દરમિયાન, અમદાવાદ-રાજકોટ હાઈવે રોડ પર વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે બાતમીના આધારે નંબર પ્લેટ વગરની નવી બજાજ પલ્સર મોટરસાઇકલ પર જઈ રહેલા બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી પૂછપરછ કરવામાં આવી. તેમની તલાશી લેતા બંને ઘરફોડ ચોરીઓમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, સિક્કા અને રોકડ રકમ મળી આવી હતી. સઘન પૂછપરછ દરમિયાન, બંનેએ આ ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે 5.42 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી જયસિંઘ ઉર્ફે રાણા શેરાસિંઘ બાવરી (ઉં.વ. 22, રહે. વડોદરા, દંતેશ્વર, ચિંતનનગર) અને અર્જુનસિંઘ હીરાસિંઘ પટવાઈ સિકલીગર શીખ (ઉં.વ. 19, રહે. બાવળા, કુમારશાળા પાછળ, પઢારવાસ, જિ. અમદાવાદ) ને પકડી પાડ્યા છે. વધુ કાર્યવાહી માટે તેમને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ટંકારા પોલીસ સ્ટેશનની ચોરીનો મુદ્દામાલ પણ ત્યાં સોંપી દેવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *