મ્યાનમારે રાખાઈન રાજ્યમાં એરસ્ટ્રાઈક કરી, 49નાં મોત:સેનાએ બજાર નજીક બોમ્બ ફેંક્યા; આ વિસ્તાર બળવાખોર જૂથના કબજામાં છે, 58 લોકો ઘાયલ

📅 Published: September 29, 2026 | 📂 Category: International

મ્યાનમારની સેનાએ સોમવારે પશ્ચિમી રાખાઇન રાજ્યમાં એક બજાર પાસે હવાઈ હુમલો કર્યો. તેમાં ઓછામાં ઓછા 49 લોકોનાં મોત નીપજ્યાં છે અને 58 લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર શક્તિશાળી બળવાખોર સંગઠન અરાકાન આર્મીના કબજામાં છે. હુમલા સમયે બજારમાં દુકાનદારો અને ગ્રાહકોની ભીડ હતી. અરાકાન આર્મીએ હુમલામાં લોકોનાં મોત થયાની માહિતી આપી છે. અરાકાન આર્મી અનુસાર, સેનાના લડાકુ વિમાને બજાર પાસે બે બોમ્બ ફેંક્યા હતા. ઘાયલોમાંથી 22ની સ્થિતિ ગંભીર છે. જોકે, મ્યાનમારની સેનાએ હુમલા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. અરાકાન આર્મીએ વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી અરાકાન આર્મીએ મંગળવારે વહેલી સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે તે હુમલા માટે જવાબદાર લોકો અને સંગઠનો વિરુદ્ધ ટૂંક સમયમાં વળતી કાર્યવાહી કરશે. સંગઠને આરોપ લગાવ્યો કે જાણીજોઈને કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનાં મોત થયાં છે. મ્યાનમારની સેનાએ હુમલા અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, સેના અગાઉ કહેતી રહી છે કે તેના હવાઈ હુમલાઓનું નિશાન માત્ર સૈન્ય ઠેકાણાં હોય છે. તે સૈન્ય શાસનનો વિરોધ કરતા સંગઠનો પર આતંકવાદમાં સામેલ હોવાનો આરોપ પણ લગાવતી રહી છે. 2021માં સૈન્ય બળવા બાદથી સંઘર્ષ ચાલુ મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ સેનાએ આંગ સાન સૂ ચીની ચૂંટાયેલી સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા. સુરક્ષા દળોએ આ પ્રદર્શનોને બળજબરીથી દબાવી દીધા, જેના પછી સૈન્ય શાસનના અનેક વિરોધીઓએ હથિયારો ઉઠાવી લીધા. ત્યારથી દેશના મોટા ભાગમાં સંઘર્ષ ચાલુ છે. અરાકાન આર્મી રાખાઇનના વંશીય લઘુમતી સમુદાયને વધુ સ્વાયત્તતા અપાવવાની માંગ કરતા આંદોલનનું સશસ્ત્ર સંગઠન છે. તેણે નવેમ્બર 2023માં રાખાઇનમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદ સંગઠને રાજ્યની 17માંથી 14 ટાઉનશિપ અને એક મહત્વપૂર્ણ પ્રાદેશિક સૈન્ય મુખ્યાલય પર કબજો કરી લીધો. સેનાના પ્રતિબંધોને કારણે ખાદ્ય અને પીણાની વસ્તુઓની અછત રાખાઇનમાં લડાઈ તેજ બન્યા બાદ મ્યાનમારની સેનાએ વેપારી માર્ગો પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. તેના કારણે વિસ્તારમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓની અછત વધી ગઈ છે. આ પહેલાં ડિસેમ્બરમાં રાખાઇનના મ્રાઉક-યૂ ટાઉનશિપમાં આવેલી એક હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *