યુથ કોંગ્રેસના નેતાઓ સાથે સંયુક્ત પોલીસ કમિશનરને મળીને રજૂઆત:પોલીસ વાહન રોકનાર મોડેલની એફઆઈઆર પાછી ખેંચવાની માગ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

મુંબઈમાં ઝેન-ઝી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વાન રોકીને ચર્ચામાં આવેલી મોડેલ રિયા આહિરે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવાની માંગ કરી છે. સાથે જ સોશિયલ મિડિયા પર તેમને અને અન્ય યુવતીઓને ધમકીઓ તથા અપમાનજનક ટિપ્પણીઓ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ પણ તેમણે પોલીસને કરી છે. આ મામલે મુંબઈ યુથ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મનોજ શર્માની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળે રિયા આહિર સામે નોંધાયેલી એફઆઈઆર તેમજ વિરોધ પ્રદર્શન બાદ તેમને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ઓનલાઈન હેરાનગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુથ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, મનોજ શર્માએ એફઆઈઆર પાછી ખેંચવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપી હતી. સાથે જ રિયાને ધમકીભર્યા સંદેશા મોકલનારા લોકોની તપાસ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી. બેઠક બાદ રિયા આહિરે જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન અને તેનો વીડિયો વાયરલ થયા બાદથી તેમને સોશિયલ મીડિયા પર સતત અપમાનજનક કોમેન્ટ્સ અને ધમકીઓ મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.મુંબઈ પોલીસ કમિશનર કાર્યાલય પહોંચેલા પ્રતિનિધિમંડળમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હરગુન સિંહ અને મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ઝીનત શબરીન સામેલ હતા. હરગુન સિંહે એફઆઈઆર પાછી ખેંચવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચવા માટેનું જાહેરનામું અગાઉથી જ જારી કરવામાં આવ્યું છે. 22 જુલાઈએ દાદરના શિવાજી પાર્કમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા યુવાનોને લઈ જતી પોલીસ વાન સામે રિયા આહિર ઉભી રહી હતી. ગ્રે હૂડી પહેરીને પોલીસ વાન રોકતી તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેઓ આ વિરોધ પ્રદર્શનનો જાણીતો ચહેરો બની ગયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *