યુનાઇટેડ વે અને VNFમાં એકસાથે 45 હજાર ખેલૈયાઓ બૂમ પડાવશે:LVPમાં ₹15 હજારમાં 'રોયલ ગરબા', વડોદરાની નવરાત્રિમાં ટિકિટ ₹499થી લઈ ₹22 હજારમાં VVIP 'કાર પૂલ કોમ્બો'

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરની નવરાત્રિ સમગ્ર વિશ્વમાં તેની ભવ્યતા અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ નવરાત્રિ નજીક આવતા જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાની રમઝટ બોલાવવા માટે યુવાનો અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. આ સાથે આયોજકો દ્વારા પણ તમામ ગરબા ગ્રાઉન્ડ્સ સજ્જ કરવામાં આવી રહ્યા છે. યુનાઈટેડ વે ઓફ બરોડા અને VNFમાં એકસાથે 45 હજાર ખેલૈયાઓ બૂમ પડાવશે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા મહોત્સવમાં 22 હજારમાં VVIP ‘કાર પૂલ કોમ્બો અને ₹15 હજારમાં ‘રોયલ ગરબા’ની ખેલૈયાઓ મજા માણશે. જ્યારે વિવિધ ગરબા મહોત્સવમાં થીમ પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે. યુનાઈટેડ વે ઓફ બરોડામાં તૈયારીઓનો ધમધમાટ
અટલાદરા સ્થિત એમ.એમ.પટેલ ફાર્મમાં આયોજિત ‘યુનાઈટેડ વે ઓફ બરોડા’માં અતુલ પુરોહિતના તાલે દરરોજ 40,000થી વધુ ખેલૈયાઓ રમશે. જેમાં સંપૂર્ણ ડિજિટલ પ્રવેશ અને ઓનલાઈન ઈ-પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. પાસનું રજિસ્ટ્રેશન અને બુકિંગ પ્રક્રિયા તેમની અધિકૃત વેબસાઈટની સાથે મોબાઈલ એપ મારફતે સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવ્યું છે. ખેલૈયાઓએ ઓનલાઈન ફોર્મ ભરી પોતાનું આઈડી પ્રૂફ અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો છે. ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી ઈ-પાસ સ્કેન કરીને જ થશે
યુનાઈટેડ વે ઑફ બરોડાના પ્રમુખ તારક પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણ સારું છે, જેથી સરસ ગરબા થવાની આશા છે. હાલ ગ્રાઉન્ડ પર ઘાસ પથરાઈ ગયું છે અને ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. રજીસ્ટર્ડ થયેલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમાં તેમનો ઈ-પાસ આવશે. ફોનમાં ઈ-પાસ સ્કેન કરાવી જ પ્રવેશ મેળવી શકાશે. આ એપ્લિકેશન દ્વારા ખેલૈયાઓ સાથે સરળતાથી સંપર્ક જાળવી શકાશે, જે ગરબા પછી પણ કમ્યુનિકેશન માટે ઉપયોગી રહેશે. આ ઉપરાંત, બોયઝ માટેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ગર્લ્સ માટેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થવાના આરે છે. LVP ગરબામાં ₹ 22,500નો કાર કોમ્બો
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ (LVP) હેરિટેજ ગરબા મહોત્સવમાં સચિન લિમાયે અને અશિતા લિમાયે પોતાના સુર રેલાવશે. અહીં દરરોજ 30,000થી વધુ ખેલૈયાઓ ઘૂમતા હોય છે. જેના માટે ઓનલાઈન પાસનું બુકિંગ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે, જેમાં આ વર્ષે ₹22,500ની કિંમતનો ‘Car Pool Combo’ પાસ ગરબાપ્રેમીઓમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યો છે. આ ખાસ કોમ્બો પાસ ખરીદનારને 2 પુરુષ અને 2 મહિલા ખેલૈયાઓ માટે આખા 9 દિવસ ગરબા રમવાનો સિઝન પાસ મળશે. તેમજ પેલેસના નિયુક્ત વિસ્તારમાં 1 કાર માટેની ખાસ પાર્કિંગ સુવિધા પણ આપવામાં આવશે. ₹10,620થી ₹14,750ની LVPની રોયલ ટિકિટ
લક્ષ્મી વિલાસ પેલેસમાં આયોજિત ગરબા માત્ર રમવા માટે જ નહીં, પણ તેના રોયલ અનુભવ માટે પણ જાણીતા છે. આ વર્ષે આયોજકો દ્વારા ખાસ ‘Utsav-The Royal Garba Experience’ પાસ રજૂ કરવામાં આવ્યા છે, જેની એક ટિકિટનો ભાવ 10,620 રૂપિયાથી શરૂ થઈ 14,750 રૂપિયા સુધી પહોંચે છે. આ પાસ સામાન્ય ટિકિટ કરતા સાવ અલગ છે અને ગરબા રસિકોને એક એકસક્લુસિવ રોયલ અનુભવ પૂરો પાડશે. આ પ્રીમિયમ ‘ઉત્સવ’ પાસ ધારકો માટે ખાસ VVIP સીટિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાંથી આરામથી બેસીને ગરબાનો આનંદ માણી શકાશે. આ ઉપરાંત માતાજીની પવિત્ર મહાઆરતીમાં ખાસ હાજરી આપવાનો અવસર મળશે, જેમાં રોજ મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ હાજરી આપે છે અને મુખ્ય ગ્રાઉન્ડ પર ગરબા રમવા માટેનો ‘પ્લેયર પાસ’ પણ આમાં જ સામેલ છે. ગરબા રસિકો માટે ટ્રેડિશનલ પોશાક ફરજિયાત
સ્થળ પર પહોંચતા જ VVIP ગેટથી સ્પેશિયલ એન્ટ્રી, પ્રીમિયમ પાર્કિંગ તેમજ પેલેસના વિશાળ પરિસરમાં આવવા-જવા ખાસ શટલ સર્વિસ આપવામાં આવશે. એટલું જ નહીં, આ શાહી અનુભવને વધુ ખાસ બનાવવા VIP ફૂડ સ્ટોલનું વાઉચર પણ મળશે, જેથી ખેલૈયાઓ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશે. આ બધી જ વ્યવસ્થા અને મહેમાનોની સુવિધા માટે એક પર્સનલ ગેસ્ટ રિલેશનશિપ એક્ઝિક્યુટિવ સતત હાજર રહેશે. તમામ ગરબા રસિકો માટે ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ પોશાક પહેરીને આવવું ફરજિયાત છે અને 14 વર્ષથી ઉપરના લોકો જ અહીં ગરબા રમી શકશે. જાણો VNF ગરબામાં શું છે વ્યવસ્થાઓ?
શહેરમાં સુપ્રસિદ્ધ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ(VNF)માં આ વર્ષે ખેલૈયાઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. આ વર્ષે સમગ્ર ગરબા મહોત્સવ ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ-કેસુડાના ફૂલની થીમ હેઠળ યોજાશે, જેમાં કેસૂડાના ભવ્ય 264 ઝૂમખાં સમગ્ર ગ્રાઉન્ડમાં નવી ઊર્જા અને નવચેતના પૂરી પાડશે. નારંગી રંગના ત્રણ જુદા જુદા શેડ્સ ધરાવતી પાંદડીઓ દ્વારા સમગ્ર પરિસરને આકર્ષક રોશની અને ડિઝાઇનથી સજ્જ કરવામાં આવશે. 45 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમશે
છેલ્લા 12 વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતા આ ઉત્સવમાં 45 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમશે. આ વખતે ગ્રાઉન્ડનો ઘેરાવો અને ક્ષમતા વધારવામાં આવી હોવાથી 70 હજારથી વધુ ખેલૈયાઓ અને દર્શકો હાજર રહે તેવી શક્યતા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આરોહી ગ્રૂપના ગૌતમ દબીર અને તેમની સંગીત ટીમ દ્વારા આ વર્ષે ખેલૈયાઓ માટે 4 સંપૂર્ણપણે નવા ગરબા રજૂ કરવામાં આવશે. જેમાં ‘રાધા ખીલી છે રંગભીની રાત’, ‘રૂમઝૂમ કરતી આવી માડી’, ‘કાનજી કાળો ને ગોરી ગોવાલણ’ અને ‘મા તું 14 ભુવનમાં રહેતી’ જેવા મનમોહક ગરબાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈન્ટર્વલ પહેલાં મા દુર્ગાની વધારાની ખાસ સ્તુતિ પણ રજૂ કરવામાં આવશે, જેનાથી ખેલૈયાઓને આ વખતે કુલ બે સ્તુતિ સાંભળવાનો અને ભક્તિભાવમાં લીન થવાનો લાભ મળશે. અંગદાન અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે
ગરબાના આ મંચ પરથી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વર્ષે ‘અંગદાન જાગૃતિ’ થીમ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ પર લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેલ્ફી ઝોન અને પ્રોપ્સ તૈયાર કરવામાં આવશે. ગરબા માટેનું ગ્રાઉન્ડ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જો વરસાદ પડશે તો પણ ગણતરીના સમયમાં જ ગ્રાઉન્ડમાંથી પાણી નીકળી જશે અને ગરબા કરી શકાશે. વરસાદનું વિઘ્ન ખેલૈયોયાઓની મઝા નહીં બગાડે. આ પણ વાંચો: આ નવરાત્રિમાં જાણો કયા સિંગર ક્યાં પરફોર્મ કરશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *