યુરોપના 6 દેશોમાં Gen-Zનું શિક્ષણ-મોંઘવારી મામલે પ્રદર્શન:ફ્રાન્સમાં આગચંપી-લૂંટફાટ, ઇટાલીમાં સ્કૂલો પર કબજો, ગ્રીસમાં સંસદ સામે બેઠા આંદોલનકારીઓ

📅 Published: October 19, 2026 | 📂 Category: International

યુરોપના 6 દેશોમાં શિક્ષણનો વધતો ખર્ચ, મોંઘવારી, બેરોજગારી અને મોંઘા મકાનો મામલે પ્રદર્શનો થઈ રહ્યાં છે. ફ્રાન્સમાં સ્કૂલોની ખરાબ સ્થિતિ અને શિક્ષકોની અછત સામેના હિંસક વિરોધમાં અત્યાર સુધી 1800 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્પેનમાં ઘર ખરીદવું તો દૂર, ભાડું ચૂકવવું પણ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ, ગ્રીસમાં 10 વર્ષમાં ભાડું 3 ગણું વધી ગયું છે. બેલ્જિયમ, ઇટાલી અને અલ્બેનિયામાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ પર ખર્ચ વધારવા, રોજગાર અને વધુ સારી સુવિધાઓની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. ફ્રાન્સ: 140 શહેરોમાં પ્રદર્શન, 1800 લોકોની ધરપકડ ફ્રાન્સમાં સ્કૂલોની ખરાબ સ્થિતિ, શિક્ષકોની અછત અને વધતી મોંઘવારીના વિરોધમાં 17 ઑક્ટોબરે 140 શહેરોમાં પ્રદર્શનો થયા. લગભગ 8 લાખ લોકો રસ્તા પર ઉતર્યા. તેમાં વિદ્યાર્થી સંગઠનો સાથે ટ્રેડ યુનિયન અને કર્મચારીઓ પણ સામેલ હતા. પેરિસ, માર્સેઈ અને બોર્ડો સહિત અનેક શહેરોમાં તોડફોડ અને લૂંટફાટ થઈ. લીમોઝમાં 143 વર્ષ જૂના ઐતિહાસિક સિટી હોલમાં આગ લગાવી દેવામાં આવી અને અનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યા. 18 ઑક્ટોબર સુધીમાં આશરે 1800 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 500થી વધુ પોલીસકર્મીઓ, સુરક્ષાકર્મીઓ અને ફાયરના જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂ અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને હિંસાની નિંદા કરી છે. સરકારનું કહેવું છે કે કેટલાક હિંસક જૂથોએ શાંતિપૂર્ણ પ્રદર્શનનો ફાયદો ઉઠાવ્યો. ઇટલી: સ્કૂલોની સ્થિતિને લઈને 30 ઑક્ટોબરે હડતાળનું એલાન ઇટલીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પર સરકારી ખર્ચમાં ઘટાડો, જર્જરિત સ્કૂલો અને અભ્યાસના વધતા ખર્ચ સામે પ્રદર્શન કરી રહ્યા છે. રોમ અને તુરીન સહિતના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ સ્કૂલો પર કબજો કરી લીધો છે. 16 ઑક્ટોબરે રોમમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રાલય તરફ કૂચ કરીને પહોંચ્યા હતા. તેમણે શિક્ષણ મંત્રી જ્યુસેપે વાલ્દિતારાના નિર્ણયોનો વિરોધ કર્યો. આ પહેલાં થયેલા પ્રદર્શનો દરમિયાન પોલીસ સાથે અથડામણ અને પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. હવે વિદ્યાર્થી સંગઠનો આ આંદોલનમાં કર્મચારીઓને પણ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ 30 ઑક્ટોબરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓની માંગ છે કે શિક્ષણ પર સરકારી ખર્ચ વધારવામાં આવે, સ્કૂલોની સ્થિતિ સુધારવામાં આવે અને સસ્તી હોસ્ટેલની સુવિધા આપવામાં આવે. સ્પેન: વધતા ભાડા સામે પ્રદર્શન સ્પેનમાં મોંઘા મકાનો અને વધતા ભાડા વિરુદ્ધનું આંદોલન અનેક શહેરોમાં ફેલાઈ ગયું છે. રાજધાની મેડ્રિડના સોલ ચોકમાં પ્રદર્શનકારીઓ ઘણા દિવસોથી ટેન્ટ લગાવીને બેઠા છે. સપ્ટેમ્બરના અંતમાં 87 વર્ષની એક વૃદ્ધ મહિલાને ભાડું વધવાને કારણે ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યાર બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું. પ્રદર્શનકારીઓ ભાડા પર નિયંત્રણ મૂકવાની, લોકોને ઘરમાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ લગાવવાની અને સસ્તા સરકારી મકાનો બનાવવાની માંગ કરી રહ્યા છે. ભાડૂતોના સંગઠનો અને આવાસ અધિકારો માટે કામ કરતા જૂથો આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. મેડ્રિડ ઉપરાંત અન્ય શહેરોમાં પણ રેલીઓ કાઢવામાં આવી છે. પ્રધાનમંત્રી પેદ્રો સાંચેઝની સરકારે આવાસ સંકટ દૂર કરવા માટે પગલાં લેવાની વાત કહી છે, પરંતુ પ્રસ્તાવિત ઉપાયો અંગે રાજકીય સહમતિ બની શકી નથી. આ દરમિયાન, 29 નવેમ્બરે સમય પહેલાં ચૂંટણી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ગ્રીસ: હોસ્ટેલની અછત સામે તંબુ લગાવીને પ્રદર્શન ગ્રીસની રાજધાની એથેન્સમાં વિદ્યાર્થીઓએ સંસદ સામે તંબુ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ હોસ્ટેલની અછત, મોંઘા ભાડા અને અભ્યાસના વધતા ખર્ચથી પરેશાન છે. વિદ્યાર્થી સંગઠનો અનુસાર, દેશમાં બહુ ઓછા વિદ્યાર્થીઓને હોસ્ટેલ મળી શકે છે. લગભગ 96% વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા મળતી નથી, જ્યારે છેલ્લા 10 વર્ષમાં રૂમનું ભાડું ત્રણ ગણું વધી ગયું છે. કેટલાક નાના રૂમોનું માસિક ભાડું 600 યુરો સુધી પહોંચી ગયું છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ભાડાની મર્યાદા નક્કી કરવા, સરકારી હોસ્ટેલ બનાવવાની, શિષ્યવૃત્તિ વધારવાની અને યુનિવર્સિટીઓનું બજેટ વધારવાની માંગ કરી રહ્યા છે. આંદોલનનું નેતૃત્વ વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યા છે. બેલ્જિયમ: શિક્ષણ બજેટમાં કાપ સામે રોષ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં શિક્ષણ બજેટમાં કાપ અને સુધારાઓના વિરોધમાં વિદ્યાર્થીઓએ માર્ચ કાઢ્યો. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને પોલીસ પર વસ્તુઓ ફેંકી. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને પાણીનો મારો કર્યો. 18 ઑક્ટોબરના અહેવાલ મુજબ, પ્રદર્શન દરમિયાન 150 લોકોની ધરપકડ કરવામાં આવી. પાંચ પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યા છે. સરકારે હિંસાની નિંદા કરી છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાની વાત કહી છે. અલ્બાનિયા: વડાપ્રધાનના રાજીનામાની માગ અલ્બાનિયાની રાજધાની તિરાનામાં મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને યુનિવર્સિટીઓની ખરાબ સ્થિતિ સામે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. હજારો યુવાનો 15 ઑક્ટોબરે શિક્ષણ મંત્રાલયની બહાર એકત્ર થયા અને વડાપ્રધાન એદી રામાના રાજીનામાની માગ કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. સરકારી ઇમારતો અને બેંકોમાં પણ આગ લગાવવામાં આવી. પાંચ દિવસથી ચાલી રહેલા આંદોલનમાં 167 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ઘણા પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. આંદોલનમાં વિદ્યાર્થી સંગઠનો ઉપરાંત સરકારથી નારાજ અન્ય લોકો પણ સામેલ છે. વડાપ્રધાન રામાએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની ઓફર કરી છે, પરંતુ તોડફોડ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કહી છે. તેમનું કહેવું છે કે હિંસાથી અલ્બાનિયાના યુરોપિયન યુનિયનમાં જોડાવાના પ્રયાસોને નુકસાન થઈ શકે છે. ————————


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *