આ વર્ષે જૂનથી ઑગસ્ટ દરમિયાન યુરોપમાં ભીષણ ગરમીને કારણે 50,391 લોકોનાં મૃત્યુ થયાં. આમાંથી 32,619 મૃત્યુ માટે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ને જવાબદાર માનવામાં આવ્યું છે. કોલસા, તેલ અને ગૅસ સળગાવવાથી વધતા વૈશ્વિક તાપમાને ગરમીને વધુ જીવલેણ બનાવી દીધી. ઇમ્પિરિયલ કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોએ યુરોપનાં 854 શહેરોના તાપમાન અને મૃત્યુના આંકડાઓનો અભ્યાસ કરીને આ અંદાજ લગાવ્યો. આ શહેરોમાં યુરોપની આશરે 40% વસ્તી રહે છે. 2022ની સરખામણીએ આ વખતે ગરમીને કારણે થતાં મૃત્યુમાં 71%નો વધારો થયો. તે વર્ષે 29,480 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સૌથી વધુ મૃત્યુ ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં થયાં છે. ગરમીને કારણે 20થી 44 વર્ષની વયના 800થી વધુ લોકોનાં પણ મૃત્યુ થયાં. એકલા 17 જૂનથી 1 જુલાઈ વચ્ચે જ આશરે એક તૃતીયાંશ મૃત્યુ થયાં. આ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 5.3°C વધુ હતું. સંશોધકોના જણાવ્યા અનુસાર, મે મહિનાની હીટવેવને સામેલ કરવામાં ન આવી હોવાથી વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે યુરોપનું માળખું આટલી ભીષણ ગરમીનો સામનો કરવા માટે તૈયાર નથી. 75 વર્ષમાં ધરતીનું તાપમાન 2.8°C વધવાની આશંકા યુએનઈપીના એમિશન્સ ગૅપ રિપોર્ટ મુજબ, વર્તમાન નીતિઓ ચાલુ રહેશે તો આગામી 75 વર્ષમાં ઔદ્યોગિક યુગ પહેલાંની સરખામણીમાં ધરતીનું તાપમાન 2.8 ડિગ્રી વધુ વધી શકે છે. ગોયલે કહ્યું- યુરોપ આઠ ગણું વધુ કાર્બન ઉત્સર્જન કરી રહ્યું છે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે બર્લિન ગ્લોબલ ડાયલોગમાં વિકસિત દેશો પર ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવાની જવાબદારી ન નિભાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે યુરોપમાં પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન ભારત કરતાં 7-8 ગણું વધુ છે. વિકસિત દેશોએ મદદ માટે દર વર્ષે 9.49 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ 11 વર્ષ વીતી ગયા છતાં અમને એક પૈસો પણ મળ્યો નથી. બંગાળની ખાડીમાં ત્રણ દિવસ બાદ ચક્રવાતની શક્યતા બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશરનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે તે 24 ઑક્ટોબરે ડિપ્રેશન, 25મીએ ડીપ ડિપ્રેશન અને 26 ઑક્ટોબરની સવારે ચક્રવાત બની શકે છે. ત્યારબાદ તે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. બંને રાજ્યોમાં 27થી 29 ઑક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
યુરોપમાં ગરમીથી આ વર્ષે રેકોર્ડ 50 હજાર મૃત્યુ:65% મૃત્યુનું કારણ ક્લાઈમેટ ચેન્જ, 2022ની સરખામણીએ 71% વધુ; 854 શહેરો પર અભ્યાસ
📅 Published: October 24, 2026 |
📂 Category: International
